Gita Jayanti 2020 : જાણો, કેવી રીતે શ્રીમદ્ભગવદ ગીતાનો જન્મ થયો?
- માગશર સુદ અગિયારસના દિવસે ગીતા જ્યંતી મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 25 ડિસેમ્બર 2020, શુક્રવાર
હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ભગવદ્ગીતાની ઉત્પત્તિ માગશર શુક્લ અગિયારસના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણે કરી હતી. વર્ષ 2020માં માગશર શુક્લ અગિયારસ 25 ડિસેમ્બર એટલે કે આજે છે. ગીતાની ઉત્ત્પતિના આ દિવસને ગીતા જ્યંતી તરીકે મનાવવામાં આવે છે. ગીતા જ્યંતીના દિવસે શ્રીમદ્ભગવદ્ગીતાનો પાઠ કરવામાં આવે છે અને દેશભરમાં ભગવાન કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શ્રીમદ્ભગવદ્ગીતામાં કુલ 18 અધ્યાય છે, જેમાં 6 અધ્યાય કર્મયોગ, 6 અધ્યાય જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાય ભક્તિયોગ પર આધારિત છે. આ ગીતાના અધ્યાયોથી જ શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો હતો.
કેવી રીતે શ્રીમદ્ભગવદ ગીતાનો જન્મ થયો?
ભગવાન શ્રીકૃષ્ણે મહાભારત દરમિયાન મુંઝવણમાં ફંસાયેલા અર્જુનને ઉપદેશ આપ્યા હતા. જેથી તેઓ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને તેના કર્તવ્ય અને કર્મનો માર્ગ દર્શાવી શકે. માન્યતા અનુસાર કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં અર્જુન સામે પોતાના પરિવારના લોકો અને સંબંધિઓને જોઇને ભયભીત થઇ ગયા હતા. સાહસ અને વિશ્વાસથી અડગ અર્જુન મહાયુદ્ધની શરૂઆત થતાં પહેલા જ યુદ્ધ સ્થગિત કરીને રથ પર બેસી ગયા હતા.
અર્જુન શ્રીકૃષ્ણને કહે છે, 'હું યુદ્ધ નહીં કરું. હું પૂજ્ય ગુરુ તથા સગાઓને મારીને રાજ્ય સુખ પ્રાપ્ત કરવા નથી ઇચ્છતો, ભિક્ષાન્ન ખાઇને જીવન ધારણ કરવાનું યોગ્ય માનું છું.' આ સાંભળીને સારથી બન્યા ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને તેમના કર્તવ્ય અને કર્મ વિશે જણાવ્યું. તેમણે આત્મા-પરમાત્માથી લઇને ધર્મ-કર્મ સાથે સંકળાયેલી અર્જુનની દરેક શંકાનું નિદાન કર્યુ.
ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો આ સંવાદ જ શ્રીમદ્ભગવદ ગીતા છે. જે દિવસે શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો તે દિવસ માગશર શુક્લ અગિયારસ હતી. આ અગિયારસને મોક્ષદા અગિયારસ પણ કહેવામાં આવે છે. મોક્ષદા અગિયારસના દિવસે જ ગીતા જ્યંતી મનાવવામાં આવે છે.
કેવી રીતે મનાવવામાં આવે છે ગીતા જ્યંતી?
ગીતા જ્યંતીના દિવસે ઘર અને મંદિરોમાં શ્રીમદ્ભગવદ ગીતાનો પાઠ કરવામાં આવે છે. ત્યારે, કેટલાય લોકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે.