- નાણાંભીડનો અનુભવ થાય. ઘરખર્ચ ચલાવવામાં વ્યવહાર સાચવવામાં આપને મુશ્કેલી પણ પડે
વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળતાવાળું રહે. વર્ષ દરમ્યાન રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ તેમજ ગુરૂનું પ્રતિકૂળ સાનુકુળ પરિવર્તન આપના માટે મુશ્કેલી ઉભી કરનારું બની રહેશે.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન આપ આઠમા રાહુના બંધનમાંથી પસાર થઇ રહ્યા છો, તેથી વર્ષ દરમ્યાન કોઈને કોઈ શારિરીક માનસિક તકલીફ આપને આવ્યા કરે. તેમાં પણ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂ વક્રી થઇને મિથુન રાશિમાંથી પસાર થઇ રહ્યો છે જે પણ આપના માટે સારો નથી. વર્ષ દરમ્યાન આપે પડવા વાગવાથી મચકોડ ફ્રેકચર અકસ્માતથી સંભાળવું પડે. પેટ પેઢૂની ગુદાભાગની પગની તકલીફ અનુભવાય. શસ્ત્રક્રિયા કરાવવી પડે. ગંભીર બીમારીમાંથી સપડાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. જૂની બીમારીમાં, વારસાગત બીમારીમાં વધારો થતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. તા. ૧૨ ફેબુ્રઆરીથી તા. ૨ એપ્રિલ સુધીનો સમય આપના માટે વધુ નબળો રહે. આ સમયગાળા દરમ્યાન આપને પીઠ, કમર, કીડની, આંખોની તકલીફ જણાય. ચર્મરોગથી, એલર્જીથી સંભાળવું પડે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. ગંભીર અકસ્માતના લીધે પથારીવશ થવાની સ્થિતિ ઉભી થાય. આ સિવાય અસુરક્ષિત યૌન સંબંધોથી સંભાળવું પડે. તેના લીધે આપ ગંભીર બીમારીમાં સપડાઈ જાવ તેવું બને.
આર્થિક સુખ-સંપત્તિ
આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ આપની મુશ્કેલીમાં વધારો થતો રહે. નવા નાણાંકીય જોખમોથી આપે દૂર રહેવું. આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ આવ્યા કરે. આવક ઘટતી જાય અને જાવક વધતી જાય. કોઇને ઉછીના નાણાં આપ્યા હોય તો તે નાણા પાછા ના આપે કે તમારા ફોન લેવાનું બંધ કરી દે કે ભાગી જાય જેના લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. સ્વાસ્થ્યની અસ્વસ્થતા ને લીધે આપને એક પછી એક આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે.
માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બરથી અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ વક્રી થઇને મિથુન રાશિમાંથી બારમેથી પસાર થઇ રહ્યો છે. આ સમય દરમ્યાન આપની નાણાંકીય મુશ્કેલીમાં વધારો થાય. નાણાંભીડનો અનુભવ થાય. ઘરખર્ચ ચલાવવામાં વ્યવહાર સાચવવામાં આપને મુશ્કેલી પડે. કોઇના જામીન બન્યા હોવ તો આર્થિક ચૂકવણી આપે કરવાની આવે. લોન લીધી હોય, બહારથી ઉછીના નાણા લીધા હોય તો હપ્તા ચૂકવવાની તકલીફ પડે. તા. ૧૫ જૂનથી તા. ૧૫ જુલાઈ દરમ્યાન નાણા ભરેલું બેગ કે પાકીટ ચોરાઈ કે ખોવાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે. નાણાંકીય જવાબદારીવાળા કાર્યમાં આપે નાણા ભરવાની પરિસ્થિતિ ઉભી થાય.
પત્ની સંતાન પરિવાર
કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. કુટુંબ પરિવારની કોઇને કોઈ સમસ્યા મુશ્કેલી આવ્યા કરે. પરિવારમાં નાની નાની બાબતે વાદ વિવાદ ગેરસમજ મનદુ:ખ ઉભા થાય. સંયુક્ત માલ મિલકત ધંધાના પ્રશ્ને કુટુંબ પરિવારનું વાતાવરણ અશાંતિભર્યું થઇ જાય. માતા-પિતાના આરોગ્યની ચિંતા રહે. સાસરીપક્ષે મોસાળપક્ષે બીમારી ચિંતાનું ખર્ચનું વાતાવરણ આવી જાય. સાસરીપક્ષ મોસાળપક્ષના સંબંધીઓ સાથે ભાગીદારીમાં ધંધો કર્યો હોય કે તેમને ત્યાં નોકરી કરતાં હોવ તો આપની મુશ્કેલીમાં વધારો થાય. ન રહેવાય, ન સહેવાય જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય.
