આજથી રંગેચંગે ગણેશોત્સવનો પ્રારંભ, જાણો વિઘ્નહર્તાની સ્થાપના અને વિસર્જનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2025: શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ, આજથી ભક્તિ અને ઉત્સાહના પર્વ એવા ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે ભાદરવા સુદ ચોથ એટલે કે 27 ઓગસ્ટ, બુધવારના રોજ ગણેશ ચતુર્થી છે. આજના દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ, 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનંત ચતુર્દશીએ ગણેશજીનું વિસર્જન થશે.
ગણેશ સ્થાપન અને પૂજનની વિધિ
જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવા માટે નીચે મુજબની વિધિ કરી શકાય છે:
સ્વચ્છતા: પૂજાનું સ્થાન અને મૂર્તિ બંને સ્વચ્છ હોવા જોઈએ. પૂજા પહેલાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા.
સ્થાપના: શુભ મુહૂર્ત દરમિયાન ગણેશજીની મૂર્તિને પાટલા પર કે આસન પર સ્થાપિત કરવી. મૂર્તિની પાસે દીવો, ફૂલો અને અન્ય પૂજા સામગ્રી ગોઠવવી.
પ્રાણ પ્રતિષ્ઠા: મંત્રોચ્ચાર સાથે ગણેશજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યારબાદ 'ઓમ ગં ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરવો.
પૂજા: ગણપતિજીને પ્રિય એવા મોદકનો ભોગ ધરાવવો અને દુર્વા (લીલું ઘાસ) અર્પણ કરવું. આરતી ઉતારીને ગણેશજીની પૂજા કરવી.
ગણેશ પૂજનના શુભ મુહૂર્ત (27 ઓગસ્ટ):
સવારે 06:25 થી 09:30
બપોરે 03:55 થી 08:35
રાત્રે 10:15 થી 11:45
ગણેશ વિસર્જનની વિધિ
અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે.
પૂજા અને આરતી: વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો.
પ્રાર્થના: મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે.
વિસર્જન: ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):
સવારે 07:58 થી 09:30
બપોરે 12:40 થી 05:15
સાંજે 06:55 થી 08:25
ગણેશોત્સવ એ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો પર્વ છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહ ભરી દે છે.