અમદાવાદ, 9 મે 2019, ગુરુવાર
વૈશાખ માસ પૂણ્યશાળી અને પવિત્ર છે. વૈશાખ માસની મહિમાનું વર્ણન અનેક પુરાણોમાં કરવામાં આવ્યું છે. આ માસમાં આવતી પૂનમનું પણ અનેરું મહત્વ છે. આ પૂર્ણિમાને બુધ પૂનમ પણ કહેવામાં આવે છે. બુધ પૂર્ણિમા આ વર્ષે 18 મેના રોજ આવશે. આ દિવસનું મહત્વ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અનેરું છે. આ દિવસને ધનની દેવી લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન અને પૂજન કરી વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે.
વૈશાખ માસની પૂર્ણિમા ખાસ એટલા માટે પણ છે કે આ દિવસે ભગવાન બુદ્ધનું અવતરણ થયું હતું. ભગવાન બુદ્ધને ઉત્તરી ભારતમાં હિંદૂઓના ભગવાન વિષ્ણુના નવમા અવતાર ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણ બાદ ભગવાન બુદ્ધનું અવતરણ થયું હોવાનું માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં અનેક લોકો તેમને વિષ્ણુ ભગવાનનો જ અવતાર માને છે.
વૈશાખી પૂનમ પર વિષ્ણુજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય
1. માનસિક સમસ્યાથી પીડિત લોકોએ આ રાત્રિએ ચાંદીના પાત્રમાં થોડું પાણી લઈ તેમાં ગંગાજળ ઉમેરી તેને ચંદ્રપ્રકાશમાં રાખી દેવું. થોડા સમય બાદ આ જળ લઈ તેને પી જવું. આ પ્રયોગ માનસિક રોગમાં રાહત આપે છે.
2. પૂનમના દિવસે સાકર ઉમેરી ખીર બનાવો અને 12 વર્ષ સુધીની સાત કન્યાઓની પૂજા કરી તેમને ખવડાવો. તેનાથી આર્થિક સ્થિતી સુધરે છે અને વેપાર ધંધામાં લાભ થાય છે.
3. પૂનમના દિવસે ઘરમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. સૂર્યોદયથી પહેલા પથારીનો ત્યાગ કરી અને ઘરને સ્વચ્છ કરી ગંગાજળનો છંટકાવ કરવો. ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજા પર હળદર, કંકુથી સાથિયો કરવો.
4. આ દિવસે પીપળાના ઝાડમાં એક લોટામાં કાચું દૂધ, પાણી, સાકર અને પીળું પુષ્પ મધરાવી ચઢાવવું. ધન સમૃદ્ધિ વધશે.
5. પૂજા સમયે ગાયના ઘીનો દીવો કરો અને ધૂપ તેમજ કપૂર પ્રજ્વલિત કરો.
6. લક્ષ્મી માતાને સફેદ વસ્તુનો ભોગ ધરાવો. તેના માટે ખીરનો ઉપયોગ પણ કરી શકો છો. આ ખીરનો પ્રસાદ સ્વયં લઈ અન્યને ખવડાવો ઘરમાંથી ક્લેશ દૂર થશે.
7. સવારે અથવા સાંજે મંદિર દર્શન કરવા માટે જરૂર જવું. હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવી અને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો.
8. ચંદ્રોદય થાય એટલે ચંદ્રને જળ ચઢાવી અને ધૂપ દીવો કરી 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો.


