Get The App

કુંભ (ગ.શ.સ.ષ) .

Updated: Nov 4th, 2021

GS TEAM

Google News
Google News
કુંભ (ગ.શ.સ.ષ)                                        . 1 - image


- પ્રતિકૂળતાઓમાં ધીમે ધીમે સાનુકુળ થતા કામોથી ચિંતાનો ભાર હળવો થતો જાય

વર્ષ દરમ્યાન ગુરૂ ગ્રહનું પરિભ્રમણ સાનુકુળ રહેવાથી કાર્યસફળતા - પ્રગતિથી આનંદ રહે. ધર્મકાર્ય- શુભકાર્ય થાય. પત્ની -સંતાન - પરિવારના સહયોગથી નવા ફેરફારો શક્ય બને. કારતક વદ એકમ તા. ૨૦-૧૧-૨૦૨૧ થી તા. ૧૩-૪-૨૦૨૨ સુધી ગુરૂ ગ્રહ આપની રાશિમાં પરિભ્રમણ શરૂ કરતા નોકરી- ધંધાના કામમાં, પત્ની સંતાનના કામમાં કેટલાક ફેરફારો થાય. તા. ૧૩-૪-૨૦૨૨ થી વર્ષના ઉત્તરાર્ધમાં પારિવારિક કૌટુંબિક પ્રશ્નોમાં મહત્વના નિર્ણય લેવા પડે. વર્ષના પ્રાંરભમાં અને વર્ષના ઉત્તરાર્ધમાં શનિની પનોતીની પ્રતિકૂળતા આપના આરોગ્યની અસ્વસ્થતા ચિંતા-ખર્ચ રખાવે.

આરોગ્ય સુખાકારીઃ

આ વર્ષમાં સામે મસ્તકમાં - ગળામાં, ગરદનમાં, આંખમાં દર્દ પીડાથી, ચક્કરથી, વિસ્મૃતિથી સંભાળવું પડે. વ્યસની વ્યક્તિને ગળાનું, મોંનું, અન્નનળીનું કેન્સર પીડાકારક બની રહે. તે સિવાય તા. ૧૨-૪-૨૦૨૨ સુધી બી.પી., છાતીમાં દર્દપીડા, કોલેસ્ટ્રોલ, દમ, શ્વાસની તકલીફમાં તમારા રોજીંદા કામ સુખરૂપ થાય નહીં. ઉંમર લાયક વ્યક્તિને વધુ પડતા શ્રમ- દોડધામથી - ઉજાગરાથી અસ્વસ્થતા અનુભવાય.

શ્રાવણ- ભાદરવામાં, આસોમાં પડવા વાગવાથી- લપસી પડવાથી, ફ્રેકચર મચકોડની પીડા સહન કરવી પડે. સીઝનથી બિમારી જણાય. પગમાં, ઢીંચણમાં, થાપામાં, પગના તળિયામાં દર્દપીડા, ઓચિંતા એકદમ પડવાથી, શરીરનું સમતોલન જળવાય નહીં. દ્રષ્ટિ ભ્રમના કારણે વાહન ચલાવવામાં તકલીફ પડે. જોવામાં કાળા કાળા ડાઘ કે સરવરીયા લીટા દેખાતા હોય તેમણે રાત્રિના સમયે વાહન ચલાવવું નહી. ઘરમાં પણ ઉઠતા-બેસતાં, હરતા-ફરતાં ધ્યાન રાખવું. પત્ની- સંતાન - પરિવારની બિમારી- ચિંતા- દોડધામમાં - અનિંદ્રામાં તમે શારીરિક માનસિક અસ્વસ્થતા ભાદરવા મહિનામાં અનુભવો. વારંવાર પ્રવાસ કરનારે, બહારનું ખાવા-પીવામાં સંયમતા રાખવી પડે. લાંબા અંતરના યાત્રા પ્રવાસે જનારે એપ્રીલ- મે જુન મહિના દરમિયાન પ્રવાસમાં શ્વાસની તકલીફ, છાતીમાં દર્દ પીડાથી સંભાળવું.