નોકરીમાં વર્ષ કેવું રહે?
વિક્રમ સંવત ૨૦૮૨ના આ વર્ષ દરમ્યાન રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને મુશ્કેલીમાં મૂકે. વર્ષ દરમ્યાન ગુરૂનું સાનુકુળ પ્રતિકૂળ પરિભ્રમણ પણ આપને નોકરીમાં તકલીફ આપે.વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ રહે છે. તેથી આપને થોડી રાહત મળી રહે. આપના કેટલાક કામનો ઉકેલ આવતો જાય. પરંતુ માગશર વદ એકમ તા. ૫ ડિસે. થી અધિક જેઠવદ એકમ તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ વક્રી થઇને મિથુન રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે જે આપના ચિંતા ઉચાટમાં વધારો કરે. ખાતાકીય તપાસમાં સરકારી તપાસમાં ફસાઈ જાવ તેવું બને. પહેલેથી કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય.તે સિવાય રાહુના પ્રતિકૂળ પરિભ્રમણના લીધે આપને વર્ષ દરમ્યાન વારંવાર તબીયતની અસ્વસ્થતા જણાય. જેને લીધે વારંવાર રજાઓ પડે. કામમાં વિલંબ જણાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્નોના લીધે પણ આપને કામમાં મન લાગે નહીં. વિચારોમાં રહેવાને લીધે કામમાં ભૂલો થયા કરે. ઉપરીવર્ગ મેનેજમેન્ટ તરફથી આપને નોટીસ મેમો આપવામાં આવે કે નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવે.મહાવદ દસમથી ચૈત્ર સુદ પૂનમ સુધીનો સમય આપના માટે વધુ પીડાદાયક રહે. ધોળે દિવસે તારા દેખાય. નોકરી છોડી દેવાની ઇચ્છા થાય તે સિવાય માનસિક શારિરીક કષ્ટ પીડાના લીધે પણ આપને નોકરીમાં રૂકાવટ જણાય. આત્મઘાતી વિચારો કે અન્ય કોઇને નુકસાન પહોંચાડવાના વિચારો આવ્યા કરે. નાણાંકીય જવાબદારી સંભાળનારે આ સમયમાં વિશેષ સાવધાની રાખવી. ઘરના રૂપિયા જોડવાનો વારો ના આવે તેનું ધ્યાન રાખવું.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
વર્ષ દરમ્યાન ગ્રહોની પ્રતિકૂળતા આપને મુશ્કેલીમાં મૂકે. સૌ પ્રથમ તો સ્વાસ્થ્ય આપને સાથ ન આપતાં આપ ધંધામાં પૂરું ધ્યાન આપી શકો નહીં. તે સિવાય જીએસટી, ઇન્કમટેક્ષ કે અન્ય સરકારી એજન્સીઓના તપાસના ચક્કરમાં અટવાયા કરો. તેના લીધે આપના ધંધાને નુકસાન પહોંચે. કુદરતી કે માનવસર્જિત તકલીફના લીધે માલ સડી જાય કે બગડી જાય અને આપે નાણાંકીય નુકસાનનો સામનો કરવો પડે. ધંધામાં નવું કોઈ સાહસ કરવાની જગ્યાએ જે છે, જેવું છે તે સચવાઈ રહે તેવા પ્રયત્નો કરવા. આપના હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ દ્વારા આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય અને તેમાં તેને સફળતા પણ મળી રહે. આપના ગ્રાહકો તૂટતા જાય. સંયુક્ત ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખ થાય. દગો વિશ્વાસઘાત થાય. જેના લીધે આપ મોટી મુશ્કેલીમાં આવી જાવ. નાંણાકીય જવાબદારી કોર્ટ કચેરી, કુટુંબ પરિવારની જવાબદારીના લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય.
મહા, ફાગણ અને ચૈત્ર માસ દરમ્યાન સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યા, પારિવારીક સમસ્યાના લીધે ધંધામાં પૂરું ધ્યાન આપી શકો નહીં. તેમાં પણ ઘરાકી ઘટતી જાય, આવક શૂન્ય થઇ જાય, જાવક વધતી જવાથી ધંધો શું કામ કરો છો ? દુકાન કેમ ખોલો છો ? તેવો પ્રશ્ન આપને સતાવ્યા કરે. ધંધો બંધ કરી દેવાના વિચારો આપને આવ્યા કરે. જો કે અધિક જેઠ વદ એકમથી આસો વદ છઠ દરમ્યાન આપને થોડી રાહત શાંતિ જણાય. કામ મળી રહેતા પુન:ઉર્જાનો સંચાર થાય.
