અસુર-દૈત્યોના ઘરે પણ લક્ષ્મી માતા ગયા હતા પણ... ક્યાંક તમે પણ આવી ભૂલ તો નથી કરતા ને!

Diwali 2025: દિવાળીનો પર્વ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ છે અને આ તહેવાર ધન પ્રધાન છે. ધન પણ એવું જે શુદ્ધ અને સાત્વિક ભાવથી કમાવામાં આવ્યું હોય તો તે આપમેળે લક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે. આ પ્રકારનું ધન સ્થિર થતાં એકઠુ થતું જાય છે અને વધતું જ જાય છે અને આને જ ઘરમાં લક્ષ્મીનો વાસ કહેવામાં આવે છે.
અસુર-દૈત્યોના ઘરે પણ લક્ષ્મી માતા ગયા હતા
માતા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે અને તે ભાગ્યે જ એક જગ્યાએ રહી શકે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી અસુર-દૈત્યોના ઘરે પણ ગયા હતા પરંતુ થોડા જ સમય સમયમાં તેઓ ત્યાંથી પાછા ફર્યા અને દેવરાજ ઈન્દ્રના સ્વર્ગમાં સ્વર્ગ લક્ષ્મી તરીકે રહેવા લાગ્યા.
માતા લક્ષ્મીએ દેવરાજ ઈન્દ્રને જણાવ્યું હતું રહસ્ય
ત્યારે દેવરાજ ઈન્દ્રના પૂછવા પર માતા લક્ષ્મીએ ખુદ એ રહસ્ય જણાવ્યું હતું હું કયા સ્થાન પર અને કયા ઘરોમાં નિવાસ કરું છું અને ક્યાં વાસ નથી કરતી. મહાભારતના શાંતિ પર્વમાં દેવરાજ ઈન્દ્ર અને મહાલક્ષ્મી વચ્ચેના સંવાદનું વર્ણન છે. આ સંવાદ પ્રમાણે આજે પણ જે ઘરોમાં આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે ત્યાં દરિદ્રતાનો વાસ હોય છે.
મહાભારતના શાંતિ પર્વમાં સામેલ છે પ્રસંગ
મહાભારતમાં આપવામાં આવેલા પ્રસંગ પ્રમાણે જ્યારે દેવી લક્ષ્મીએ દૈત્યોનો સાથ છોડીને દેવરાજ ઈન્દ્રને ત્યાં નિવાસ કરવા માટે પહોંચ્યા ત્યારે ઈન્દ્રએ તેમને પૂછ્યું હતું કે, તમે કયા કારણોસર દૈત્યોનો સાથ છોડી દીધો? આ સવાલના જવાબમાં લક્ષ્મીએ દેવતાઓના ઉત્થાન અને દૈત્યોના પતનના કારણો જણાવ્યા હતા.
સૂર્યોદય પછી પણ સૂતા રહેવું એ માતા લક્ષ્મીને નારાજ કરે છે
માતા લક્ષ્મીએ જણાવ્યું કે, જે લોકો વ્રત-ઉપવાસ કરે છે. સૂર્યોદય પહેલાં પથારી છોડી દે છે, સૂતા પહેલા દહીં અને સત્તુનો ત્યાગ કરે છે, સવારે વહેલા ઘી અને પવિત્ર વસ્તુઓના દર્શન કરે છે અને દિવસ દરમિયાન ક્યારેય સૂતા નથી, આ તમામ બાબતોનું ધ્યાન રાખનારા લોકોને ત્યાં માતા લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે. ભૂતકાળમાં અસુર-દૈત્યો પણ આ નિયમોનું પાલન કરતા હતા, અને તેથી જ હું તેમના ઘરે નિવાસ કરતી હતી. હવે, તમામ અસુર-દૈત્યો અધર્મી બની ગયા છે, તેથી મેં તેમનો ત્યાગ કરી દીધો છે.
પ્રહલાદ અને બલિએ દૈત્ય થઈને પણ ધર્મનું પાલન કર્યું હતું
વાસ્તવમાં હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદે અસુર-દૈત્ય કુળમાં જન્મ લઈને ધર્મ અને નીતિનું પાલન કર્યું હતું. ધર્મ અને નીતિનું આ પાલન મહારાજ બાલિના સમય સુધી ચાલુ રહ્યું. બાલિ તો એટલો ધર્માત્મા રાજા હતો કે માતા લક્ષ્મી તેમના પાતાળલોકમાં વાસ કરવા લાગ્યા હતા અને તેઓ પાતાળ નિવાસિની કહેવાયા હતા. બલિ પછી અસુર-દૈત્યોએ આ નીતિનો ત્યાગ કર્યો અને માતા લક્ષ્મી પાતાળલોકમાંથી પાછા ફર્યા.