પત્ની- સંતાન પરિવાર

વડીલ વર્ગને પત્ની સંતાન - પરિવારની પ્રગતિથી આનંદ- ઉત્સાહ- સંતોષ- રાહત અનુભવાય. તે સિવાય અવિવાહિતને વિવાહ- લગ્નનું નક્કી થાય. તા. ૨૦-૧૧-૨૦૨૧ થી તા. ૧૩-૪-૨૦૨૨ દરમ્યાન પત્ની- સંતાન- પરિવારના કામ સાનુકુળતાવાળા રહે. પરંતુ રાહુની પ્રતિકૂળતાના કારણે સગા-સંબંધી - મિત્રવર્ગના વ્યવહાર- સંબંધમાં ગેરસમજ - મનદુઃખ થાય. તે સિવાય સંયુક્ત પરિવાર હોય તો તેમાં વિભાજન થાય. તમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થવાથી પરવશતા- બંધન અનુભવતા હોય તેમ લાગે. વર્ષની શરૂઆતમાં અને વર્ષના ઉત્તરાર્ધમા શનિની પનોતી પત્નીના આરોગ્યની અસ્વસ્થતાથી અને ચિંતા ખર્ચ- દોડધામ- અનિંદ્રા રખાવે. જેમના સાંસારિક જીવનમાં વિવાદ ચાલતો હોય, છુટા છેડાની કાર્યવાહી ચાલતી હોય તો તેનો ઉકેલ આવવાના કારણે હળવાશ- રાહત થાય. પ્રેમ- મિત્રતા- લાગણીના સંબંધમાં તમારા યશ-પદ- ધનની હાનિ થાય. તમે નહીં ઘરના કે નહીં ઘાટના થઇ જાવ. પરણિત જીવન હોય-સંતાન હોય તેમનો પરિવાર તેમજ નોકરી ધંધો વેરવિખેર થતો જાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય?

નોકરીમાં એપ્રીલ ૨૦૨૨થી જુલાઇ ૨૦૨૨ દરમ્યાન કાર્યસફળતા - પ્રગતિથી આનંદ- ઉત્સાહ રહે. આકસ્મિક ફેરફારી થાય. તેનાથી ફાયદો થાય. જેમને નોકરી ના હોય, આવક ન હોય તેમને નોકરી મળવાથી, આવક વધવાથી, હતાશા- નિરાશા દૂર થાય. પોતાને તેમજ પરિવારને હળવાશ- રાહત રહે.

પરંતુ વર્ષના પ્રારંભમાં તેમજ વર્ષના ઉત્તરાર્ધમાં શનિની પનોતિ પ્રતિકૂળતાવાળી રહેવાથી આપને ચિંતા- ઉચાટ - ઉદ્વેગ નોકરીમાં રહ્યા કરે. તા. ૧૬-૧-૨૦૨૨ થી તા. ૨૬-૨-૨૦૨૨ દરમ્યાન તેમજ તા. ૨૭-૬-૨૦૨૨ થી તા. ૧૦-૮-૨૦૨૨ દરમ્યાન નોકરીમાં અશાંતિ- ઉદ્વેગનો સમય રહે. પોતાની ભૂલના કારણે કે અન્યની ભૂલના કારણે, પરેશાની- ખટપટના લીધે આકસ્મિક ઉપાધિ આવી જાય. બંધન- શિક્ષા થાય, લાંચ લેવામાં, ખોટા કામ કરવામાં તમારી આવકને- નોકરીને ધક્કો પહોંચે. યશ-પ્રતિષ્ઠાની હાનિ થાય. તે સિવાય પારિવારિક - કૌટુંબિક પ્રતિકૂળતા વિવાદ- બિમારીના કારણે નોકરીના કામમાં એક્રાગતા જળવાય નહીં. નોકરીએ જાવ એટલે ઘરના પ્રશ્ને ચિંતા- વિચારોમાં રહો અને રજા લઇને ઘેર રહ્યા હોવ ત્યારે નોકરીની ચિંતા - વિચારોમાં અટવાયેલા રહો. સ્ટાફની, અધિકારીની ફેરફારી- બદલી- સ્થળ- કામની ફેરફારીથી તમારી હળવાશ- રાહત- આરામ- દાદાગીરી બંધ થઇ જાય. ઇચ્છા- અનિચ્છાએ તમારે તમારા કામ કરવા જ પડે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય?

