Guru Margi 2026: દેવગુરુ બૃહસ્પતિ 11 માર્ચના રોજ માર્ગી થયા છે. શિક્ષણ, ભાગ્ય અને ધનના કારક ગણાતા આ ગ્રહ હવે 13 ડિસેમ્બર સુધી માર્ગી અવસ્થામાં જ રહેશે. એટલે કે ગુરુ આગામી લગભગ 9 મહિના સુધી સીધી ચાલ ચાલશે. બૃહસ્પતિ પુનર્વસુ નક્ષત્રમાં માર્ગી થયા છે અને પુનર્વસુ ગુરુનું પોતાનું જ નક્ષત્ર માનવામાં આવે છે. પુનર્વસુ શબ્દ 'પુનર્વાસ' પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ છે ફરીથી વાસ કરવો અથવા જીવનમાં કંઈક નવું લાવવું. આ નક્ષત્ર આપણને સર્જનાત્મક અને ધૈર્યવાન બનાવે છે તેમજ અંધકારમય જીવનમાં પ્રકાશનું નવું કિરણ પેદા કરે છે. ચાલો જાણીએ કે આ નક્ષત્રમાં માર્ગી થઈને ગુરુ કઈ રાશિઓને લાભ આપવાના છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિથી બીજા ભાવમાં બૃહસ્પતિ માર્ગી થયા છે. પ્રોપર્ટીની લે-વેચ સંબંધિત બાબતોમાં તમને મોટો લાભ મળી શકે છે. કોઈ સારી ડીલ તમારા હાથમાં આવી શકે છે. મિલકતને લગતી તમામ અડચણો અને તકલીફો હવે દૂર થશે. તમને પિતૃક સંપત્તિથી પણ લાભ થવાની શક્યતા છે. જો તમે નવું ઘર કે જમીન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે.
કર્ક રાશિ
ગુરુનું માર્ગી થવું કર્ક રાશિના જાતકોના વ્યક્તિત્વ વધારનારું સાબિત થશે. તમે તમારી સર્જનાત્મકતા વધારવા પર ભાર મૂકશો તો તમારા પ્રયત્નોમાં ગતિ આવશે ધાર્યા કામ પાર પડશે. કરેલી મહેનતનું હવે શુભ ફળ મળવાનું શરૂ થશે. તમારા જે પણ સરકારી કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે ઝડપથી પૂર્ણ થશે. તમારા માન-સન્માનમાં પણ વધારો થશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે નવા કાર્યોની શરૂઆત કરવા માટે આ ઉત્તમ સમય છે. નોકરીયાત વર્ગ માટે આ સમય ખૂબ જ સાનુકૂળ રહેશે. છેલ્લા કેટલાક સમયથી કાર્યસ્થળ પર તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તે ટૂંક સમયમાં દૂર થશે. પ્રગતિના નવા માર્ગો ખુલશે. સિનિયર અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે અને તમે તમારી પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફ વચ્ચે સારું સંતુલન જાળવી શકશો.
આ પણ વાંચો: 5 રાશિના જાતકોના 'અચ્છે દિન' આવશે, શુક્રનું કૃતિકા નક્ષત્રમાં ગોચર ફળશે
મીન રાશિ
મીન રાશિના જાતકોના જીવનમાં પણ કેટલાક સકારાત્મક ફેરફારો આવવાની પ્રબળ સંભાવનાઓ છે. કાર્યમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. જે લોકો લાંબા સમયથી રોજગારની શોધમાં છે, તેમના માટે આ સમય ઉત્તમ રહેશે. જો કોઈ જૂનું રોકાણ તમને નુકસાન કરાવી રહ્યું હોય, તો તે હવે ફાયદો આપવા લાગશે. નવું રોકાણ કરનારાઓ માટે પણ સમય અનુકૂળ છે. ગુરુજનોના માર્ગદર્શનથી લીધેલા નિર્ણયો ફાયદો અપાવશે.


