Astro

PHOTOS | ગણેશ ચતુર્થી 2025: એક ક્લિકમાં કરો જગવિખ્યાત મંદિર અને પંડાલના દર્શન

By GS TEAM
27 Aug 20254 mins read
TukuTouch Logo
સમગ્ર ભારતમાં, ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન, લોકો ભગવાન ગણેશની માટીની સુંદર મૂર્તિઓ તેમના ઘરે લાવે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા કરે છે. આ ઉપરાંત, વિવિધ શહેરોમાં અદ્ભુત ગણેશ પંડાલ અને મંદિરો સ્થાપિત કરવામાં આવે છે, જે લાખો ભક્તોને આકર્ષે છે. એવામાં આજે આપણે ભારતના કેટલાક પ્રખ્યાત ગણેશ મંદિરો અને પંડાલના દર્શન કરીશું.

Summarized by AI; it may make mistakes. Check important info

PHOTOS | ગણેશ ચતુર્થી 2025: એક ક્લિકમાં કરો જગવિખ્યાત મંદિર અને પંડાલના દર્શન

Ganesh Chaturthi 2025: સમગ્ર ભારતમાં, ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન, લોકો ભગવાન ગણેશની માટીની સુંદર મૂર્તિઓ તેમના ઘરે લાવે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા કરે છે. આ ઉપરાંત, વિવિધ શહેરોમાં અદ્ભુત ગણેશ પંડાલ અને મંદિરો સ્થાપિત કરવામાં આવે છે, જે લાખો ભક્તોને આકર્ષે છે. એવામાં આજે આપણે ભારતના કેટલાક પ્રખ્યાત ગણેશ મંદિરો અને પંડાલના દર્શન કરીશું. 

1. સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ

મુંબઈનું શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર, પ્રભાદેવી વિસ્તારમાં આવેલું, ભારતના સૌથી પ્રખ્યાત અને પવિત્ર મંદિરોમાંનું એક છે. દરરોજ હજારો ભક્તો, જેમાં સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ અને બોલિવુડ કલાકારો પણ અહીં દર્શન કરવા આવે છે. આ મંદિર તેની સમૃદ્ધિ, ભવ્યતા અને શ્રદ્ધા માટે જાણીતું છે અને આ સ્થળ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ મુંબઈની સાંસ્કૃતિક ઓળખનો પણ એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

2. લાલ બાગ ચા રાજા, મુંબઈ

લાલબાગના રાજા એટલે કે 'લાલબાગચા રાજા' મુંબઈના સૌથી ધનાઢ્ય, પ્રતિષ્ઠિત અને લોકપ્રિય ગણેશ પંડાલમાંથી એક છે. આ મંડળની સ્થાપના 1934માં કોળી સમુદાયના માછીમારો દ્વારા લાલબાગ બજારમાં કરવામાં આવી હતી. આ વર્ષે લાલબાગચા રાજાનું 92મું વર્ષ છે. લાલબાગચા રાજાના દર્શન કરવા માટે મોટા મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ તેમના પરિવાર સાથે આવતા હોય છે.

3. ચિંચપોકલી ચા ચિંતામણી, મુંબઈ

મુંબઈના સૌથી જૂના સાર્વજનિક ગણેશ મંડળોમાંના એક એવા ચિંચપોકલીના ચિંતામણિની સ્થાપના 1920માં કરવામાં આવી હતી. આ પંડાલ તેની અનોખી થીમ અને ભવ્ય સજાવટ માટે જાણીતો છે. ગણેશોત્સવ દરમિયાન અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. બાપ્પાના દર્શન માટે અહીં ભક્તો દૂર-દૂરથી આવે છે, અને પંડાલની બહાર હંમેશા દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે.