ગુરૂ ગ્રહનું પરિભ્રમણ સાનુકુળ રહેવાના કારણે આ વર્ષ ધંધામાં પ્રગતિકારક, સાનુકુળતાવાળુ રહે. વર્ષના મધ્યભાગમાં શનિની પનોતી ચાંદીના પાયે આકસ્મિક સફળતા અપાવે. ધંધામાં સફળતા પ્રાપ્ત થાય. યશ-પદ- ધનની પ્રાપ્તિ થાય. માન-સન્માન મેળવી શકો. ગયા વર્ષની સરખામણીમાં આપનો ધંધો- આવક વધવાથી વ્યવહાર સચવાય.

વર્ષારંભે શનિ- ગુરૂ - રાહુની પ્રતિકૂળતાના કારણે આપને પારિવારિક - કૌટુંબિક પ્રતિકુળતા અનુભવવી પડે. દેવ દિવાળી સુધી વર્ષારંભે મુહરતના કામકાજમાં, સંબંધ- વ્યવહારમાં તેમજ આરોગ્યની બાબતમાં આપે ધ્યાન રાખવું. પારિવારિક ચિંતામાં આપ ચિંતા ઉપાધીમાં રહો. તા. ૨૦-૧૧-૨૦૨૧ થી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આપ હળવાશ - રાહત અનુભવવતા જાવ. વિલંબમાં પડેલ રૂકાવટવાળા કામ ઉકેલવામાં વ્યસ્ત રહેવું પડે. હિસાબી વર્ષના અંતિમ કામમાં, ધંધાની આવક- જાવક- લેવડદેવડ તેમજ હપ્તાની ચૂકવણીમાં ધ્યાન રાખવું.

સંયુક્ત ધંધો હોય, ભાગીદારીમાં ધંધો હોય કે વ્યક્તિગત ધંધો હોય તેમાં એપ્રીલ ૨૦૨૨ સુધી મુશ્કેલી એક પછી એક આવતી રહે પરંતુ એપ્રીલથી જુલાઇ દરમ્યાન મહત્વના ફેરફારો થાય તે તમારા ભાગ્ય પરિવર્તનના રહે. ધંધામાં- આવકમાં વધારો થાય. જે ધંધાનું એકમ નબળું હોય, ન ચાલતું હોય તે વેચવામાં સાનુકુળતા થવાથી, એકમ વેચાણથી નાણાં છુટા થવાથી તેમાં હળવાશ- રાહત અનુભવતા જાવ. દેવામાં ચાલતો ધંધો વેચાઇ જાય. ગણત્રી ધારણા કરતા ઓછા પૈસા મળે તેમ છતાં માથા પરનો ભાર હળવો થાય. તમારો જે મુખ્ય ધંધો હોય તેમાં તમે એકાગ્રતાથી ધ્યાન આપી શકો. ધંધો કરી શકો. પત્ની- સંતાનના નામે ધંધો હોય તો તેમાં કેટલાક મહત્વના ફેરફારો- નિર્ણય કરવા પડે. એકલા હાથે ધંધો કરનારે નિવૃત્ત થવા માટે ધંધાના સમાપન કે વેચાણનો નિર્ણય કરવો પડે પરંતુ વર્ષની શરૂઆતમાં અને વર્ષના ઉત્તરાર્ધમાં ઉતાવળ કર્યા વગર શાંતિથી સ્વસ્થતાથી એકાગ્રતા રાખીને સહી સિક્કા કરવા.

સ્ત્રી વર્ગ 

સ્ત્રી વર્ગને વર્ષારંભમાં આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. પારિવારિક- કૌટુંબીક - સાંસારિક ચિંતા પ્રતિકૂળતા અનુભવાય. અવાર નવાર શારીરિક માનસિક પ્રતિકૂળતાના કારણે રોજીંદા કામમાં તેમજ ઉઠવા બેસવામાં તકલીફ પડે. વાતવાતમાં ઉશ્કેરાટ - ગુસ્સો આવી જાય. માતૃપક્ષ- પિતૃપક્ષ- સાસરી પક્ષની બિમારી- ચિંતામાં ખર્ચ- દોડધામ રહેવાથી અવારનવાર શ્રમ- થાક અનુભવો.

