ધન(ભ.ધ.ફ.ઢ.) .
- આકસ્મિક ખર્ચાથી મુશ્કેલીમાં વધારો થાય તેમ છતાં આવકનો સ્રોત જળવાઈ રહે
- નોકરીમાં વર્ષ પ્રતિકૂળ રહે. કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહેે. આપની ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થાય નહીં.
- છાતીનાં દર્દની તકલીફ વધતા ફરજિયાત રજાઓ પર ઉતરવું પડે, આપના કાર્યમાં રૂકાવટ વિલંબ ઉભો થાય.
- નોકરીમાં વર્ષનો પ્રારંભ પ્રતિકૂળ રહે. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે
- વિદ્યાર્થીને મિત્રવર્ગ સાથે ફરવામાં, આળસના લીધે અભ્યાસ બગડે નહી તેનું ધ્યાન રાખવું પડે
- આપે કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં, કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં
સં વત ૨૦૭૯ના વર્ષના પ્રારંભમાં આપને ગુરૂ ગ્રહની પ્રતિકૂળતાના લીધે મુશ્કેલી રહે પરંતુ વર્ષની મધ્યથી વર્ષના અંત સુધીના સમયમાં થોડી રાહત જણાય.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ આપના માટે પ્રતિકૂળ રહે. આપ હરોફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહી. માથાના દુઃખાવાની, ચક્કરની, આંખે અંધારાની તકલીફ આવે તે સિવાય છાતીમાં દર્દ-પીડા, ગભરામણ, શ્વાસ લેવાની તકલીફ જણાય, લાંબા અંતરના યાત્રાએ- પ્રવાસે જનારે સાવધાની સાવચેતી રાખવી પડે.
તા. ૨૧-૪-૨૦૨૩ સુધી આપે સ્વાસ્થ્ય- સંબંધી બાબતોમાં બેદરકારી રાખવી નહીં. ત્યારબાદ પણ ગુરૂ- રાહુનું એક સાથે પરિભ્રમણ આપને ચિંતા- ઉચાટ રખાવે. કમરની- છાતીની- પીઠમાં દર્દ-પીડાની રખાવડાવે
તા. ૧૦-૫-થી ૩૦-૬ સુધીનો સમય પડવા વાગવાથી- ફ્રેક્ચર- મચકોડથી સંભાળવું પડે. કમરમાં, આંખોમાં દર્દપીડા જણાય, પેશાબની તકલીફ, બી.પી.ની તકલીફ રહે, લોહીના વિકારથી થતા રોગોમાં સંભાળવુ પડે. નાની મોટી શસ્ત્રક્રિયા કરાવવી પડે તે સિવાય તા. ૩૦-૧૦-૨૦૨૩થી રાહનું પરિભ્રમણ પ્રતિકૂળ થતાં આપની કષ્ટ-પીડામાં વધારો થાય, બંધનનો અનુભવ થાય.
આર્થિક સુખ-સંપત્તિ
કારતક સુદ એકમ તા. ૨૬-૧૦-૨૦૨૨થી વૈશાખ સુદ એકમ ૨૧-૪-૨૦૨૩ સુધીનો સમય આપના માટે ભારે પ્રતિકૂળતાનો રહે. પરિવારમાં વડીલ વર્ગની બીમારીના કારણે કામકાજમાં એકાગ્રતા- સ્થિરતા જળવાય નહીં આપની આવકને સુખ-સંપત્તિને અસર થાય, આવક સ્થગિત થઈ ગઈ છે તેવું લાગે આકસ્મિક ખર્ચાઓને લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. ઘરખર્ચ ચલાવવામાં, વ્યવહારો ચલાવવામાં મુશ્કેલી જણાય. બચતના નાણાંનો ઉપયોગ કરવો પડે. ત્યાર પછીના સમયમાં આપને થોડી રાહત રહે પરંતુ ગુરૂ- રાહુની યુતિ આપની મતિ ભ્રષ્ટ ન કરે તેની તકેદારી આપને રાખવી પડે. ખોટા રસ્તે, આડા રસ્તે પૈસા કમાવવાની લાલચમાં ફસાઈ જાવ. સરળ રસ્તે નાણાં કમાવવામા છેતરપિંડીના ભોગ ન બનો તેની તકેદારી રાખવી પડે.
તા. ૧૦-૫-થી તા. ૩૦-૬ સુધીના સમય દરમ્યાન આકસ્મિક બીમારી- અકસ્માતના લીધે આપના ખર્ચમાં વધારો જણાય. શારીરિક માનસિક, તબિયતની અસ્વસ્થતાના લીધે શસ્ત્રક્રિયાને લીધે આપના આકસ્મિક ખર્ચા વધે. તા. ૧૬-૭થી ૧૭-૮ સુધીના સમયમાં કમરમાં, પીઠમાં, ચસકથી સંભાળવું પડે. ચર્મરોગના કારણે સારવાર લંબાય અને ખર્ચ વધતા નાણાંભીડનો સામનો કરવો પડે. વર્ષના ઉત્તરાર્ધમાં સંતાન માટે આકસ્મિક ખર્ચ આવી જતાં નાણાંભીડનો સામનો કરવો પડે. પરંતુ તેમ છતાં આવકનો સ્રોત જળવાઈ રહેતા રાહતનો અનુભવ થાય.
