અક્ષય તૃતિયાએ ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલ્યાં, શ્રદ્ધાળુઓ ઉમટ્યાં
Image Source: Twitter
Char Dham Yatra 2025: આજે અક્ષય તૃતિયાના દિવસે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે જ આજે અક્ષય તૃતિયાથી લગભગ 6 મહિના સુધી ચાલનારી ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન આજે સવારે માતા ગંગાની પાલખી મુખભાથી ગંગોત્રી ધામ પહોંચી હતી. રાજપૂતાના રાઈફલ્સ બેન્ડની ધૂન વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ગંગાની પૂજા-અર્ચના કરી હતી. બાદમાં હેલિકોપ્ટરથી મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી. આ પૂજા વખતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
પૂજા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ રહ્યા હાજર
ગંગોત્રી બાદ યમુનોત્રી ધામના કપાટ પણ ખોલી દેવાયા હતા, જેમાં 10 હજારથી વધુ શ્રદ્ધાળુ હાજર રહ્યા હતા. યમુનોત્રી ધામમાં માતા યમુનાના આગમન અને તેમના પિયર ખરસાલી ગામમાં યમુનાજીના વિદાયની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ અવસરે ઘણાં પ્રવાસીઓ પહેલાથી જ આવી ચૂક્યા છે. અક્ષય તૃતિયાના શુભ અવસરે માતા યમુનાની પાલખી આજે સવારે 8:30 વાગ્યે ખરસાલી ગામથી યમુનોત્રી ધામ રવાના થઈ હતી. બાદમાં ધામ પહોંચ્યા પછી સ્નાન વગેરે બાદ શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા.
યાત્રા રૂટ પર કુલ 624 CCTV કેમેરા ઈન્સ્ટૉલ
આ વખતે પ્રવાસીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટીતંત્રે આ નિયમો બનાવ્યા છે. આ વખતે યાત્રા રૂટ પર કુલ 624 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ચારધામ યાત્રા રૂટને 15 સુપર ઝોન, 41 ઝોન અને 217 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે.
યાત્રા રૂટ પર કેમ્પ કરવાનો નિર્દેશ
યાત્રા રૂટ પર અલગ અલગ સ્થળોએ કેમ્પ કરવા માટે નવ ASP અને DSP સ્તરના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ આ વર્ષે પહેલીવાર કેન્દ્ર સરકાર પાસેથી 10 અર્ધલશ્કરી દળોની માગ પણ કરવામાં આવી છે. સૌથી મહત્ત્વપૂર્ણ ટ્રાફિક યોજના અંગે મોટી તૈયારીઓનો દાવો કરવામાં આવ્યો છે.