કેવડા ત્રીજ 2020 : જાણો, કેવી રીતે કેવડા ત્રીજની શરૂઆત થઇ?
- સનાતન ધર્મમાં ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ વ્રત રાખવાની પરંપરા છે
નવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ 2020, ગુરુવાર
આવતીકાલે કેવડા ત્રીજનું વ્રત છે. સનાતન ધર્મમાં પરણિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે કેવડા ત્રીજનું વ્રત રાખે છે. હરતાલિકા ત્રીજ એટલે કે કેવડા ત્રીજના દિવસે મહિલાઓ આખો દિવસ નિરાહાર રહીને આ વ્રત કરે છે. આ સાથે જ મહિલા આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે. સાંજે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે તથા વ્રત કથા સાંભળે છે. મહિલાઓ ત્રીજ પર માતા પાર્વતીને પરિણીતાનો સામાન - બંગડી, બિન્દી, સિંદૂર, ચુંદડી, લાલ રિબન, અલતો, મહેંદી, અરીસો, કાંસકો અને વસ્ત્ર પણ અર્પણ કરે છે. જાણો, ત્રીજની વ્રત કથા...
કેવડા ત્રીજની વ્રત કથા
ભારતીય શાસ્ત્રીય પરંપરાના જાણકાર જણાવે છે કે દેવાધિદેવ મહાદેવને પતિદેવ સ્વરૂપમાં પ્રાપ્ત કરવાની ઇચ્છાથી બાળપણમાં હિમાલય પુત્રી ગૌરીએ ગંગા કિનારે અધોમુખી થઇને ઘોર તપ કર્યો હતો. અન્ન-જળ ગ્રહણ કર્યા વગર સેંકડો વર્ષ ગૌરીએ તપ કરીને ગુજાર્યા. કડકડતી ઠંડીમાં પાણીમાં ઉભા રહીને અને તપતપતી ગરમીમાં પંચાગ્નિથી તપ કર્યુ જ્યારે વરસાદના દિવસોમાં ખુલ્લા આકાશ નીચે રહીને તપસ્યા કરી હતી. કેટલાય વર્ષો સુધી માત્ર વૃક્ષના સુકા પાંદડાંથી પોતાનું જીવન વિતાવ્યું. હિમાલય પુત્રીના તપની ચર્ચા જ્યારે દેવલોક સુધી પહોંચી ત્યારે સપ્તર્ષિઓએ પાર્વતીના શિવ પ્રેમની પરીક્ષા લીધી. પરંતુ ગૌરીને સંકલ્પ પથ પરથી વિચલિત કરવાના તમામ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયા. તેમના અટલ-અવિચલ શિવ ભક્તિથી સપ્તર્ષી પ્રસન્ન થયા અને મહાદેવને આ વિશે જાણ કરી. કહેવાય છે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ત્રીજે હથિયા નક્ષત્રમાં ગૌરીએ રેતીના શિવલિંગ બનાવીને આખી રાત પૂજા કરી હતી. તેનાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા અને ગૌરીની સામે આવીને તેમને દર્શન આપ્યા. શિવજીએ ગૌરી તપસ્યાથી પ્રસન્ન થઇને વરદાન માંગવા માટે કહ્યું. તે જ સમયે ગૌરીએ શિવ પાસે તેમની અર્ધાંગિની તરીકે સ્વીકારવાનું વરદાન માંગ્યું. ત્યારથી જ ઇચ્છિત વર પ્રાપ્ત કરવા અને પતિના લાંબા આયુષ્ય માટે કેવડા ત્રીજનું વ્રત રાખવામાં આવે છે. કેટલીક જગ્યાઓએ કુંવારી કન્યાઓ પણ સારા વરની કામના માટે આ વ્રત રાખે છે.
કેવડા ત્રીજની પરંપરા
કેવડા ત્રીજ વ્રતનું પ્રચલન પ્રાચીનકાળથી છે. માન્યતા છે કે ભગવાન શિવને પતિ સ્વરૂપ મેળવવા માટે સૌથી પહેલા માતા પાર્વતીએ હરતાલિકા ત્રીજ વ્રતનું અનુષ્ઠાન કર્યુ હતુ. કેટલાક લોકો તેને શિવ-પાર્વતીના પુનર્મિલન તરીકે અને કેટલાક લોકો આ વ્રત શિવને અમરત્વ પ્રદાતા વ્રત તરીકે પણ મનાવે છે.