જાણો શા માટે ઉજવાય છે બકરી ઈદ ? આ રીતે શરૂ થઈ કુરબાની ની પ્રથા
નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2019, રવિવાર
ઈસ્લામ ધર્મનો તહેવાર બકરી ઈદ કે પછી કહીએ કે ઈદ ઉલ અજહા 12 ઓગસ્ટના દિવસે ઉજવાશે. પરંતુ શું તમે જાણો છો આ તહેવારના મહત્વ વિશે અને શા માટે આ દિવસે બકરાની કુરબાની આપવામાં આવે છે ? ન જાણતા હોય તો જાણી લો આ દિવસ પાછળના ઈતિહાસની.
ઈસ્લામ ધર્મના પવિત્ર પુસ્તક કુરાનમાં બકરી ઈદનું વર્ણન કરવામાં આવ્યું છે. જે અનુસાર અલ્લાહએ એક દિવસ હજરત ઈબ્રાહિમના સપનામાં આવી અને તેની સૌથી પ્રિય વસ્તુની કુરબાની માંગી. હઝરત ઈબ્રાહિમ પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતા તેથી તેણે તેની કુરબાની આપવાનો નિર્ણય કર્યો
અલ્લાહનો હુકુમ માનવા માટે હઝરત પોતાના બાળકની ગરદન કાપવા જઈ જ રહ્યા હતા ત્યારે અલ્લાહએ બાળકને બદલી બકરાની કુરબાની કરાવી. ત્યારથી ઈસ્લામ ધર્મમાં બકરી ઈદનું ચલણ શરૂ થયું છે. આ દિવસ એટલે ઉજવાય છે કે હઝરત અલ્લાહના હુકુમને માનવા માટે પોતાના દીકરાની કુરબાની આપવા તૈયાર થઈ ગયા હતા.
બકરી ઈદ પર્વ ઈસ્લામના પાંચમા સિદ્ધાંત હજને પણ માન્યતા આપે છે. બકરી ઈદના દિવસે મુસ્લિમ બિરાદર બકરો, ઘેટું કે ઊંટ જેવા પ્રાણીને કુરબાન કરે છે અને તેના માંસને ત્રણ ભાગમાં વહેંચે છે. એક પોતાના માટે, એક સંબંધીઓ માટે અને ત્રીજું ગરીબો માટે. આ દિવસે લોકો નવા કપડા પહેરી નમાઝ અદા કરે છે અને ત્યારબાદ કુરબાનીની પ્રક્રિયા શરૂ થાય છે.