ચૈત્રી નવરાત્રિ, આ દિવસે છે પ્રતિપદા તિથિ, જાણો કળશ સ્થાપના માટે કયુ છે મુહૂર્ત
અમદાવાદ, 5 એપ્રિલ 2019, શુક્રવાર
દરેક વર્ષમાં ચૈત્ર, અષાઢ, આસો અને મહા માસમાં નવરાત્રિ આવે છે. પરંતુ આ તમામમાં ચૈત્રી નવરાત્રિનું મહત્વ સૌથી વધારે હોય છે. શુકલ પક્ષમાં પ્રતિપદા તિથિથી શરૂ થતી નવરાત્રિ પૂજા, પાઠ, જપ તપ કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે. પુરાણો અનુસાર ચૈત્રી નવરાત્રિનો સમય ભાગ્યશાળી હોય છે. આમ થવાનું એક કારણ એ પણ છે કે આ સમયે પ્રકૃતિમાં ફેરફાર થાય છે. આ સમય નવી આશાઓ લઈને આવે છે.
ચૈત્રી નવરાત્રિ 2019ના શુભ મુહૂર્ત
ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 6 એપ્રિલથી થશે અને 14 એપ્રિલ સુધી ચાલશે. રવિવાર અને 14 એપ્રિલના રોજ સવારે 6 કલાક સુધી નવમી તિથિ હોવાથી આ દિવસે નવરાત્રિની પૂર્ણાહુતિ થશે. 6 એપ્રિલ 2019ના રોજ શનિવારે પ્રતિપદા તિથિ સૂર્યોદય સાથે શરૂ થશે અને બપોરના 2.58 કલાક સુધી રહેશે.
કળશ સ્થાપનાના શુભ મુહર્તની વાત કરીએ તો લાભ તેમજ અમૃત ચોઘડિયા તેમજ અભિજીત મુહૂર્તમાં આ કાર્ય કરવું ઉત્તમ ગણાય છે. આ વર્ષે કળશ સ્થાપના 6 એપ્રિલના રોજ સવારે 7.20 કલાકથી 8.53 કલાક સુધીમાં કરવી. આ સમય કળશ સ્થાપના માટે સર્વોત્તમ છે. જો કોઈ કારણસર આ સમય ચુકી જવાય તો 6 એપ્રિલના રોજ બપોરના સમયે શરૂ થનાર અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપના કરી શકાય છે. આ મુહૂર્ત બપોરના 11.30થી 12.18 કલાક સુધી હશે.