આજે છે ગુડ ફ્રાયડે... જાણો આ ખાસ દિવસની અજાણી એવી આ વાત
નવી દિલ્હી, 10 એપ્રિલ 2020, શુક્રવાર
ગુડ ફ્રાયડે ઈસાઈ ધર્મને માનનાર લોકોનો મુખ્ય તહેવાર છે. ઈસાઈ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ યીશુએ માનવતાની રક્ષા માટે પોતાના પ્રાણની આહૂતિ આપી હતી. આ દિવસ ઈસાઈ ધર્મના અનુયાયી ચર્ચમાં જઈ પ્રભુ યીશુને યાદ કરે છે. જો કે આ વર્ષે કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે એટલે ગુડ ફ્રાયડેના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. લોકો પોતાના ઘરમાં જ રહીને પ્રભુને યાદ કરી તહેવાર ઉજવશે.
ગુડ ફ્રાઈડનું મહત્વ
દર વર્ષે ગુડ ફ્રાયડે માર્ચ અથવા એપ્રિલ કે પછી મે માસમાં આવે છે. આ વર્ષે ગુડ ફ્રાયડે 10 એપ્રિલએ છે. ગુડ ફ્રાયડેને હોલી ફ્રાયડે અથવા બ્લેક ફ્રાયડે તરીકે પણ ઉજવવામાં આવે છે. ઈસાઈ ધર્મ ગ્રંથ અનુસાર યીશુનો કોઈ દોષ ન હતો તેમ છતાં તેમને ક્રોસ પર લટકાવી દેવામાં આવ્યા. તેમણે પોતાની હત્યા કરનારની ઉપેક્ષા કરવાને બદલે યીશુએ તેમના માટે પ્રાર્થના કરી કે, ઈશ્વર તેમને ખબર નથી તે શું કરી રહ્યા છે તેથી તેમને ક્ષમા કરો. ત્યારથી આ દિવસને ગુડ ફ્રાયડે તરીકે ઉજવાય છે. ક્રોસ પર લટકાવ્યાના ત્રીજા દિવસે એટલે રવિવારે ઈસુ જીવિત થયા હતા. આ દિવસને ઈસ્ટર સંડે તરીકે ઉજવાય છે.
યીશુના શા માટે ક્રોસ પર લટકાવ્યા ?
ઈસા મસીહ પરમેશ્વરના પુત્ર હતા. તેમને ક્રોસ પર એટલા માટે લટકાવી દેવામાં આવ્યા કારણ કે તે લોકોને અંધકારમાંથી બહાર લાવવા શિક્ષિત અને જાગૃત કરી રહ્યા હતા. તે સમયે યહુદીના કટ્ટરપંથી રબ્બિઓએ યીશુનો વિરોધ કર્યો. તેમણે રોમન ગવર્નરને યીશુની ફરિયાદ પણ કરી. રોમન હંમેશા એ વાતથી ડરતા હતા કે યહૂદી ક્રાંતિ ન કરી દે. તેવામાં કટ્ટરપંથીઓથી ખુશ થઈ તેણે યીશુને ક્રોસ પર લટકાવી મારી નાંખવા આદેશ કરી દીધો. મોત પહેલા યીશુને અનેક યાતનાઓ કરવામાં આવી. તેમને માથા પર કાંટાનો તાજ પહેરાવાયો, ત્યારબાદ તેમને ક્રોસ પર લટકાવી દેવામાં આવ્યા.
કેવી રીતે ઉજવાય છે ગુડ ફ્રાયડે ?
ગુડ ફ્રાયડેની તૈયારી અને ઉપવાસ 40 દિવસ પહેલાથી શરુ થઈ જાય છે. આ દિવસો દરમિયાન લોકો શાકાહારી ભોજન જ કરે છે. આ સાથે જ લોકો ચર્ચમાં જઈ પ્રાર્થના કરે છે. ગુડ ફ્રાયડેના દિવસે લોકો ઉપવાસ કરે છે. ચર્ચ અને ઘરમાં સજાવટ રાખવામાં આવતી નથી. ગુડ ફ્રાયડેના દિવસે ઈસાના અંતિમ સાત વાક્યોની વિશેષ વ્યાખ્યા કરવામાં આવે છે. જેમાં ક્ષમા, મેલ મિલાપ, મદદ અને ત્યાગ મુખ્ય હોય છે. કેટલાક લોકો કાળા કપડા પહેરી શોક વ્યક્ત કરે છે.
ઈસ્ટર સંડે
ઈસા મસીહ ફરીથી જીવિત થયા તે દિવસને ઈસ્ટર સંડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ચર્ચમાં એકત્ર થાય છે અને પ્રાર્થના કરે છે. ઈસા મસીહ જીવિત થયા તેની ખુશીમાં લોકો ભોજ રાખે છે અને સાથે મળી આ દિવસ ઉજવે છે.
ઈસ્ટર એગ
ઈસ્ટર પર્વ નવા જીવનનું પ્રતીક હોય છે. ઈસાઈ સમુદાયમાં ઈસ્ટર એગનું વિશેષ મહત્વ હોય છે. ઈસ્ટર સંડેના દિવસે ઈંડાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે લોકો ઈંડાના આકારના ગિફ્ટ એકબીજાને આપે છે. આ ઈંડાની સજાવટ પણ કરવામાં આવે છે.