પત્ની- સંતાન- પરિવાર
વર્ષના પ્રારંભથી તા. ૨૧-૪-૨૩ સુધીના સમય દરમિયાન ગુરૂનું પરિભ્રમણ આપને પરિવારની સંતાન- પત્નીની ચિંતા રખાવે. ખાસ કરીને પરિવારમાં કોઈ વડીલ હોય તો તેના આરોગ્યની- આયુષ્યની ચિંતા આપને રહે. વર્ષારંભથી જ સંતાનના અભ્યાસ- કારકિર્દીની ચિંતા, વિવાહ- લગ્નની ચિંતા આપને સતાવ્યા કરે. સંતાન માટે આકસ્મિક કોઈને કોઈ ખર્ચ જણાય તા. ૨૧-૪ પછી સંતાનના પ્રશ્ને આપની મુશ્કેલી વધે. વાદ-વિવાદ મનદુઃખ ગેરસમજથી સંભાળવું પડે. તા. ૧૦-૫થી ૩૦-૬ દરમ્યાન સંતાનને અકસ્માત થાય કે તેના આરોગ્ય અંગે આપે ચિંતિત રહેવું પડે. શસ્ત્રક્રિયા કરાવવી પડે તેવું બને. પત્નીની જીદ, મમતના કારણે, અહમના કારણે સાંસારિક જીવનમાં કલેહ- કંકાસનું વાતાવરણ ઉભું થાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
નોકરીમાં વર્ષનો પ્રારંભ પ્રતિકૂળ રહે. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. આપની ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. આપની મહેનતના પ્રમાણમાં આપને જશ- સફળતા મળે નહીં. સરકારી નોકરીમાં અન્યની ભૂલના ભોગ તમારે બનવું ન પડે તેની તકેદારી રાખવી. વધુ પડતા કામના દબાણ, તણાવ, દોડધામ- શ્રમની અસર આપના સ્વાસ્થ્ય ઉપર થાય. છાતીમાં દર્દ-પીડાને સહજતાથી લેવું નહી તે તકલીફ વધતા આપે ફરજિયાતપણે લાંબી રજાઓ પર ઉતરવું પડે જેના લીધે આપના કાર્યમાં રૂકાવટ વિલંબ ઉભો થાય.
તા. ૨૧-૪-૨૦૨૩ પછી નોકરીમાં સ્થળ- સ્થાનની ફેરફારીના સંજોગો ઉભા થાય. પરંતુ આપનું મનગમતું સ્થળ- સ્થાન પ્રાપ્ત ન થતાં ઉચાટ- ઉદ્વેગ રહ્યા કરે. આ સમય દરમિયાન આપે કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. સંતાન ના અભ્યાસ- આરોગ્યના લીધે આપે વારંવાર રજાઓ લેવી પડે. જેની અસર આપના કામ પર- આપની પ્રતિષ્ઠા પર પડે. તા. ૧૦-૫થી તા. ૩૦-૬ સુધીના સમય દરમ્યાન આપે આરોગ્યની અસ્વસ્થતાને લીધે, શસ્ત્રક્રિયાના લીધે ફરજિયાતપણે નોકરીમાં રજા મૂકવી પડે તે સિવાય વાહન અકસ્માતને લીધે પણ આપની મુશ્કેલીમાં વધારો થાય. લલચામણી, લોભામણી વાતોમાં, ઑફરમાં ફસાઈને નોકરીમાંથી રાજીનામું આપવાની કે નોકરી બદલવાની ઉતાવળ કરવી નહીં.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય
વર્ષના પ્રારંભથી લઈને વર્ષના મધ્ય ભાગ સુધીનો સમય આપના માટે પ્રતિકૂળ રહે આ સમય દરમ્યાન ધંધાનો વ્યાપ- વિસ્તાર વધારવાને બદલે જે છે તે સચવાઈ રહે તેવા પ્રયત્નો કરવા. ધંધો ઓછો થાય, ગ્રાહક વર્ગ તૂટી રહ્યો છે તેવું લાગ્યા કરે. આપણી ગણત્રી- ધારણાઓ અવળીપડતા આપની મુશ્કેલીમાં વધારો થાય. આવેશ- ઉશ્કેરાટમાં કે કોઈનો દોરવાયા દોરવાઈ જઈને લીધેલા નિર્ણયોનો આપને પછીથી પસ્તાવો થાય પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય. રાજકીય- સરકારી દબાણમાં આવી જઈને શેહ- શરમમાં આવી જઈને કામ કરવામાં પાછળથી આપ ફસાઈ જાવ તેવું બને.વર્ષના મધ્યથી વર્ષના ઉત્તરાર્ધ દરમ્યાન આંધળા જોખમોથી દૂર રહેવું વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જઈને કોઈ નિર્ણયો કરવા નહીં. પત્ની- સંતાનના નામે ધંધો હોય તો આપની દોડધામ- ચિંતામાં વધારો જણાય. તા. ૧૬-૭થી ૧૭-૮ સુધીના સમય દરમ્યાન પરદેશના કામમાં, ઇમ્પોર્ટ, એક્સપોર્ટના ધંધામાં રૂકાવટ વિલંબ જણાય. સરકારી કાર્યવાહીમાં મુશ્કેલી રહે. નફામાં નુકસાન ભોગવવાનો વારો આવે. તા. ૧૦-૫-થી ૩૦-૬ સુધીના સમય દરમ્યાન આપે ધીરજ અને શાંતિ રાખવા. કોઈપણ મહત્ત્વના નિર્ણયો કાર્યો શક્ય હોય ત્યાં સુધી મુલત્વી રાખવા આપના માટે હિતાવહ બની રહેશે.
