તા. ૧ જૂન થી તા. ૩૧ ઓકટોબર દરમ્યાન ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપની પરેશાની, રુકાવટમાં વધારો કરે...
।। श्री गणेठशाय नमः ।।
।। श्री सरस्वत्यै नमः ।।
।। श्री नवदुर्गायै नमः ।।
।। श्री यज्ञपुऱुषाय नमः ।।
।। श्री गुऱवे नमः ।।
પરમ કૃપાળુ મા નવદુર્ગા અને એકલિંગજી દાદાની અસીમ કૃપાથી વિક્રમ સંવત ૨૦૮૨ કારતક સુદ એકમ તા. ૨૨ ઓકટોબર ૨૦૨૫ બુધવારના રોજથી પ્રારંભ થાય છે. જૈનવીર સંવત ૨૫૫૨ નો પ્રારંભ થાય છે.
નવા વર્ષના ગ્રહયોગ અનુસાર રાશિ ફળ વિગતવાર જોતાં -
વર્ષ દરમ્યાન શનિની સાડા સાત વર્ષની પનોતીનો પ્રથમ તબક્કો મસ્તક પરથી લોખંડના પાયે પસાર થઈ રહ્યો છે. જે આપને કષ્ટ-પીડા રખાવે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન સાનુકૂળ- પ્રતિકૂળ રહ્યા કરે. રાહુનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન લાભદાયી બની રહે.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ દરમ્યાન આપે સંભાળવું પડે. વર્ષ દરમ્યાન જૂની બીમારીમાં, વારસાગત બીમારીમાં આપની તકલીફમાં વધારો થાય. તે સિવાય મોં, ગરદન, દાંતની, આંખની તકલીફ આપને જણાય.
વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર ૨૦૨૫ તેમજ તા. ૧-૬-૨૦૨૬ થી ૩૧-૧૦-૨૦૨૬ સુધી ગુરૂનું પ્રતિકૂળ પરિભ્રમણ સ્વાસ્થ્ય બાબતે આપને ચિંતા રખાવે. છાતીમાં દુ:ખાવો, ગભરામણ જેવી તકલીફ અનુભવાય. આ સમય દરમ્યાન આપે પડવા - વાગવાથી, મચકોડ-ફ્રેકચરથી, અકસ્માતથી સંભાળવું પડે. તે સિવાય લોહીના દબાણ- વિકારથી થતી બીમારીઓમાં આપે સાવધાની રાખવી પડે.
આર્થિક સુખ-સંપત્તિ
વિક્રમ સંવત ૨૦૮૨માં શનિ મીન રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. લોખંડના પાયે ચાલી રહેલ સાડા સાતીનો પ્રથમ તબક્કો આપના માટે મુશ્કેલ રહે. નાણાકીય રોકાણો કરવામાં ધ્યાન રાખવું પડે. આકસ્મિક અને મોટા ખર્ચાઓને લીધે વારંવાર આપનું નાણાકીય આયોજન ખોરવાતું જાય. નાણાકીય બાબતોમાં આપે કોઈના પર ભરોસો રાખવો નહીં. ઉછીના, ઉધારે લીધેલા નાણે ધંધો કરવો નહીં કે વ્યવહારો ચલાવવા નહીં. તેમાં પણ વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બર સુધી ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ વર્ષના પ્રારંભમાં જ આપની નાણાકીય મુશ્કેલીમાં વધારો કરે. તહેવારના સમયે વ્યવહાર સાચવવામાં આપને મુશ્કેલી અનુભવાય.
આ સિવાય અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂનથી આસો વદ છઠ તા. ૩૧ ઓકટોબર દરમ્યાન પણ ગુરુનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે. તેથી આપની ગણત્રી-ધારણાઓ અવળી પડતાં આપની નાણાંકીય મુશ્કેલી વધારે.
તા. ૧૪ માર્ચથી તા. ૧૧ મે દરમ્યાન આપને રાજકીય- સરકારી, ખાતાકીય કામ અંગે, કોર્ટ-કચેરીના કામ અંગે આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. ખાતાકીય તપાસમાં અટવાઈ જવાને લીધે નાણાંકીય વ્યવહારો સ્થગિત કરી દેતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. તે સિવાય સંતાનના પ્રશ્ને આપને ખર્ચ જણાય. આપના સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીના લીધે પણ ખર્ચ જણાય.
