હનુમાન જન્મોત્સવ: બજરંગબલીને કેમ ચડાવવામાં આવે છે સિંદૂર? જાણો ધાર્મિક માન્યતા
Image Source: Twitter
Hanuman Janmotsav 2025: આજે એટલે કે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતા પ્રમાણે બજરંગબલીનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો, તેથી દર વર્ષે આ દિવસે હનુમાન જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે કેસરી નંદનની પૂજા કરવાથી ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. હનુમાનજીની પૂજામાં સિંદૂરનું ખૂબ મહત્વ છે. તો આજે અમે તમને જણાવીશું કે હનુમાનજીને સિંદૂર ચઢાવવા પાછળની માન્યતા શું છે.
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે એક વખત માતા સીતાએ પોતાની માંગમાં સિંદૂર લગાવ્યું હતું. તે સમયે હનુમાનજી પણ ત્યાં જ હતા. માતા સીતાને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ ખૂબ જ આશ્ચર્ય સાથે પૂછ્યું કે તમે તમારા વાળમાં સિંદૂર કેમ લગાવી રહ્યા છો? ત્યારે માતા સીતાએ હસતાં-હસતાં કહ્યું કે, સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય વધે છે. એટલા માટે હું કૌશલ્યા નંદન ભગવાન રામના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે આ સિંદૂર લગાવી રહી છું.
આ પણ વાંચો: સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય હનુમાન જન્મોત્સવ, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન
બજરંગબલીએ ભગવાન રામના લાંબા આયુષ્ય માટે આખા શરીર પર સિંદૂર લગાવ્યું
જ્યારે હનુમાનજીને ખબર પડી કે, સિંદૂર લગાવવાથી ભગવાન રામનું આયુષ્ય વધે છે, ત્યારે તેમણે પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી દીધું. જ્યારે ભગવાન રામે બજરંગબલીને સિંદૂરથી સંપૂર્ણપણે રંગાયેલા જોયા ત્યારે તેમણે હનુમાનને પૂછ્યું કે તમે આ સિંદૂર તમારા આખા શરીર પર કેમ લગાવ્યું છે? ત્યારે બજરંગબલીએ કહ્યું - હે પ્રભુ, માતા સીતાએ તમારા લાંબા આયુષ્ય માટે પોતાની માંગમાં સિંદૂર લગાવ્યું છે. હું પણ ઈચ્છું છું કે તમારું આયુષ્ય ખૂબ વધે તેથી મેં મારા આખા શરીર પર સિંદૂર લગાવી દીધુ છે.
બજરંગબલીને સિંદૂર ચઢાવવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય
હનુમાનજીની ભક્તિ અને સમર્પણ જોઈને ભગવાન શ્રી રામ તેમનાથી ખૂબ પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા. ભગવાન રામે કહ્યું કે, જે કોઈ ભક્ત તમને સિંદૂર ચઢાવશે તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેને મારા આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. કહેવાય છે કે ત્યારથી હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે. જે કોઈ ભક્ત હનુમાનજીને સિંદૂર ચઢાવે છે તેને બજરંગબલીની સાથે-સાથે ભગવાન રામના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.