- gemini
- 21 મેથી 20 જૂન
ક્રાંતિવૃત ૬૦થી ૯૦ અંશ સુધીમાં મિથુન રાશિનો સમાવેશ થાય છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે. નક્ષત્રના અધિપતિ ગ્રહો મંગળ, રાહુ, ગુરુ થાય છે. મિથુન રાશિનું ચિહ્ન બે જોડિયા બાળકોનું છે. વાયુ તત્ત્વની દ્વિ-સ્વભાવ ધરાવતી પુરુષ રાશિ છે. આ રાશિના જાતકો બુદ્ધિશાળી તો હોય જ, પણ જો કોઈકનો સાથ મળે તો તેમનું કામ ઔર નિખરી ઉઠે છે. યોગ્ય માર્ગદર્શન મળતાં આ જાતકો સફળતા તરફ વધારે ગતિથી આગળ વધી શકે છે. વાયુ તત્ત્વની રાશિ હોવાથી આ જાતકો એક જગ્યાએ સ્થિર થઈને કામ કરી શકતા નથી. જેમાં વધારે ફરવું પડે તેવી નોકરી કે ધંધો તેમને વધારે માફક આવે છે. ચંચળતા તેમનો સ્વભાવ છે. દ્વિ-સ્વભાવની રાશિ હોવાને કારણે સચોટ નિર્ણય લઈ ન શકે. મિથુન રાશિના જાતકો કન્ફ્યુઝનમાં વધારે રહેતા હોય છે. આ જાતકોએ કોઈક ને સાથે રાખીને કામ કરવું જોઈએ. મિથુન રાશિમાં મૃગશીર્ષ, આદ્રા અને પુનર્વસુ જેવાં નક્ષત્રનો સમાવેશ થાય છે. જેમનો જન્મ મૃગશીર્ષ નક્ષત્રમાં થયો હોય એવા જાતક ઉત્સાહી અને મહેનત વધુ કરનારા હોય છે. આદ્રા નક્ષત્રમાં જન્મ થયો હોય એ જાતકો રાજનીતિ અને કૂટનીતિમાં પ્રવૃત્ત હોય અને જૂઠું બોલે તો પણ પકડાય નહીં. પુનર્વસુમાં જન્મેલા જાતકમાં ધામકતામાં વધારે હોય છે, રાજકારણી જેવા ગુણ-અવગણુ ઓછા હોય છે.
સોનાક્ષી સિંહા ૨ જૂન
આર. માધવન - ૧ જૂન
સોનમ કપૂર ૯ જૂન
શરીર - મન - સ્વાસ્થ્ય
૨૦૨૬માં મિથુન રાશિના જાતકોને શારીરિક તંદુરસ્તી પ્રબળ રહેશે. કોઈ લાંબી બીમારી આવે એવા કોઈ યોગ નથી. મિથુન રાશિના જાતકોએ જાન્યુઆરીથી જુન ૨૦૨૬ સુધી સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. એમની માનસિક શાંતિ એકંદરે સારી રહેશે. જેમને થાઇરોઇડની બીમારી હોય કે મેદસ્વિતાથી પીડાતા હોય તેમણે તબિયત ખાસ સંભાળવી.
મારું ઘર મારો પરિવાર
મિથુન રાશિના જાતકો આ વર્ષે પરિવાર - કુટુંબીજનો સાથે સારો સમય પસાર કરી શકશે. જૂન ૨૦૨૬ પછી પરિવારમાં સારો પ્રસંગ આવે, ઉત્સાહ જળવાઈ રહેશે. પરિવારમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ છે. એકંદરે પરિવારના કુટુંબીજનો સાથે ૨૦૨૬નું વર્ષ લાભ આપે એવી સંભાવના છે.
પ્રેમ - લગ્ન - સંતતિ
મિથુન રાશિના જાતક જો લગ્નનો વિચાર કરતા હોય તો તેમના માટે જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ સુધીનું સમયગાળો ઉત્તમ છે. જેમનાં લગ્ન હજુ નથી થયા તેવા ઉંમરલાયક જાતકો પ્રભુતામાં પગલાં પાડે એવી શક્યતા છે. ૨૦૨૬ના પહેલાં છ મહિનામાં પાત્ર શોધવામાં આવે તો સફળતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. પ્રેમલગ્ન કરવા ઈચ્છતા જાતકો પણ સફળ થઈ શકશે, કેમ કે એમને પરિવારનો સાથ મળી રહેશે. સંતાનપ્રાપ્તિ ઇચ્છતા યુગલો માટે ૨૦૨૬નું વર્ષ યાદગાર પૂરવાર થશે. એમના માટે પણ જાન્યુઆરી ૨૦૨૬થી ૩૧ મે ૨૦૨૬ સુધીનો સમય વધારે સારો છે. જો આ સમયગાળા દરમિયાન પ્રયત્ન કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત થવાની ઉજળી તકો છે. ટૂંકમાં પ્રેમ, સંતતિ અને લગ્ન માટે ૨૦૨૬નું વર્ષ મિથુન રાશિના જાતકો માટે સારું રહેશે.