4. મુંબઈ ચા રાજા, મુંબઈ

મુંબઈના ગણેશ ઉત્સવમાં 'મુંબઈ ચા રાજા' એક અનોખું અને ભવ્ય સ્થાન ધરાવે છે. અહીં માત્ર મુંબઈના જ નહીં, પરંતુ દેશ-વિદેશથી પણ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે. 'મુંબઈ ચા રાજા' તરીકે ઓળખાતા આ ગણેશજીને મુંબઈના લોકો અતિશય પ્રેમ અને આસ્થાથી પૂજે છે. તેમનો ભવ્ય શણગાર, આયોજન અને અનેકવિધ કાર્યક્રમો આ ઉત્સવને વધુ રંગીન બનાવે છે. 

5. શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર, પૂણે

પૂણેમાં આવેલું શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત ગણેશ મંદિરોમાંનું એક છે. આ મંદિર તેની અદ્ભુત સ્થાપત્યકલા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરનું નિર્માણ 1893માં શ્રીમંત દગડુશેઠ હલવાઈ દ્વારા તેમના પુત્રના અવસાન બાદ કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન, દેશ-વિદેશમાંથી લાખો ભક્તો અહીં બાપ્પાના દર્શન કરવા આવે છે.

6. અંધેરી ચા રાજા, મુંબઈ 

અંધેરીમાં આવેલો આ પંડાલ તેની સર્જનાત્મક અને નવીન થીમ માટે જાણીતો છે. આ વર્ષે 'અંધેરી ચા રાજા'ની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ વર્ષે પણ પંડાલને એક અનોખી થીમથી શણગારવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે અહીં આવતા ભક્તો પાસેથી કોઈ પણ પ્રકારનું દાન કે ચડાવો લેવામાં આવતો નથી, માત્ર નાળિયેર ચડાવવાની જ પરવાનગી છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન 'અંધેરી ચા રાજા'ના દર્શન કરવા માટે રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ આવે છે. 1966થી આઝાદ નગર સાર્વજનિક ઉત્સવ સમિતિ દ્વારા સંચાલિત આ પંડાલ એક સાંસ્કૃતિક સ્થળ અને વારસાનું પ્રતિક બની ગયો છે.

7. ગિરગાંવ ચા રાજા, મુંબઈ

લોકમાન્ય ટિળકે ગિરગાંવમાં કેશવી નાઈક ચાલ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ નામનું સૌપ્રથમ અને સૌથી જૂનું મંડળ સ્થાપિત કર્યું હતું. તેઓ જાહેર સ્થળે ભગવાન ગણેશની એક મોટી માટીની મૂર્તિ સ્થાપિત કરનારા પ્રથમ વ્યક્તિ હતા, જેણે 10 દિવસીય ઉત્સવની શરુઆત કરી. આ મંડળની ગણેશ મૂર્તિ શાડુ માટીમાંથી બનાવવામાં આવી છે અને તે પર્યાવરણને અનુકૂળ છે. આ મૂર્તિને પરંપરાગત મહારાષ્ટ્રીયન ફેટા(પગડી)થી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે, જે વર્ષોથી તેની ઓળખ બની ગઈ છે.

8. ખૈરતાબાદ ગણેશ પંડાલ, હૈદરાબાદ 

હૈદરાબાદના ગણેશ ઉત્સવનું સૌથી મોટું અને ભવ્ય આકર્ષણ ખૈરતાબાદ ગણેશ પંડાલ છે. આ પંડાલ તેની વિશાળકાય ગણેશ પ્રતિમા માટે આખા ભારતમાં પ્રખ્યાત છે. દર વર્ષે અહીં ગણેશજીની એક નવી અને અનોખી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે, જેની ઊંચાઈ અને ભવ્યતા ભક્તોને આશ્ચર્યચકિત કરી દે છે. આ પંડાલ માત્ર તેની ઊંચાઈ જ નહીં, પરંતુ તેની ભવ્ય સજાવટ, કલાત્મક કોતરણી અને આકર્ષક લાઇટિંગ માટે પણ ઓળખાય છે. ગણેશ ચતુર્થી દરમિયાન, અહીં લાખો ભક્તો ગણપતિ બાપ્પાના દર્શન કરવા ઉમટી પડે છે અને આ પંડાલ હૈદરાબાદની ઓળખ બની ગયો છે.