પતિ-સંતાનના સહયોગથી હળવાશ- રાહત રહે. પરંતુ વર્ષના પ્રારંભમાં અને વર્ષના ઉત્તરાર્ધમાં આરોગ્યની અસ્વસ્થતામાં, ગુપ્તાંગની વ્યાધિ પીડામાં બેદરકારી- લાપરવાહી રાખવી નહીં. ઘરનાથી- પરિવારથી વ્યાધિ છુપાવવી નહીં.

વિદ્યાર્થી વર્ગ:

વિદ્યાર્થી વર્ગને એપ્રીલ ૨૦૨૨ સુધી વર્ષારંભે અભ્યાસક્રમમાં એક્રાગતા રાખીને મહેનત કરવી પડે. પરીક્ષા આપવી પડે. મિત્રની સંગત ચિંતા- મુશ્કેલીનું સર્જન કરે. તેના કારણે તમે અભ્યાસમાં એક્રાગતા જાળવી શકો નહીં. યવન જ્ઞાાતિ-જાતિના મિત્રવર્ગની વાતોથી- દેખાવથી વચનથી પ્રભાવિત થઇ જવું નહીં. સમય અને નાણાંનો વ્યય કરવો નહી. બહારગામ કે પરદેશમાં અભ્યાસ અર્થે ગયા હોવ તો એકલતા- મુશ્કેલી- નાણાંકીય ચિંતાથી ભણવામાં તકલીફ પડે પરંતુ અભ્યાસ છોડવો નહીં. ધીરજ- શાંતિથી અભ્યાસ કર્યા કરવો અને તેમાં સફળતા મળતા તમારો તેમજ તમારા પરિવારનો આત્મવિશ્વાસ ઉત્સાહ વધશે. વર્ષના મધ્યભાગમાં મેથી જુલાઇમાં અણધારી સફળતા મળે. અભ્યાસમાં કરેલી મહેનત સાર્થક થઇ જાય. વિદ્યા સંસ્થા- વિદ્યા શાખાની ચિંતા- મુશ્કેલી હળવી થાય. નાણાંકીય મદદ- લોન મંજુરીથી અભ્યાસ આગળ થઇ શકે.

ખેડૂત વર્ગ

ખેડૂત વર્ગને વર્ષ આરોહ- અવરોહનું રહે. આ વર્ષના પ્રારંભમાં અને ઉત્તરાર્ધમાં આરોગ્યની કાળજી રાખીને ખેતીના કામકાજ માટે દોડધામ કરવી. વધુ પડતો શ્રમ- ચિંતા બિમારીમાં પરિણમે. તે સિવાય નવું ખેતર- જમીન કે ધંધો કરવાનું - ફાર્મ હાઉસ બનાવવાનું, ડેરી ઉદ્યોગમાં રોકાણ કરવાનું કે પાણીનો બોર બનાવવાનું જોખમ- સાહસ કરવું નહીં. તે સિવાય વર્ષના મધ્ય ભાગમાં ધર્મકાર્ય- શુભકાર્ય થાય. પત્ની- સંતાન પરિવારના કામ ઉકેલાય, આનંદ રહે. પરદેશમાં રહેતા પરિવારથી પરદેશ જવાનું થાય.

ઉપસંહાર

પ્રતિકૂળતાઓમાં ધીમે ધીમે સાનુકુળ થતા કામોથી ચિંતાનો ભાર હળવો થતો જાય. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ આવકની દ્રષ્ટિએ તેમજ નોકરી- ધંધાના કામકાજની દ્રષ્ટિએ સાનુકુળ રહે. આવક આવતી થાય. નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાય. પુત્ર પૌત્રાદિકના કામ ઉકેલાય. વર્ષારંભથી એપ્રીલ ૨૦૨૨ સુધી તેમજ વર્ષના ઉત્તરાર્ધમાં જુલાઇ પછી પત્નીના પ્રશ્ને, સાંસારિક - પારિવારિક પ્રશ્ને તેમજ તમારા આરોગ્યના પ્રશ્ને ચિંતા રહે.

