જાણો, અઠવાડિયાના કયા દિવસે કયા દેવતાની પૂજા કરવાથી ભાગ્યોદય થાય છે
- સપ્તાહના સાતેય દિવસ અલગ-અલગ દેવી દેવતાઓને સમર્પિત હોય છે
નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ 2020, રવિવાર
અઠવાડિયાના સાત દિવસ હોય છે સાતેય દિવસ અલગ-અલગ દેવી-દેવતાઓને સમર્પિત હોય છે. જ્યોતિષ અનુસાર અઠવાડીયાના સાત દિવસના નામ ગ્રહોના આધારે રાખવામાં આવ્યા છે. દરેક દિવસ એક અલગ ગ્રહ માટે હોય છે. ગ્રહોની પણ આપણા જીવનમાં ઘણી અસર જોવા મળે છે. દિવસ અનુસાર દેવી દેવતાઓની પૂજા કરવાથી તેઓ પોતાની વિશેષ કૃપા વરસાવે છે. જાણો, કયો દિવસ કયા દેવી-દેવતા માટે સમર્પિત હોય છે...
રવિવાર અઠવાડિયાનો પ્રથમ દિવસ સૂર્ય નારાયણને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવની પૂજા અર્ચના અને વ્રત કરવાથી વ્યક્તિને સૂર્ય સમાન તેજ પ્રાપ્ત થાય છે, યશ-કિર્તિમાં વૃદ્ધિ થાય છે. આ સાથે જ કુંડળીમાં સૂર્ય પણ મજબૂત હોય છે.
સોમવારનો દિવસ સાક્ષાત્ જગત પિતા ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે, શિવજી ખૂબ ભોળા છે તેઓ ભક્તની ભાવનાથી જ પ્રસન્ન થઇ જાય છે અને પોતાના ભક્તોના તમામ દુખ દૂર કરી દે છે. સોમવારના દિવસે ભગવાન શિવજીની પૂજા કરવી જોઇએ. અને શિવલિંગ પર જળથી અભિષેક કરવો જોઇએ. આ દિવસ ચંદ્રનો દિવસ માનવામાં આવે છે.
મંગળવારનો દિવસ મંગળ ગ્રહનો દિવસ છે આ દિવસ હનુમાનજીને સમર્પિત કરવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે આજના સમયમાં પણ હનુમાનજી આ પૃથ્વી પર સાક્ષાત રૂપમાં વિરાજમાન થાય છે, આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી અને ચાલીસા વાંચવાથી તેઓ પોતાના ભક્તોને દરેક પ્રકારના ભયથી મુક્ત કરે છે. હનુમાનજી રામ ભક્ત છે એટલા માટે રામજીની પૂજા કરવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે.
બુધવારનો દિવસ ગણપતિજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ બુધ ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે. બુધ ગ્રહને વાકપટુતાનું પરિબળ માનવામાં આવે છે. આ દિવસ ગણેશજીની પૂજા કરવાથી વિઘ્નહર્તા બધા વિઘ્ન દૂર કરે છે અને બુદ્ધિનું વરદાન આપે છે.
ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસ ગુરુ ગ્રહનો દિવસ માનવામાં આવે છે. કુંડળીમાં ગુરુ ભારે હોવા પર લગ્ન સંબંધિત અડચણો આવે છે. ગુરુવારના દિવસે પૂજા કરવાથી કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ મજબૂત થાય છે. ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવાનું પણ માનવામાં આવે છે.
શુક્રવારના દિવસે માતા લક્ષ્મી, મા સંતોષી અને મા દૂર્ગાની પૂજા કરવી જોઇએ. શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શુક્ર ગ્રહને પણ ભૌતિક સુખોનું પરિબળ માનવામાં આવે છે.
શનિવારનો દિવસ ન્યાયના દેવ શનિદેવને સમર્પિત છે.. શનિવારે શનિદેવની પૂજા કરવાથી તેમની વક્ર દ્રષ્ટીથી રાહત મળે છે. આ દિવસે સૂર્યાસ્ત બાદ પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઇએ, અને શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું જોઇએ.