Get The App

1000 વર્ષ જૂનું એકમાત્ર મંદિર જ્યાં શિવજીથી મોઢું ફેરવીને બેઠા છે નંદી મહારાજ, સ્ત્રી રૂપમાં દર્શન આપે છે ગણેશજી

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
Bhuleshwar Mahadev Pune


(IMAGE - IANS)

Bhuleshwar Mahadev Pune: ભગવાન શિવના અનન્ય ભક્ત તરીકે નંદી મહારાજની ગણના થાય છે. સામાન્ય રીતે દરેક શિવ મંદિરમાં નંદીનું મુખ શિવલિંગ તરફ હોય છે, પરંતુ મહારાષ્ટ્રના પુણે-સોલાપુર હાઇવે પર આવેલું ભુલેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે. અહીં નંદી મહારાજ મહાદેવથી મોઢું ફેરવીને બેઠા છે.

નંદીજીનું મોઢું કેમ બીજી તરફ છે?

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે માતા પાર્વતી ભગવાન શિવને મનાવીને પરત લેવા આવ્યા હતા, ત્યારે નંદી મહારાજે મર્યાદા જાળવીને આ દંપતી તરફ જોવાનું ટાળ્યું હતું અને પોતાનું મોઢું ફેરવી લીધું હતું. ત્યારથી અહીં નંદી મહારાજની ગરદન જમણી તરફ વળેલી જોવા મળે છે.

'ભુલેશ્વર' નામ પાછળનું પૌરાણિક કારણ

બીજી એક માન્યતા મુજબ, શિવજી પાર્વતીજીથી નારાજ થઈને અહીં તપસ્યા કરવા આવ્યા હતા. માતા પાર્વતીએ તેમને મનાવવા માટે અત્યંત સુંદર રૂપ ધારણ કરી નૃત્ય કર્યું હતું, જેનાથી પ્રસન્ન થઈ શિવજી પોતાનો ગુસ્સો ભૂલી ગયા હતા. આ 'ભૂલી જવાની' ઘટનાને કારણે મંદિરનું નામ 'ભુલેશ્વર' પડ્યું હોવાનું મનાય છે.

પ્રસાદ થઈ જાય છે ગાયબ 

આ મંદિર વિશે એવી લોકવાયકા છે કે જ્યારે અહીં ભગવાનને મીઠાઈ કે પેંડાનો ભોગ ધરાવવામાં આવે છે, ત્યારે તેમાંથી એક કે વધુ નંગ આપોઆપ ગાયબ થઈ જાય છે. શિવલિંગ નીચે એક ગુફા જેવી સંરચના છે, પરંતુ પ્રસાદ ક્યાં જાય છે તે આજે પણ રહસ્ય છે.

આ પણ વાંચો: 2026માં સિંહ અને ધન સહિત 3 રાશિના જાતકો પર રહેશે શનિની 'નજર', બચવા માટે કરો આ ઉપાય

સ્ત્રી વેશમાં દેવી-દેવતાઓ

આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવ, ગણેશ અને કાર્તિકેયની સ્ત્રી વેશ ધારણ કરેલી દુર્લભ પ્રતિમાઓ સ્થાપિત છે, જે અન્ય કોઈ મંદિરમાં ભાગ્યે જ જોવા મળે છે.

અદ્ભુત સ્થાપત્ય કલા

8મી સદીમાં નિર્મિત આ મંદિર ટેકરી પર આવેલું છે. તેની વાસ્તુકલામાં મુગલકાળ અને મરાઠા સભ્યતાની ઝલક જોવા મળે છે. બહારથી જોતા આ મંદિર તાજમહેલ જેવું દેખાય છે, પરંતુ તેની અંદરની દીવાલો પર અત્યંત પ્રાચીન અને શાસ્ત્રીય કોતરણી કરવામાં આવી છે. 1000 વર્ષ જૂનું આ ભુલેશ્વર મહાદેવ મંદિર હાલમાં સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે અને દરરોજ હજારો ભક્તો આ રહસ્યમયી શિવધામના દર્શનાર્થે આવે છે.

1000 વર્ષ જૂનું એકમાત્ર મંદિર જ્યાં શિવજીથી મોઢું ફેરવીને બેઠા છે નંદી મહારાજ, સ્ત્રી રૂપમાં દર્શન આપે છે ગણેશજી 2 - image