દેવરાજ ઈન્દ્રએ માતા લક્ષ્મીને પ્રસન્ન રહેવાના ઉપાય પૂછ્યા હતા
દેવરાજ ઈન્દ્રએ માતા લક્ષ્મીને દૈત્યો પર કૃપા ન કરવાનું કારણ પૂછ્યું. મહાલક્ષ્મીએ દેવરાજ ઇન્દ્રને જણાવ્યં કે, 'જે પુરુષો દાનવીર, બુદ્ધિશાળી, ભક્ત અને સત્યવાદી છે તેમના ઘરમાં મારો વાસ હોય છે. જે લોકો આવા કર્મો નથી કરતા, ત્યાં હું નિવાસ નથી કરતી.' માતા લક્ષ્મીએ કહ્યું કે, 'પ્રાચીન સમયમાં હું અસુર-દૈત્યોના રાજ્યોમાં નિવાસ કરતી હતી પરંતુ હવે ત્યાં અધર્મ વધવા લાગ્યો છે. તેથી હું દેવતાઓના ઘરે વાસ કરવા આવી છું.'
ઈન્દ્રના પૂછવા પર મહાલક્ષ્મીએ કહ્યું કે, 'જેઓ ધર્મનું પાલન નથી કરતા. જે લોકો પિતૃઓનું તર્પણ નથી કરતા અને જેઓ દાન નથી કરતા તેમના ઘરે હું વાસ નથી કરતી. પ્રાચીન સમયમાં અસુર-દૈત્યો દાન, અધ્યયન અને યજ્ઞ કરતા હતા, પરંતુ હવે તેઓ પાપી કાર્યોમાં સામેલ થઈ ગયા છે. તેથી, હું તેમના ઘરે વાસ ન કરી શકું.'
જ્યાં મૂર્ખોનું સન્માન કરવામાં આવે છે ત્યાં હું વાસ નથી કરતી. લક્ષ્મી એવા ઘરોમાં વાસ નથી કરતી જ્યાં સ્ત્રીઓ અનૈતિક બને છે, એટલે કે ખરાબ ચારિત્ર્યવાળી, જ્યાં સ્ત્રીઓ યોગ્ય નિયમોનું પાલન નથી કરતી, જ્યાં સ્ત્રીઓ સ્વચ્છતા નથી રાખતી ત્યાં લક્ષ્મી વાસ નથી કરતી. માતા લક્ષ્મીએ કહ્યું કે, હું સ્વયં ધનલક્ષ્મી, ભૂતિ, શ્રી, શ્રદ્ધા, મેધા, સંનતિ, વિજિતિ, સ્થિતિ, ધૃતિ, સિદ્ધિ, સમૃદ્ધિ, સ્વાહા, સ્વધા, નિયતિ અને સ્મૃતિ છે. તે હંમેશા ધાર્મિક પુરુષોના દેશમા, શહેરમાં અને ઘરમાં વાસ કરે છે. માતા લક્ષ્મી માત્ર એવા લોકો પર જ પોતાના આશીર્વાદ વરસાવે છે જેઓ યુદ્ધમાં પીઠ દેખાડીને ભાગતા નથી. પોતાના બાહુબલથી દુશ્મનોને હરાવી દે છે. શૂરવીર લોકોથી લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.
જે ઘરોમાં ભોજન બનાવતી વખતે પવિત્રતાનું ધ્યાન રાખવામાં નથી આવતું, જ્યાં એઠા હાથથી ઘીનો સ્પર્શ કરવામાં આવે ત્યાં હું વાસ નથી કરતી. લક્ષ્મીએ કહ્યું કે, જે ઘરમાં પુત્રવધૂ પોતાના સાસુ-સસરા પર નોકરો જેમ હુકુમ ચલાવે છે, તેમને કષ્ટ આપે છે અને તેમનો અનાદર કરે છે, તેમના ઘરે હું વાસ નથી કરતી.
જે ઘરમાં પતિ-પત્ની ઝઘડા કરે છે, પત્ની અને પતિ એકબીજાની વાત નથી માનતા. તેઓ અનૈતિક સંબંધો રાખે છે તે ઘરોનો હું ત્યાગ કરું છું. જેઓ લોકો પોતાના શુભેચ્છકોના નુકસાન પર હસે છે, તેમના પ્રત્યે મનમાં જ દ્વેષ રાખે છે, અથવા મિત્રતા કરીને કોઈને નુકસાન પહોંચાડે છે તેમના પર હું મારા આશીર્વાદ નથી વરસાવતી. આવા લોકો હંમેશા ગરીબ રહે છે. આ એવી ભૂલો છે જે અજાણતામાં કોઈપણ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે અને તેમને ગરીબ બનાવે છે.
દિવાળી પર શુદ્ધ આચરણ અપનાવવાનો સંકલ્પ લો
તેથી દિવાળીના અવસર પર માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે આપણે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે માતા કયા ઘરમાં વાસ કરે છે અને આપણા જીવનમાં સમાન જ આચરણ અપનાવવું જોઈએ. વાસ્તવમાં લક્ષ્મી શુભ લક્ષણોનું જ નામ છે. આ શુભ લક્ષણ જ શુભ લક્ષ્મી છે અને આપણા આચરણમાં ઉતરીને આપણી સમૃદ્ધિ બની જાય છે. તેથી જ દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.