ગુડ ફ્રાઈડે 2019 : જાણો શું છે આ દિવસનું મહત્વ અને શા માટે થાય છે ઉજવણી
અમદાવાદ, 19 એપ્રિલ 2019, શુક્રવાર
ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઈડેનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે ઈસાઈ ધર્મના પ્રવર્તક પ્રભુ ઈસુ મસીહએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આજના દિવસને ઈસાઈ અનુયાયી શોક દિવસ તરીકે
મનાવે છે. આ દિવસે ઈસાઈ ધર્મને માનતા લોકો ચર્ચમાં જઈ પ્રભુને યાદ કરે છે. આજના દિવસે ઈશુ પ્રભુને ક્રોસ પર લટકાવાયા હતા.
ઈસાઈ માન્યતાઓ અનુસાર પવિત્ર ગુરુવારની સાંજે ભોજન બાદ કોઈ ઉત્સવ નથી થતા. આ સમય ઈસ્ટરની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા સ્થળ ખાલી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા ઘરમાં ક્રોસ, મીણબત્તી, વસ્ત્ર કંઈ જ પણ ચઢતું નથી. આ ઉપરાંત જળના પાત્ર પણ ખાલી કરી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે ઈશુને ક્રોસ પર લટકાવાયા હતા તે દિવસ શુક્રવાર હતો ત્યારથી આ દિવસને ગુડ ફ્રાઈડ કહેવામાં આવે છે. ક્રોસ પર લટકાવાયાના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવારએ ઈસા મસીહ ફરી જીવિત થયા હતા. આ દિવસની ખુશી તરીકે ઈસ્ટર રવિવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ઈસ્ટર સંડે કહેવામાં આવે છે.
ઈસાઈ ધર્મ અનુસાર ઈસા મસીહ પરમેશ્વરના પુત્ર હતા. તેમને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો કારણ કે તે અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા લોકોને શિક્ષિત અને જાગૃત કરી રહ્યા હતા. તે સમયે યહૂદિઓના કટ્ટરપંથી તેમનો વિરોધ કરી રહ્યા હતા. કટ્ટરપંથીઓએ રોમન ગવર્નરને ઈશુની ફરીયાદ કરી અને તેના મનમાં ભય જાગ્યો કે યહૂદીઓ ક્રાંતિ ન કરે. એટલા માટે તેણે ઈશુને ક્રોસ પર લટકાવી અને મારી નાખવાનો આદેશ આપ્યો. જો કે ઈશુએ પોતાના હત્યારાઓની ઉપેક્ષા કરતા પ્રાર્થના કરી કે ઈશ્વર તેમને ક્ષમા કરે કારણ કે તેઓ જાણતા નથી કે તે શું કરી રહ્યા છે.