નવી દિલ્હી, તા. 06 ઑગષ્ટ 2020, ગુરુવાર
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળપણથી જ આપણે પોતાના ઘરમાં જોતા આવ્યા છીએ કે આપણા વડીલો સવારે ઊઠતાની સાથે જ સૌથી પહેલા ભૂમિનો સ્પર્શ કરીને પ્રણામ કરે છે. તેનું કારણ છે કે શાસ્ત્રોમાં પૃથ્વીની વંદના 'મા' શબ્દથી કરવામાં આવી છે. તેથી પૃથ્વી માતાને આદારણીય માનવામાં આવે છે. ધરતી જ આપણને અન્ન, જળ, વસ્ત્ર, ઔષધિઓ, ખનિજ પદાર્થ, બધી ધાતુઓ, ફળ-શાકભાજી તમામ વસ્તુઓ આપે છે, જેનાથી આપણું જીવન ટકી રહે છે એટલા માટે આપણે બધા ધરતી માતાના ઋણી છે. શાસ્ત્રોમાં ભૂમિ પૂજનની રીતિને વિધાન બનાવીને ધાર્મિક રીતે એટલા માટે રજૂ કરવામાં આવી છે જેથી આપણે ધરતી માતા પ્રત્યે પોતાના કૃતજ્ઞતા પ્રકટ કરી શકીએ અને તેમને સન્માન આપી શકીએ.
મંત્ર જાપ કરીને પગ મુકવો:
માતાની જેમ આદરણીય હોવાને કારણે ભૂમિ પર પગ રાખવો પણ દોષનું કારણ માનવામાં આવે છે, પરંતુ ભૂમિને સ્પર્શ કર્યા વગર રહેવું તો અશક્ય છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં તેના પર પગ રાખવાની મજબૂરી માટે એક વિશેષ મંત્ર દ્વારા ક્ષમા પ્રાર્થના કરવી જરૂરી માનવામાં આવે છે.
समुद्र-वसने देवि, पर्वत-स्तन-मंडिते ।
विष्णु-पत्नि नमस्तुभ्यं, पाद-स्पर्शं क्षमस्व मे ॥
અર્થાત સમુદ્ર રૂપી વસ્ત્ર ધારણ કરનાર પર્વત રૂપી સ્તનોથી મંડિત ભગવાન વિષ્ણુની પત્ની છે માતા પૃથ્વી.. તમે મને પગ સ્પર્શ માટે ક્ષમા કરો.
વાસ્તુમાં પણ છે ભૂમિ પૂજનનું મોટું સ્થાન
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભવન નિર્માણ બાદ તેની સુખ-શાંતિ તેમજ ભવ્યતા જાળવી રાખવા માટે ભવન નિર્માણ કરતા પહેલા ભવનનો પાયો ખોદીને ધરતી માતાની પૂજા કરવામાં આવે છે. વિશેષ મંત્રો દ્વારા મા ભૂમિની પ્રાર્થના કરવામાં આવે છે કે હે મા! અમે તમારી ઉપર ભાર આપી રહ્યા છીએ તેના માટે તમે અમને ક્ષમા કરો. પાયામાં પણ ચાંદી અથવા સોનાનો સાપ રાખવામાં આવે છે તેની પાછળ પૌરાણિક માન્યતા છે કે આપણી પૃથ્વી સાપની ફેણ પર ટકી છે. અને માનવામાં આવે છે કે જમીનની નીચે પાતાળ લોક છે અને તેના સ્વામી શેષનાગ છે.
