Get The App

મેષ : આ વર્ષે તન અને મન બન્ને અલમસ્ત રહેશે

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
મેષ : આ વર્ષે તન અને મન બન્ને અલમસ્ત રહેશે 1 - image

- Aries

- 21 માર્ચથી 19 એપ્રિલ

ક્રાંતિવૃત્તના ૦થી ૩૦ અંશ સુધીમાં મેષ રાશિનો સમાવેશ થાય છે. રાશિનો સ્વામી મંગળ છે.અશ્વિની, ભરણી, કૃતિકા નક્ષત્રોનો મેષ રાશિમાં સમાવેશ થાય છે. નક્ષત્રના અધિપતિ ગ્રહો, કેતુ, શુક્ર અને સૂર્ય થાય છે. રાશિનું ચિહ્ન ઘેટું છે તેથી વધારે મહેનત કરવાની  ક્ષમતા આ રાશિના જાતકોમાં સહજ હોય છે. આ અગ્નિ તત્ત્વની ચર સ્વભાવની પુરુષ રાશિ છે. ૨૦૨૬ મેષ રાશિ માટે આત્મવિશ્વાસ, નવી શરૂઆત અને દિશા બદલાવનું વર્ષ બની શકે છે. તમે વધુ સ્વતંત્રપણે વિચારશો, અને પોતાની ઓળખ મજબૂત કરવાની ઇચ્છા વધશે. રાશિનો સ્વામી મંગળ હોવાના કારણે આ જાતકોને એક કામ કરવાની વિશેષ ઉર્જા હોય છે. મેષ રાશિનો મુખ્ય સ્વભાવ કંઈક ઊંચે પહોંચવાની કોશિશ કરવાનો હોય છે. કંઈક નવું કરવું અને સતત પ્રયત્નશીલ રહેવું તે આ રાશિના જાતકોને ખૂબ ગમે છે. આ જાતકો એક જગ્યાએ સ્થિર બેસીને કામ કરી શકતા નથી. ચંચળતા હંમેશા તેમના સ્વભાવમાં હોય છે. તેમનામાં ધીરજનો અભાવ છે. સ્વભાવે તેઓ સાહસિક છે. મંગળ, સૂર્ય અને ગુરુ આ ત્રણ ગ્રહો હંમેશા મેષ રાશિના જાતકોને શુભ પરિણામ આપતા હોય છે. આ ગ્રહોની ઉપાસના કરવાથી સફળતાની સીડી આસાનીથી ચડી શકાશે. 

કંગના રનૌત

૨૩ માર્ચ

અક્ષય ખન્ના - ૨૮ માર્ચ

રાની મુખર્જી - ૨૧ માર્ચ

શરીર - મન - સ્વાસ્થ્ય

૨૦૨૬માં મેષ રાશિના જાતકની શારીરિક તંદુરસ્તી પ્રબળ રહેશે. કોઈ લાંબી માંદગી કે બીમારી આવે એવા યોગ બનતા નથી. માનસિક રીતે આ વર્ષ એકંદરે સારું રહેશે. બીમારી પાછળ વધારે ખર્ચ કરવો પડે એવા કોઈ યોગ બનતા નથી. શારીરિક પીડા અનુભવવી પડે તો પણ એમાંથી જલ્દી બહાર નીકળી શકાશે. ટૂંકમાં, ૨૦૨૬ મેષ રાશિના જાતકો શારીરિક અને માનસિક સ્તરે સુખાકારી પામશે.

મારું ઘર, મારો પરિવાર

મેષ  રાશિના જાતકોએ અમુક પારિવારિક સંઘર્ષનો સામનો કરવો પડે. જીભાજોડી થઈ શકે છે, માટે ખૂબ વિચારીને કામ કરવું.

પરિવારના સભ્યો સાથે થોડી ગેરસમજ બની શકે. તેથી સમજીવિચારીને નિર્ણય લેવો હિતાવહ રહેશે. આ વર્ષે પરિવાર સાથે અથવા પરિવારને લગતી કોઈ પણ બાબતમાં સમજણશક્તિ સાથે નિર્ણય લેવો જોઈએ કે જેથી સંઘર્ષને ટાળી શકાય અને સંબંધો બગડતા અટકાવી શકાય. 

પ્રેમ - લગ્ન - સંતતિ

મેષ રાશિના જાતકો માટે જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ સુધી દરમિયાન લગ્નના યોગ પ્રબળ બને છે. પ્રેમમાં થોડી નિષ્ફળતા મળે અથવા લાંબી રાહ જોવી પડે તેવી શક્યતા ગ્રહબળના આધારે જોઈ શકાય છે. સંતાન પ્રાપ્તિની ઇચ્છા ધરાવનારા જાતકોને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે. વર્ષની આખરમાં ડોક્ટરની સલાહ લઈને આગળ વધવું હિતાવહ છે.