સ્ત્રી વર્ગ
સ્ત્રી વર્ગે વર્ષ દરમ્યાન પોતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી પડે. કુટુંબ પરિવાર, નોકરી વ્યવસાયની જવાબદારીઓ સંભાળવામાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનવું નહીં. પેટ પેઢુની ગર્ભાશયની તકલીફ જણાય. મેનોપોઝની તકલીફ રહે. શસ્ત્રક્રિયા ના કરાવવી પડે તેનું ધ્યાન રાખવું પડે. તે સિવાય પતિ-સંતાનની ચિંતા આપને રહ્યા કરે. તેમના આરોગ્ય, ભણતર કારકીર્દી નોકરી ધંધાની ચિંતા આપને રહે. વર્ષ દરમ્યાન આપે નાણાંકીય આયોજન ખૂબ જ સમજદારીપૂર્વક અને સંભાળીને કરવું. નહીંતર નાણાભીડનો સામનો આપે કરવો પડે. ટૂકમાં આપે ખૂબ જ ધીરજ શાંતિ અને સાવચેતી રાખીને આ વર્ષ પસાર કરી લેવું.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ નબળું છે. આપને મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. વર્ષ દરમ્યાન કોઇને કોઈ તકલીફના લીધે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અભ્યાસ કરવામાં આપને રૂકાવટ રહે. પરીક્ષા સમેય આપે બીમારી અકસ્માતથી સંભાળવું પડે. વર્ષ બગડે નહીં તેની કાળજી આપે રાખવી પડે. તબીયતની અસ્વસ્થતાના લીધે સમયસર અભ્યાસ કરી શકો નહીં. કારકિર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી પડે. થોડાક ગુણ માટે મનગમતી લાઈન છોડવી પડે કે વર્ષ બગડે. કોઈના દોરવાયા વગર પોતાની સૂઝબૂઝ પ્રમાણે મહેનત કરતાં રહેવું. વધુ અભ્યાસાર્થે પરદેશ જવાની ઇચ્છા હોય તો તેમાં રૂકાવટ મુશ્કેલી જણાય.
ખેડૂતવર્ગ
ખેડૂત વર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૨ નબળું રહે. ખેતરમાં કામ કરતાં વાગી ન જાય, સાપ કે ઝેરી જીવજંતુ કરડી ન જાય તેની તકેદારી રાખવી પડે. વર્ષ દરમ્યાન કુદરતી આપત્તિના લીધે આપના પાકને નુકસાન થાય. ઉભો પાક સળગી જાય કે જીવાત પડવાથી બગડી જાય. સંયુક્ત ખેતીમાં ભાઈભાંડુનો સહકાર મળે નહીં અને ઉપરથી તે તેમનો ભાગ વધુ માંગતા વાદ-વિવાદ મનદુ:ખ થઇ જાય. ઉછીના ઉધારે નાણાં લઈને કામ કરવું નહીં તે સિવાય આપના પાકની યોગ્ય કિંમત ન મળતાં આપને નુકસાનીનો સામનો કરવો પડે. પાક ફેંકી દેવાની ઇચ્છા થઇ જાય. વર્ષ દરમ્યાન કૌટુંબિક પારિવારીક પ્રશ્નોના લીધે ચિંતા-ઉચાટ ખર્ચ જણાય.
ઉપસંહાર
વિક્રમ સંવત ૨૦૮૨ના વર્ષ દરમ્યાન આપની પ્રાથમિકતા સ્વાસ્થ્ય હોવી જોઇે. આરોગ્ય હશે તો બધું જ થશે. તેથી આપે સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી રાખવી નહીં. તે સિવાય આપે વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજનમાં ખૂબ જ સાવધાની રાખવી પડે. આડેધડ કે જોખમી રોકાણો કરવા નહીં. કોઇને ઉધારે નાણા આપવા નહીં કે જામીન બનવું નહીં. રાજકીય સરકારી કનડગતના ભોગ બનવું પડે. કોર્ટ કચેરી થઇ જાય. નોકરી ધંધામાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે.
ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ રહે
વર્ષ દરમ્યાન રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને મુશ્કેલીમાં મૂકે. વર્ષ દરમ્યાન ગુરૂનું સાનુકુળ પ્રતિકૂળ પરિભ્રમણ પણ આપને નોકરીમાં તકલીફ આપે.વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ રહે છે. તેથી આપને થોડી રાહત મળી રહે. આપના કેટલાક કામનો ઉકેલ આવતો જાય. પરંતુ માગશર વદ એકમ તા. ૫ ડિસે. થી અધિક જેઠવદ એકમ તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ વક્રી થઇને મિથુન રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે જે આપના ચિંતા ઉચાટમાં વધારો કરે.
નાણાંકીય જવાબદારીવાળા કાર્યમાં આપે નાણા ભરવાની પરિસ્થિતિ ઉભી થાય.