શ્રીમદ્દ ભાગવત મહાપુરાણના પાંચમાં સ્કંદમાં લખ્યું છે કે પૃથ્વીની નીચે પાતાળ લોક છે અને તેના સ્વામી શેષનાગ છે, એટલા માટે ક્યારેય પણ, કોઇ પણ સ્થળ પર ભૂમિ પૂજન કરતી વખતે ચાંદીના નાગની જોડી રાખવામાં આવે છે. જેવી રીતે શેષનાગ પોતાના ફેણ પર સંપૂર્ણ પૃથ્વીને ધારણ કરી છે ઠીક તેવી જ રીતે ભવનનો પાયો પણ પ્રતિષ્ઠિત કરવામાં આવેલા ચાંદીના નાગના ફેણ પર પૂર્ણ મજબૂતી સાથે સ્થાપિત રહેશે. શેષનાગ ક્ષીરસાગરમાં રહે છે એટલા માટે પૂજાના કળશમાં દૂધ, દહીં, ઘી નાંખીને મંત્રો દ્વારા શેષનાગને આમંત્રિત કરવામાં આવે છે જેથી તેઓ સાક્ષાત ઉપસ્થિત રહીને ભવનની રક્ષા કરાવે.
ભૂમિ વંદના :
- સાષ્ટાંગ પ્રણામ કરીને ધરતી માતાનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.
- કોઇ પણ પૂજા-અનુષ્ઠાન શરૂ કરતા પહેલા તે જગ્યાને ધોઇને, જળનો છંટકાવ કરીને, માંડવો બાંધીને મૂર્તિ, કળશ, દિવો અથવા પૂજાની થાળી રાખવામાં આવે છે.
- સ્ટેજ પર કલાકાર પોતાની કળાનું પ્રદર્શન કરતા પહેલાં ધરતીને સ્પર્શીને પ્રણામ કરે છે. મંદિરમાં પ્રવેશ કરતા પહેલા પણ ધરતીને સ્પર્શીને આશીર્વાદ લેવામાં આવે છે. ઘણી જગ્યાએ તો આજે પણ બાળકોને નવા વસ્ત્રો પહેરાવતા પહેલાં ધરતીનો સ્પર્શ કરાવવામાં આવે છે. આ બધુ જ ધરતી માતાની માનસિક પૂજાનું જ એક રૂપ છે.
- ખેડૂતો દ્વારા ઉત્તમ પાકની પ્રાપ્તિ માટે પાક વાવતા પહેલાં ધરતી પૂજા કરવામાં આવે છે.
- નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા પણ પૂજા કરવામાં આવે છે.
- લગ્ન સમયે પણ નવી વહુ દ્વારા ચોખા, ફળ-મિઠાઇ વગેરે દ્વારા પ્રવેશદ્વારની પૂજા કરવામાં આવે છે.
- પહેલાના સમયમાં ઘરમાં ગૃહિણી સવારે ઉઠતા જ ઘર, મુખ્ય દ્વારની સાફ-સફાઇ કરીને પાણીથી ધોઇને રંગોથી સજાવતી હતી. ક્યાંક-ક્યાંક તો આજે પણ આપણા વડીલો ઘરથી બહાર જતી વખતે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક જમીનનો સ્પર્શ કરીને પ્રણામ કરે છે.
વૈજ્ઞાનિક અને વ્યવહારિક દ્રષ્ટિકોણ :
હકિકતમાં ભૂમિ પૂજન પાછળના વૈજ્ઞાનિક કારણ પાછળ ધ્યાન આપીએ તો અનેક શોધ દ્વારા જાણવા મળ્યું છે કે જ્યારે આપણે કોઇ ધાબળો અથવા ચાદર ઓઢીને સૂઇ જઇએ છીએ ત્યારે આપણા શરીરનું તાપમાન થોડું વધી જાય છે, એવામાં પથારીમાંથી નીચે એકદમ પગ મુકી દેવાથી શરીરમાં ગરમી-ઠંડીનો પ્રવાહ શરૂ થઇ જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. વ્યવહારિક રીતે જોઇએ તો ભૂમિ વંદના વ્યક્તિને જમીન સાથે સાંકળી રાખે છે અને અહંકારથી ઉપર સહનશીલ, ધૈર્યવાન અને ક્ષમાશીલ જીવન જીવવાનો સંદેશો આપે છે.


