ગૌતમ બુદ્ધે વિશ્વને આપ્યા આ 10 સંદેશા, જીવનમાં હંમેશા આવે છે કામ
ક્રોધિત થઈને હજારો ખોટા શબ્દો બોલવા કરતા મૌન રહેવું વધું સારૂ જે જીવનમાં શાંતિ લાવશે
નવી દિલ્હી, તા. 7 મે 2020, ગુરૂવાર
આજે સમગ્ર વિશ્વમાં બુદ્ધ પૂર્ણિમા પર્વ ઉજવાઈ રહ્યું છે અને આ અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું. કાર્યક્રમમાં મોદીએ બુદ્ધ કોઈ એક પરિસ્થિતિ માટે સીમિત નથી, તેઓ દરેકને માનવતા દાખવીને મદદ કરવાનો સંદેશો આપે છે તેમ કહ્યું હતું. આજે સમાજની વ્યવસ્થા બદલાઈ ચુકી છે પરંતુ ભગવાન બુદ્ધનો સંદેશો એટલું જ મહત્વ ધરાવે છે અને આપણા જીવનમાં તેનું એક વિશેષ સ્થાન રહેલું છે.
તો ચાલો જાણીએ ભગવાન બુદ્ધના 10 અમૂલ્ય સંદેશા જેના પર વડાપ્રધાને લોકોને ચાલવાની સલાહ આપી છે.
1. જીવનમાં હજારો યુદ્ધ લડવા કરતા સ્વયં પર વિજય પ્રાપ્ત કરવો વધુ ઉમદા કાર્ય છે. જો તેમાં સફળતા મળશે તો વિજય હંમેશા તમારો જ રહેશે અને તેને કોઈ તમારા પાસેથી છીનવી નહીં શકે.
2. કોઈ પણ સંજોગોમાં આ ત્રણ વસ્તુને કદી છુપાવી નથી શકાતી અને તે છે- સૂર્ય, ચંદ્રમા અને સત્ય.
3. જીવનમાં કોઈ ઉદ્દેશ્ય કે લક્ષ્ય સુધી પહોંચવા કરતા તે યાત્રા સારી રીતે સંપન્ન કરવી વધારે મહત્વપૂર્ણ છે.
4. દુષ્ટતાનો અંત દુષ્ટતાથી નહીં આવે. ધૃણાને ફક્ત પ્રેમ દ્વારા જ સમાપ્ત કરી શકાય છે તે એક અતૂટ સત્ય છે.
5. સત્યના માર્ગે ચાલનારી વ્યક્તિ ફક્ત બે જ ભૂલ કરી શકે છે, પહેલી કે આખો રસ્તો નક્કી ન કરવો અને બીજી કે પછી શરૂઆત જ ન કરવી.
6. ભવિષ્ય માટે ન વિચારશો, ભૂતકાળમાં ખોવાશો નહીં, ફક્ત વર્તમાન પર ધ્યાન આપો. જીવનમાં ખુશ રહેવાનો આ એકમાત્ર રસ્તો છે.
7. ખુશીઓ હંમેશા વહેંચવાથી વધે છે. જેમ કે, એક પ્રજ્વલિત દીવા વડે હજારો દીવા પ્રગટાવી શકાય છે અને તેમ છતા તે દીવાનો પ્રકાશ ઓછો નથી થતો.
8. તમે ભલે ગમે તેટલા સારા પુસ્તકો વાંચો, ગમે તેટલા સારા શબ્દો સાંભળો પરંતુ જ્યાં સુધી તમે તેને તમારા જીવનમાં અપનાવશો નહીં ત્યાં સુધી તેનો કોઈ ફાયદો નહીં થાય.
9. હંમેશા ક્રોધિત રહેવું એટલે કોઈ અન્ય વ્યક્તિ પર સળગતો કોલસો ફેંકવાની ઈચ્છાથી તેને પોતે જ પકડીને રાખવો. ક્રોધ સૌથી પહેલા તમને સળગાવે છે.
10. ક્રોધિત થઈને હજારો ખોટા શબ્દો બોલવા કરતા મૌન રહેવું વધું સારૂ જે જીવનમાં શાંતિ લાવે છે.