આ અદભૂત યોગમાં મનાવાશે ગણેશ ચતુર્થી, પૂજા માટે મળશે ફક્ત આટલો સમય
Ganesh Chaturthi 2025: આ વખતે 27 ઓગષ્ટના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. પંચાંગ પ્રમાણે ગણેશ ચતુર્થી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ પવિત્ર દિવસે ભગવાન ગણેશ પોતાના ભક્તો પાસે આવે છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ગણેશ ચતુર્થીનો ઉત્સવ અનંત ચતુર્દશી સુધી મનાવવામાં આવે છે. આ ઉત્સવ મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થી તિથિ
ગણેશ ચતુર્થીની ચતુર્થી તિથિની શરૂઆત 26 ઓગષ્ટના રોજ બપોરે 1:54 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓગષ્ટના રોજ બપોરે 3:44 વાગ્યે પૂર્ણ થશે.
ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત
27 ઓગસ્ટના રોજ પૂજા મુહૂર્ત સવારે 11:05 વાગ્યાથી બપોરે 1:40 વાગ્યા સુધી રહેશે. તેનો સમયગાળો માત્ર 2 કલાક અને 34 મિનિટનો જ રહેશે.
ગણેશ ચતુર્થી શુભ યોગ
આ વર્ષની ગણેશ ચતુર્થી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે, આ દિવસે બ્રહ્મા યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ, રવિ યોગ, ઈન્દ્ર યોગ, પુષ્કર યોગ અને પ્રીતિ યોગનો અદભૂત સંયોગ બની રહ્યો છે, જે તેને વધુ પવિત્ર અને શુભ બનાવે છે.
ગણેશ ચતુર્થી પૂજા વિધિ
ગણેશ ચતુર્થીના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન ગણેશની મૂર્તિને સાફ કરો. ત્યારબાદ એક કળશમાં પાણી ભરીને શ્રી ગણેશ પર ચઢાવો. પછી તેમને સિંદૂર, દૂર્વા અને ઘી અર્પણ કરો. ત્યારબાદ 21 લાડુઓનો ભોગ ચઢાવીને તેમની પૂજા કરો અને તેમના મંત્રોનો જાપ કરો.