ભણતર અને ગણતર

મેષ રાશિના જાતકોએ આ વર્ષે પોતપોતાના ફિલ્ડમાં વધારે મહેનત કરવી પડશે. મે ૨૦૨૬ પછી મહેનતનાં પરિણામમાં સફળતા જોઈ શકાશે. રિઝલ્ટ સરસ આવશે. જૂનથી લઈને ડિસેમ્બર સુધીના સમયગાળામાં વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ જોઈ શકાય છે.

નોકરી - ધંધો - કરીઅર  

નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની ઇચ્છા રાખનારા જાતકોએ જૂન સુધી રાહ જોવી પડશે. નવી નોકરી શોધી રહેલા જાતકોએ પણ મે મહિના સુધી રાહ જોવી પડે તેવા યોગ બને છે. ધંધાર્થીઓ માટે જૂનથી ડિસેમ્બર ૨૦૨૬ સુધીનો સમય ઘણો સારો છે. ધંધામાં પ્રગતિ થાય, એક્સપોર્ટ-ઇમ્પોર્ટને લગતા ધંધામાં લાભ થાય. જૂન પછી નોકરી-ધંધામાં વધારે સારાં પરિણામો જોઈ શકાશે અને કામમાં સફળતા મેળવી શકાશે.

પૈસા યે પૈસા

ધનસ્થાન અને લાભસ્થાનને જોતાં મેષ રાશિના જાતકોને અચાનક લાભ થાય તેવા યોગ બને છે. જે જાતકો શેરબજાર સાથે સંકળાયેલા છે તેમના માટે આકસ્મિક લાભ ઉપરાંત અચાનક નુકસાનીના યોગ પણ બને છે. તેથી સમજીવિચારીને શેરબજારમાં ઇન્વેસ્ટ કરવું. ધંધામાં અને ભાગીદારીના કામમાં પણ ક્યાંક ને ક્યાંક વધારાનો ખર્ચ કરવો પડે. 

ઘર, વાહન અને જમીન

ઘર, વાહન કે જમીન ખરીદવાની ઇચ્છા ધરાવતા મેષ રાશિના જાતકો માટે જૂન મહિના પછી સારા યોગ જોવા મળે છે. નવી જમીન ખરીદવી હોય, વારસાની મિલકત મળે તેવી ઇચ્છા હોય અથવા વાહન ખરીદવા હોય તો મે મહિના સુધી થોભો અને રાહ જુઓ નીતિ અપનાવવા જેવી છે. જૂનથી લઈને ડિસેમ્બર સુધીનો સમયગાળો વાહન, જમીન, મકાન, ખરીદવા માટે મેષ રાશિના જાતકો માટે સારો છે. વિદેશ યાત્રા જવા માટે પણ સારા યોગ બને છે.

નારી તું નારાયણી

લગ્ન કરવા ઈચ્છુક મેષ રાશિની બહેનોને જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ સુધીમાં લગ્નના યોગ પ્રબળ બનતા જોવા મળે છે. સારા સગપણની વાતો આવે તેમજ સગાઈ અથવા લગ્નનું આયોજન ઝડપથી થાય તેવું બને. સંતાન ઇચ્છનાર મેષ રાશિની બહેનોએ થોડીક રાહ જોવી પડે. સંતાનની બાબતમાં ધાર્યું પરિણામ ન મળે અને અણધારી તકલીફ આવી જાય તેવી શક્યતા છે. નોકરીયાત મહિલાઓને ક્યાંક તકલીફોનો સામનો કરવો પડે. કામના સ્થળે દલીલબાજીથી દૂર રહેવું જોઈએ. જે બહેનોને વિદેશ યાત્રા કરવી છે તેમના માટે જૂન પછીનો સમય વધારે પ્રબળ બને છે. વિદેશ જવાના અથવા વિઝાના કામો અટક્યાં હોય તો તે જૂન ૨૦૨૬ પછી આગળ વધી શકશે. 

વિશેષ ઉપાય

મેષ રાશિમાં શનિદેવ બારમા ભાવમાંથી પસાર થાય છે. ગુરુ મહારાજનું ભ્રમણ ૨૦૨૬માં મિથુન અને કર્ક રાશિમાં થવાનું હોવાના કારણે તેમજ કેતુ પાંચમા સ્થાનમાંથી પસાર થતા હોવાના કારણે મેષ રાશિના જાતકો માટે ગણપતિ બાપાની આરાધના કરવી હિતાવહ છે. સૂર્યનારાયણ ને રોજ જળ ચડાવવું જોઈએ. ધાર્મિક કાર્યમાં થોડું દાનપુણ્ય કરવાથી અટકેલાં કામો વધારે સારી રીતે અને જલ્દી પાર પડે એવા યોગ બની રહ્યા છે. ગણપતિની પૂજા કરવાથી ભાગ્ય અથવા કર્મમાં આવતી અડચણ દૂર થાય અને શુભ ફળની પ્રાપ્તિ થાય.