સ્ત્રી વર્ગ
સ્ત્રી વર્ગ માટે આ વર્ષ પતિ- સંતાનની ચિંતાનું રહે. વર્ષારંભથી જ આપે આપના આરોગ્ય બાબતમાં સભાન રહેવું પડે. આપની બેદરકારીના લીધે આપની તબિયત ન બગડે અને આપની મુશ્કેલીમાં વધારો થાય. વર્ષ પસાર થતું જાય તેમ તેમ સંતાનના પ્રશ્ને આપની ચિંતા- ઉચાટમાં વધારો થતો જાય. તેના અભ્યાસ, કારકિર્દી, વિવાહ- લગ્ન, આરોગ્યની ચિંતા આપને રહે તે સિવાય પરિવારના વડીલ વર્ગની ચિંતા રહે. નોકરીયાત- વ્યવસાયી મહિલાઓ માટે આ સમય ખૂબ જ કઠિન રહે. વર્ષની મધ્યથી ધીમે ધીમે આપને રાહત થતી જાય તેવું બને તેમ છતાં આપને સંપૂર્ણ શાંતિ- રાહત જણાય નહીં. સતત કોઈને કોઈ રીતે આપને ઉચાટ- ઉદ્વેગ રહ્યા કરે.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગને મિત્રવર્ગ સાથે હરવા- ફરવામાં, મોજ-મજામાં, આળસના લીધે, વ્યસની મિત્રોની સંગતના લીધે અભ્યાસ બગડે નહી તેનું ધ્યાન રાખવું પડે. તા. ૨૧-૪-૨૦૨૩ સુધી ગુરૂની પ્રતિકૂળતા આપને અભ્યાસમાં કોઈને કોઈ મુશ્કેલી રખાવે. મહેનતના પ્રમાણમાં ધાર્યું પરિણામ આવે નહીં કે વર્ષ બગડે તેવું થાય. ત્યાર પછીના સમયમાં પણ આપે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. મિત્રતા- લાગણીના ચક્કરમાં ખોટી રીતે ફસાઈ જાવ અને પછી બદનામીથી ડરવા આપ ખોટા રસ્તે ચડી ન જાવ તેની તકેદારી આપે રાખવી પડે. કારકિર્દીના વર્ષમાં, ઉચ્ચ અભ્યાસના વર્ષમાં આપે વિશેષ સાવધાની રાખવી પડે.
ખેડૂત વર્ગ
ખેડૂત વર્ગ માટે શિયાળુ ખેતી મુશ્કેલીવાળી રહે. શિયાળુ ખેતીમાં પાક ઓછો ઉતરે કે બગડી જવાના લીધે આવકમાં ફટકો પડે. જમીન વાહનની ખરીદીમાં ઉતાવળ કરવી નહીં. તા. ૨૧-૪-૨૦૨૩ સુધીનો સમય આપના માટે વધુ મુશ્કેલ રહે. જેઠ, અષાઢ, અધિક શ્રાવણ, નિજ શ્રાવણ દરમ્યાનનો સમય આપે આરોગ્યની કાળજી રાખવી પડે. તે સિવાય અતિવૃષ્ટિના લીધે કે અનાવૃષ્ટિના લીધે પાક ખરાબ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડે. ભાગે ખેતી કરનાર માટે આ સમય પ્રતિકૂળતાવાળો રહે પરંતુ શારીરિક- અસ્વસ્થતાને લીધે ન છૂટકે આપે ભાગમાં ખેતી કરાવવાનો સમય આવે.
ઉપસંહાર:
સંવત ૨૦૭૯ના વર્ષનો પ્રારંભ આપના માટે પ્રતિકૂળતાવાળો રહે. આરોગ્યની કાળજી રાખવી પડે. નોકરી- ધંધામાં મહેનતનું પરિણામ પ્રાપ્ત થાય નહીં. ઘર પરિવારમાં ઉપેક્ષાના ભોગ બનવું પડે. વડીલ વર્ગની ચિંતા રખાવે વર્ષના મધ્યથી અંત સુધીનો સમય આપના માટે મધ્યમ રહે. સંતાનની ચિંતા રખાવે મહત્ત્વના નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું પડે.