તેમ છતાં માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમ્યાન ગુરુનું પરિભ્રમણ સાનુકુળ છે તેથી આવક જણાય. વ્યવહારો સચવાઈ રહે. આ સમય દરમ્યાન નાણાંનું વ્યવસ્થિત આયોજન કરવું જેથી આગળ તકલીફ ઓછી પડે.
પત્ની-સંતાન પરિવાર
કૌટુંબિક- પારિવારિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ પસાર થાય. વર્ષ દરમ્યાન મોસાળ પક્ષ - સાસરી પક્ષની ચિંતા અનુભવાય. ખર્ચ જણાય. વાદ-વિવાદ, ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે. તે સિવાય વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓકટોબર સુધી ગુરુ કર્ક રાશિમાંથી પસાર થઈ રહ્યો છે જે આપને ઘર- પરિવારની ચિંતા રખાવડાવે. માતા-પિતાના આરોગ્ય આયુષ્યની ચિંતા અનુભવાય. દોડધામ- ખર્ચ રહે.
માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમ્યાન ગુરુ મિથુન રાશિમાંથી પસાર થઈ રહ્યો છે જે આપના માટે સાનુકુળ રહે. અવિવાહિતવર્ગને વિવાહ- લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવજીવનની શરૂઆત થાય. ભાઈભાંડુ સાથેના વાદ-વિવાદ- ગેરસમજનો અંત આવે. પુન: મિલનના યોગ ઉભા થાય. જો કે સંતાન બાબતે વર્ષ દરમ્યાન ચિંતા રહે.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
વર્ષ દરમ્યાન શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને નોકરીમાં કોઇ ને કોઈ મુશ્કેલી રખાવે. રાજકીય - સરકારી કીન્નાખોરીનો ભોગ ના બનો તેનું ધ્યાન આપે રાખવું પડે. જો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય. પરિણામ તમારા વિરૂધ્ધમાં આવે. તે સિવાય અન્યની ભૂલના લીધે કોર્ટ- કેસમાં ફસાઈ ન જાવ તેની આપે તકેદારી રાખવી પડે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર વર્ગ આપને કોઇને કોઈ રીતે હેરાન કરવાના પ્રયત્નો કર્યા કરે. સાસરી કે મોસાળપક્ષના સંબંધીને ત્યાં નોકરી કરતાં હોય તો આપની પરેશાની વધે. ન કંઈ કહી શકો, ન સહી શકો તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. નાણાંકીય જવાબદારીનું કામ સંભાળનારે વિશેષ સાવધાની રાખવી પડે. કોઈના પર ભરોસો રાખવો નહીં.
વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બર તેમજ તા. ૧ જૂન થી તા. ૩૧ ઓકટોબર દરમ્યાન ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપની પરેશાની- રુકાવટમાં વધારો કરે. આપના ગણત્રી-ધારણા પ્રમાણેના કામ થઈ શકે નહીં. કામમાં કોઈ ને કોઈ મુશ્કેલી આવ્યા કરે. કામમાં વિલંબ જણાય. ઘર- પરિવારની ચિંતાના લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં. નોકરીમાંથી હાથ ધોવા ના પડે તેની તકેદારી રાખવી પડે.
પરંતુ તા. ૫ ડિસેમ્બર થી તા. ૧ જૂન સુધી ગુરુ આપના માટે સાનુકુળ રહે. આપના કામની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. નવી જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યો હોય તો તેમાં આપને તક મળી રહે. ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. સ્થળ- સ્થાનની ફેરફારીના યોગ ઉભા થાય. પરંતુ નવી જગ્યાએ જલ્દીથી કોઈના પર ભરોસો મૂકવો નહીં.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
ધંધાકીય દ્રષ્ટિએ વિક્રમ સંવત ૨૦૨૮નું વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષ દરમ્યાન શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને ધંધામાં કોઈ ને કોઈ રુકાવટ- મુશ્કેલી રખાવે. વર્ષ દરમ્યાન ધંધો વધારવાની જગ્યાએ જે છે તે સચવાઈ રહે તેના પર વધુ ધ્યાન આપવું.