ભણતર અને ગણતર
જે વિદ્યાર્થીઓ ડિગ્રી કોર્સ કરી રહ્યા છે તેમને લગ્નમાં રહેલા ગુરુ મહારાજ ધાર્યું પરિણામ આપશે. અલબત્ત, મહેનત કરવી જરૂરી છે. જે લોકોને એડમિશન અટક્યું તેવા જાતકોને ૨૦૨૬ દરમિયાન એડમિશન મળે એવી સંભાવના છે. એકંદરે વિદ્યાર્થીઓ માટે ૨૦૨૬નું વર્ષ સારું રહેશે.
નોકરી - ધંધો - કરીઅર
મિથુન રાશિના જાતકો જો નોકરી માટે પ્રયાસ કરી રહ્યા હોય તો ૨૦૨૬નું વર્ષ સારું રહેશે. તેમને જૂન ૨૦૨૬ પછી વધારે પ્રયત્ન કરવા જોઈએ. ધનસંપત્તિમાં એકંદરે વધારો થાય. આ વર્ષે પ્રમોશન મળવાના ચાન્સ છે. નોકરીમાં સાથે કામ કરતા લોકો સાથે સુમેળભર્યા સંબંધો વિકસાવી શકશો. જે જાતકો પાસે નોકરી નથી તેઓ જો આ વર્ષે જો પ્રયત્ન કરશે તો એમને સરસ જોબ મળી શકે. શનિ મહારાજ દસમા ભાવમાં બેઠા હોવાથી મિથુન રાશિના ધંધાર્થી જાતકોને ધંધામાં સફળતા મળે.
ગુરૂ મહારાજ લગ્નમાં બેઠાથી હોવાથી ભાગ્યમાં ઉદય થવાની સંભાવના છે. ટૂંકમાં, ૨૦૨૬ દરમિયાન મિથુન રાશિના જાતકો માટે નોકરી અને વ્યવસાય બંનેમાં સફળતાના પ્રબળ યોગ બને છે.
પૈસા યે પૈસા
જે જાતક શેરબજાર સાથે સંકળાયેલા છે તેમને મિથુન રાશિમાં બેઠેલા ગુરુ મહારાજને કારણે સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. જાન્યુઆરી ૨૦૨૬થી ૩૧ મે ૨૦૨૬ સુધી સમય સારો છે. આ દરમિયાન રોકાણ કરવામાં આવે તો સારું રિટર્ન મળી શકે. પૈસા આવશે તો સામે ખર્ચ પણ થોડા પ્રમાણમાં થશે. કદાચ કોઈ અજાણી વ્યક્તિ માટે થોડો ખર્ચ કરવો પડે.
વાહન અને જમીન
વાહન ઘર કે જમીન લેવા ઇચ્છનાર મિથુન રાશિના જાતકોએ 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી પડશે. વાહન કે મકાન ખરીદવામાં તમારી ઈચ્છા મુજબ આયોજન ન પણ થાય, કેમ કે દસમા ભાવમાં બેઠેલા શનિ મહારાજ સાતમી દૃષ્ટિથી સુખ સંપતિ ભુવન તરફ નજર કરે છે તેથી કામમાં થોડો વિલંબ થાય. ૨૦૨૬ વર્ષના અંત દરમિયાન વધારે પ્રયાસ કરશો તો ૨૦૨૭ સુધીમાં સફળતા પ્રાપ્ત થશે.
નારી તું નારાયણી
મિથુન જાતકની બહેનોના સ્વાસ્થ્યની વાત કરીએ તો એમણે આ વર્ષે થોડુંક ધ્યાન રાખવું પડશે. લગ્નોત્સુક યુવતી આ વર્ષે પ્રભુતામાં પગલાં પાડી શકશે. જાન્યુઆરીથી જુન ૨૦૨૬ સુધીમાં જો પ્રયત્ન કરવામાં આવે તો આ મામલામાં વધુ સફળ થવાય. જે બહેનો સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તેમને પણ સફળતા પ્રાપ્ત થશે. જેમના વિઝાનું કામ અટક્યું છે તેમને આ વર્ષે સફળતા મળે. નોકરીયાત મહિલાઓ માટે પણ ૨૦૨૬નું વર્ષ શુભ પૂરવાર થાય. આર્થિક સુખમાં વધારો થાય. બિઝનેસ કરતી મહિલાઓ માટે પણ આ વર્ષ ઘણું સારું નીવડશે.
વિશેષ ઉપાય
મિથુન રાશિના જાતકોના ભાગ્ય ભુવનમાં રાહુ મહારાજ અને સાહસના સ્થાનમા કેતુ મહારાજ બેઠા હોવાથી પોતાનું ભાગ્ય પ્રબળ બનાવવા શનિ મહારાજની આરાધના કરવી જોઈએ. મજૂર વર્ગને દાન કરવું જોઈએ. બની શકે તો હનુમાનજીની આરાધના વધારે કરવી. ગાયને ઘાસ ખવડાવવું જોઈએ.