આર્થિક સુખસંપત્તિ

તા. ૨૯-૪-૨૦૨૨ થી તા. ૧૨-૭-૨૦૨૨ શનિની પનોતી તમારી આર્થિક સુખસંપત્તિમાં લાભદાયી રહે. તા. ૨૦-૧૧-૨૦૨૧થી તા. ૧૩-૪-૨૦૨૨ દરમ્યાન પત્ની- સંતાન- પરિવારથી, તેમના ભાગ્યથી આવકમાં તેમજ સુખ-સંપત્તિમાં વધારો થાય. મકાન- જમીન- વાહન અંગેની ખરીદી થાય. સંયુક્ત મીલ્કતનો પ્રશ્ન હોય તો તે ઉકેલાય.ધંધાકીય જગ્યા- મીલ્કતના પ્રશ્ન ઉકેલવામાં સાનુકુળતા રહે. કાનૂની વિવાદ ચાલતો હોય તો તેમાં કાનૂની સફળતા કે સમાધાનથી પ્રશ્ન ઉકેલાતા હળવાશ રાહત અનુભવાય. તમારી અંગત બચત- આવકનું આયોજન કરવામાં આ વર્ષ સાનુકુળતાવાળું રહે.

તા. ૧૨-૪-૨૦૨૨ સુધી રાહુની પ્રતિકૂળતા છે તેથી વારસાગત મીલ્કતની વારસાઇ કરાવવામાં, નવી જમીન- જગ્યા- મકાનની ખરીદીમાં માલીકી હક્કની કાર્યવાહી કરવામાં, શેર ટ્રાન્સફર કરવામાં આળસ- બેકાળજી-લાપરવાહી રાખવી નહીં. વતનના કે બહારગામ કોઇ શહેર- ગામમાં મીલ્કતની ખરીદીમાં સાત-બારના તેમજ આઠ-બારના રેવન્યુ ઉતારાની કાર્યવાહીમાં વિશ્વાસ ન રહેતા ઉતારામાં લખાયેલ નામ- સરનામાની વિગતો અવશ્ય ચકાસી લેવી, ખરાઇ કરી લેવી. મે, જુન મહિનાની ખરીદી- વેચાણમાં, કાર્યવાહીમાં અન્યના કારણે વિલંબ થાય તેમ છતાં વિલંબના અંતે બધા કામ ઉકેલાય. ભારતમાં જ કે પરદેશમાં પોતાનું એપાર્ટમેન્ટ કે ઘર ન હોય તેમને ઓચિંતા જ આ વર્ષમાં પોતાનું એપાર્ટમેન્ટ કે ઘર લઇ શકાય. ગુરૂ શનિની, ત્રીજા રાહુની સાનુકુળતાની સાથે સાથે તમારા જન્મના ગ્રહયોગની પ્રબળતાથી ફસાયેલા નાણાં- મીલકત છુટા થાય. જેમને વંશ વારસો ન હોય તેમને આ વર્ષમાં પોતાની જંગમ- સ્થાવર મીલ્કતની વહેંચણી - વારસાઇ માટેનો કાનૂની દસ્તાવેજ કાર્યવાહી કરવાનો નિર્ણય કરવો પડે.

જે સરકારી કર્મચારી- અધિકારી હોય તેમને નાણાંનો ભ્રષ્ટાચાર બંધન કરાવે. અપ્રમાણિત મીલ્કત- દાગીના તેમજ રોકડના કારણે આવકવેરા વિભાગની સી.બી.આઇ.ની તપાસ- દરોડામાં ઊંઘ હરામ થઇ જાય. નિવૃત્ત થઇ જવાને પણ તપાસના સકંજામાં આવી જવું પડે. સરકાર તેમજ રાજકારણથી સંકળાયેલા હોય તેમણે ફેબુ્ર.થી જુલાઇ ૨૦૨૨ સંભાળવું પડે.

Tags :