વર્ષ દરમ્યાન જૂના તેમજ નવા હરિફો આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ કર્યા કરે અને તેમાં તેમને સફળતા પણ મળે. આપના જુના ગ્રાહકો પણ બીજે જતાં રહેતાં આપની તકલીફ વધે.
પરંતુ માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બર થી અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂન સુધી ગુરુનું પરિભ્રમણ સાનુકુળ રહેતાં આપને થોડી રાહત રહે. નવો ધંધો મળે કે નવી વાતચીત આવે. નવા ગ્રાહક બંધાય. આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. સાનુકુળતા મળી રહે. સહકાર્યકર વર્ગ-નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહેતાં આપને આનંદ રહે. તેમ છતાં ધંધાકીય મહત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. સાવધાની રાખવી પડે.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન શનિની પ્રતિકૂળતા તેમજ ગુરુનું પ્રતિકૂળ- સાનુકુળ પરિભ્રમણ વિદ્યાભ્યાસમાં ઉતાર- ચઢાવ રખાવે. પરીક્ષા સમયે બીમારી- અકસ્માતથી સંભાળવું પડે. ગુરુની પ્રતિકૂળતાને લીધે અભ્યાસમાં ધાર્યું પરિણામ મેળવવામાં તકલીફ અનુભવાય. કારકિર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી. મિત્રવર્ગ કે અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. રાહુનું વિદ્યાસ્થાનની સામેથી થઈ રહેલું પરિભ્રમણ અભ્યાસમાંથી આપનું ધ્યાન ભટકાવે. તેમ છતાં ૫ ડિસેમ્બર થી તા. ૧ જૂન સુધીનો સમય આપને થોડી રાહત રહે. આ સમયગાળા દરમ્યાન પરદેશ જવાની કાર્યવાહીમાં પ્રગતિ જણાય પરંતુ લાગણી- મિત્રતાના ચક્કરમાં અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું.
ઉપસંહાર
વિક્રમ સંવત ૨૦૮૨માં વર્ષ દરમ્યાન શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ તેમજ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર અને અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂનથી આસો વદ છઠ તા. ૩૧ ઓકટોબર સુધી ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપના માટે મુશ્કેલી ઉભી કરે. આપનો રસ્તો આસાન ના રહે. ઠોકરો વાગ્યા કરે. નાણાકીય નુકસાનીના ભોગ બનવું પડે. કામમાં વિલંબ રહે.
પરંતુ તા. ૫ ડિસેમ્બર થી તા. ૧ જૂન સુધીનું ગુરુનું પરિભ્રમણ તેમજ વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહે. આપને લાભ-ફાયદો અપાવે. આપના કેટલાક મહત્વના કામ ઉકેલાતા આનંદ અનુભવાય.
સ્ત્રી વર્ગ
સ્ત્રીવર્ગે વર્ષ દરમ્યાન પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. વર્ષ દરમ્યાન સામાજિક વ્યવહારિક, કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને આપને ચિંતા ઉચાટ- ખર્ચ અનુભવાય. સાસરી પક્ષ - મોસાળ પક્ષ વડીલ વર્ગની તેમજ માતાપિતાના આરોગ્ય- આયુષ્યની ચિંતા આપને રહે. વ્યવસાયી નોકરીયાત મહિલાઓને ઘર- પરિવાર અને કામની વચ્ચે સંતુલન રાખવામાં મુશ્કેલી જણાય.
જો કે માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ સુધીનો સમય આપના માટે થોડો રાહતવાળો રહે. આ સમય દરમ્યાન પતિ-ભાઈભાંડુવર્ગનો સાથ - સહકાર આપને મળી રહે. તેઓ આપને સમજવાનો પ્રયાસ કરે. પરંતુ એકંદરે આપના માટે વર્ષ મધ્યમ રહે.
લે. : પ્રિ. પદ્મનાભ અગ્નિહોત્રી
પ્રાધ્યાપક અગ્નિદત્ત અગ્નિહોત્રી


