નવી દિલ્હી, તા. 30 જુલાઇ 2020, ગુરુવાર
બકરા ઇદ, બકરીદ, ઇદ-ઉલ-અઝહા અથવા તો ઇદ ઉલ જુહા આ વર્ષે દેશભરમાં 1 ઑગષ્ટના રોજ મનાવવામાં આવશે. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર 12માં મહિનાની 10 તારીખે બકરી ઇદ મનાવવામાં આવે છે. જો કે, સાઉદી અરેબિયામાં 31 જુલાઇના રોજ બકરી ઇદ મનાવવામાં આવશે. બકરી ઇદ રમજાનનો પવિત્ર મહિનો સમાપ્ત થવાના લગભગ 70 દિવસો બાદ મનાવવામાં આવે છે. બકરી ઇદ પર કુરબાની આપવામાં આવે છે અને મીઠી ઇદ બાદ આ ઇસ્લામ ધર્મનો મુખ્ય તહેવાર હોય છે.
બકરી ઇદનું મહત્ત્વ
બકરી ઇદને ફર્ઝ-એ-કુર્બાનીનો દિવસ હોય છે. ઇસ્લામમાં મુસ્લિમો અને ગરીબોનું ખાસ ધ્યાન રાખવાની પરંપરા છે. આ કારણથી બકરી ઇદ પર ગરીબોનું વિશેષ ધ્યાન રાખે છે. આ દિવસે કુર્બાની આપ્યા બાદ ગોશ્તના ત્રણ ભાગ કરવામાં આવે છે. આ ત્રણ ભાગમાં પોતાના માટે એક ભાગ રાખવામાં આવે છે અને બાકીના બે ભાગ ગરીબ અને જરૂરતમંદોમાં વહેંચી દેવામાં આવે છે. જેના મારફતે મુસ્લિમ લોકો પેગામ આપે છે કે તેઓ પોતાના હૃદયથી નજીકની વસ્તુ પણ બીજાની ખુશીઓ માટે અલ્લાહની રાહમાં કુરબાન કરી દે છે.
બકરી ઇદ કેમ મનાવવામાં આવે છે?
ઇસ્લામમાં બકરી ઇદનું વિશેષ મહત્ત્વ છે. ઇસ્લામિક માન્યતા અનુસાર હજરત ઇબ્રાહિમે પોતાના દિકરા હજરત ઇસ્માઇલને આ દિવસે ખુદાના હુકમ પર ખુદાની રાહમાં કુરબાન કરી દીધો હતો. ત્યારે ખુદાએ તેમની કુરબાની જોઇને તેમના દિકરાને જીવનદાન આપ્યું હતું. આ પર્વને હજરત ઇબ્રાહિમની કુરબાનીની યાદમાં જ મનાવવામાં આવે છે. ત્યારબાદ અલ્લાહના હુકમની સાથે મનુષ્યની જગ્યાએ પ્રાણીઓની કુરબાની આપવાનું શરૂ કરવામાં આવ્યું.
કુરબાની કેમ આપવામાં આવે છે?
હકીકતમાં, હજરત ઇબ્રાહિમે જ્યારે કુરબાની આપી હતી ત્યારે તેમને લાગ્યું કે તેમની ભાવનાઓ વચ્ચે આવી શકે છે અને આ કારણથી તેમણે પોતાની આંખો પર પટ્ટી બાંધીને કુરબાની આપી હતી. ત્યારબાદ જ્યારે તેમણે પોતાની આંખો પરથી પટ્ટી હટાવી તો તેમનો પુત્ર તેમની સામે જીવિત ઉભો હતો. વેદી પર કપાયેલ બકરીનુ બચ્ચુ પડ્યુ હતું. આ કારણથી બકરી ઇદ પર કુરબાની આપવાની પ્રથા શરૂ કરવામાં આવી.


