Venus Jupiter Super Conjunction: ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે આજે 8 જૂન અને આવતીકાલ 9 જૂન 2026ના દિવસો ખૂબ જ ખાસ બની રહેશે. આકાશમાં દેવગુરુ બૃહસ્પતિ (ગુરુ) અને શુક્ર ગ્રહ એકબીજાની અત્યંત નજીક એટલે કે માત્ર 1.5° (દોઢ ડિગ્રી) ના અંતરે જોવા મળશે. વિજ્ઞાનની ભાષામાં આ અદ્ભુત ખગોળીય ઘટનાને "સુપર કન્જક્શન" (Super Conjunction) કહેવામાં આવે છે. સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં આ અદ્ભુત નજારો નરી આંખે તેમજ બાયનોક્યુલર દ્વારા નિહાળી શકાશે.
ગુરુદેવ વેધશાળાના સંચાલક દિવ્ય દર્શન પુરોહિતના જણાવ્યા અનુસાર, વર્ષ 2023ના લાંબા સમયગાળા બાદ આવી અદ્ભુત ઘટના આકાશમાં આકાર લઈ રહી છે. આજે અને આવતીકાલના રોજ આ બંને ગ્રહો સૌથી નજીક હશે, ત્યાર બાદ શુક્ર ઉપરની તરફ અને ગુરુ નીચેની તરફ ગતિ કરશે.
શું છે આ 'મહા યુતિ' અને તેના 3 તબક્કા?
ખગોળશાસ્ત્રમાં જ્યારે બે કે તેથી વધુ ગ્રહો પૃથ્વી પરથી જોતા આકાશમાં એકદમ નજીક દેખાય, ત્યારે તેને 'યુતિ' (Conjunction) કહે છે. વાસ્તવમાં તેઓ એકબીજાથી કરોડો કિલોમીટર દૂર હોય છે, પરંતુ આપણી 'લાઇન ઓફ સાઇટ' (જોવાની રેખા) એક થવાના કારણે તેઓ નજીક દેખાય છે. યુતિના મુખ્ય 3 પ્રકાર હોય છે:
સામાન્ય યુતિ: જેમાં ગ્રહો વચ્ચે 5° થી 10° નું અંતર હોય છે અને તેઓ આકાશના એક જ ભાગમાં દેખાય છે.
નજીકની યુતિ: જેમાં ગ્રહો વચ્ચે 2° થી 5° નું અંતર હોય છે, જેને બાયનોક્યુલરમાં એકસાથે જોઈ શકાય છે.
સુપર કન્જક્શન (1.5° કે તેથી ઓછું અંતર): આ સૌથી સુંદર નજારો છે. 8-9 જૂનની યુતિ માત્ર 1.5° એટલે કે આકાશમાં 3 ચંદ્રની પહોળાઈ જેટલી જ હશે. નરી આંખે જોતા એવું લાગશે કે જાણે બે તારા એકબીજામાં ભળી ગયા છે.
આકાશના 2 સૌથી તેજસ્વી ગ્રહો: આ યુતિ દરમિયાન શુક્ર -4.2 મેગ્નિટ્યુડ અને ગુરુ -1.7 મેગ્નિટ્યુડની ચમક સાથે આકાશમાં સૌથી તેજસ્વી દેખાશે.
72 કરોડ કિલોમીટરનો 'ખગોળીય ભ્રમ'!
પૃથ્વી પરથી જોતા આપણને આ બંને ગ્રહો વચ્ચેનું અંતર આપણી ટચલી આંગળી (કનિષ્ઠા) જેટલું એટલે કે માત્ર 1.5° (કોણીય અંતર) દેખાશે, પરંતુ વાસ્તવમાં અવકાશમાં તેમની વચ્ચેનું અંતર આશરે 72 કરોડ કિલોમીટર (720 મિલિયન કિમી) છે!
નેહરુ તારામંડળના ડેટા અનુસાર:
પૃથ્વીથી શુક્રનું અંતર: - 180 મિલિયન કિમી
પૃથ્વીથી ગુરુનું અંતર: - 900 મિલિયન કિમી
બંને વચ્ચેનું વાસ્તવિક અંતર: - 720 મિલિયન કિમી
ઉદાહરણ દ્વારા સમજો
જાણે તમે વડોદરામાં રસ્તા પર ઊભા હો અને તમારી સામે એક સ્ટ્રીટ લાઈટ 100 મીટર દૂર હોય અને બીજી લાઈટ બરાબર તેની પાછળ 500 મીટર દૂર હોય. એક જ લાઇનમાં હોવાથી તમને બંને પાસે-પાસે લાગશે, પરંતુ વાસ્તવમાં તેમની વચ્ચે 400 મીટરનું અંતર હોય છે. બસ, ગ્રહોની બાબતમાં પણ આવો જ 'ખગોળીય ભ્રમ' સર્જાય છે.
જ્યોતિષીય મહત્વ: 'યુવતીની ચમકતી આંખો' જેવો નજારો અને ગજલક્ષ્મી રાજયોગ
આ આકાશી નજારાને જ્યોતિષીઓ "યુવતીની આંખો જેવા નજારા" સાથે સરખાવી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને વૈભવ, સૌંદર્ય અને યુવતીનો ગ્રહ માનવામાં આવે છે, જ્યારે ગુરુને જ્ઞાનનો ગ્રહ માનવામાં આવે છે. પશ્ચિમ આકાશમાં જ્યારે આ બંને તેજસ્વી ગ્રહો ભેગા થશે ત્યારે જાણે કોઈ સુંદર યુવતીની બે આંખો ચમકતી હોય તેવો ભાસ થશે. આ યુતિને 'દેવગુરુ અને અસુરગુરુનું મિલન' પણ કહેવાય છે.
જ્યોતિષી અમીષ દાદાવાળાના જણાવ્યા અનુસાર, આ ઘટના જ્યોતિષીય રીતે ખૂબ મોટી ઉથલપાથલ કરનારી અને મહત્વની છે. દેવગુરુ ગુરુએ 12 વર્ષ બાદ પોતાની ઉચ્ચ રાશિ 'કર્ક' માં પ્રવેશ કર્યો છે. ગુરુ 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી કર્ક રાશિમાં રહેશે. ગુરુનો કર્ક રાશિમાં પ્રવેશ અને શુક્ર સાથેની આ યુતિ આકાશમાં "ગજલક્ષ્મી રાજયોગ" નું નિર્માણ કરી રહી છે, જે તમામ રાશિઓ પર મોટી અસરો છોડશે.
ગુરુ-શુક્ર મિલન: ભૂતકાળ અને ભવિષ્યની સફર
ગુરુ અને શુક્રની આવી નજીકની યુતિ દર 1 થી 2 વર્ષે એકાદ વાર બને છે. તેની મહત્વની તારીખો પર એક નજર

જોવાનું ચૂકશો નહીં: આજે અને આવતી કાલે સાંજે સૂર્યાસ્ત થતાં જ પશ્ચિમ દિશા તરફ નજર માંડીને આ અદ્ભુત આકાશી નજારાના સાક્ષી બનો!


