- Aquarius
- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
ક્રાંતિવૃત ૩૦૦થી ૩૩૦ ડિગ્રી સુધીમાં કુંભ રાશિનો સમાવેશ થાય છે. બાર રાશિમાં સૌથી વધારે વિશ્વાસુ રાશિ કુંભ છે. ઘનિષ્ઠા, શતતારકા, પૂર્વભાદ્રપદા - આ નક્ષત્રો કુંભ રાશિમાં આવે છે. રાશિ સ્વામી શનિ છે. નક્ષત્રના સ્વામી મંગળ, રાહુ, ગુરુ થાય છે. કુંભ રાશિ એ વાયુ તત્ત્વની સ્થિર સ્વભાવની રાશિ છે. આ રાશિનું ચિહ્ન ઘડો ધારણ કરેલો પુરુષ છે. વાયુ તત્ત્વ હોવાથી એકઠી કરેલી વરાળની તાકાતની માફક તેઓ કોઈપણ કાર્ય પૂર્ણ કરી શકે છે. તેઓ હિંમતવાન, પરાક્રમી તથા ગણતરીબાજ તો હોય જ છે. ચાલાક પણ હોય. ઉત્સાહી હોય. તત્ત્વજ્ઞાાનમાં વિશેષ રૂચિ હોય. આ જાતકોમાં ઊંડાણ હોવાનું. તેમની વાતોને લોકો ગંભીરતાથી લે છે. વાયુ તત્ત્વની રાશિ હોવાથી પ્રવૃત્તિશીલ રહેવું તે તેમનો ગુણધર્મ છે. જે જાતકનો જન્મ ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો હોય તેઓ પુષ્કળ મહેનતુ હોય છે, સ્વાર્થ ઓછો હોય. શતતારકા નક્ષત્રમાં જન્મ થયો હોય તેવા જાતકો પોતાનુ ધાર્યું કરાવે છે. તેમનામાં બીજાઓ પર પ્રભાવ પાડવાની મનોવૃત્તિ સૌથી તીવ્ર હોય. તેઓ હિંમતવાન હોય છે. પૂર્વ ભાદ્રપદા નક્ષત્રમાં જન્મ લેનારા જાતકોમાં દંભ પૂરેપૂરો હોય છે. સમાજમાં તેમની પ્રતિષ્ઠા હોય છે. તેમનામાં કન્વિન્સિંગ પાવર ખૂબ હોય છે. તેઓ બુદ્ધિશાળી પણ ખૂબ હોય છે.
અભિષેક બચ્ચન ૫ ફેબ્રુઆરી
બોબી દેઓલ
27 જાન્યુઆરી
શરીર - મન - સ્વાસ્થ્ય
કુંભ રાશિના જાતકો માટે શારીરિક સુખ આ વર્ષે સારું રહે. મનમાં હોબાળો ચાલ્યા કરશે તેથી માનસિક રીતે હેરાન ના થવાય તેની કાળજી રાખવી. સ્વભાવ જિદ્દી હોવાના કારણે આવું બની શકે. ક્યારેક બીજાની લાગણીને અને ઇચ્છાઓને સમજવાનો પ્રયત્ન કરશો તો માનસિક રીતે સ્વસ્થ રહી શકશે.
મારું ઘર, મારો પરિવાર
બીજા ભાવમાં એટલે કે મીન રાશિમાં બિરાજમાન શનિદેવતાને કારણે ઉત્તમ કૌટુંબિક સમય પસાર થયાય. કહેવાય છે જ્યાં શનિ બિરાજમાન હોય ત્યાં સારું જ કરે. માટે કુટુંબમાં એકંદરે સંબંધો સારા રહે તેવા યોગ છે. એકંદરે આ વર્ષ પારિવારિક મનમેળ માટે સારું રહેશે.
પ્રેમ - લગ્ન - સંતતિ
જેમને પ્રેમલગ્ન કરવાં છે, અથવા પ્રેમસંબંધ બાંધવા માટે પ્રયાસ કરી રહ્યા છે, તેમના માટે શુભ સમય છે. અલબત્ત, લગ્નોત્સુક જાતકાએે થોડીક રાહ જોવાની નીતિ અપનાવી પડશે. વર્ષના અંત દરમિયાન સંભવતઃ સફળતા મળશે. સાતમા ભાવમાં બેઠેલા કેતુ મહારાજ લગ્ન માટેના યોગમાં થોડીક અડચણ આપી શકે. સંતાન ઈચ્છતા જાતકો માટે ૨૦૨૬નું વર્ષ સારું સાબિત થઈ શકશે. ૨૦૨૬ના શરૂઆતના છ મહિના દરમિયાન પ્રયાસ કરવામાં આવે તો અચૂક સફળતા મળે. બીજા સંતાન માટે પ્રયાસ કરી રહેલા જાતકોએ થોડી રાહ જોવી પડે.
ભણતર અને ગણતર
કુંભ રાશિના જાતક વિદ્યાર્થીઓ માટે ૨૦૨૬નું વર્ષ સારું સાબિત થાય. ધાર્યું પરિણામ મળે એવા યોગ પ્રબળ બને છે, પરંતુ મહેનત તો કરવી જ પડે. જે વિદ્યાર્થીઓ ભણતર માટે વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે પણ ૨૦૨૬નું વર્ષ ખૂબ સારું સાબિત થાય તેવા યોગ બને છે. વિઝા ન મળતા હોય એવા વિદ્યાર્થીઓને ગુડ ન્યુઝ મળે તેવા યોગ છે.
નોકરી - ધંધો - કરીઅર
કુંભ રાશિના નોકરીયાત જાતકો માટે આ વર્ષ સારું સાબિત થાય તેવા યોગ પ્રબળ બને છે. જેમની પાસે નોકરી નથી તેઓ વર્ષના છેલ્લા છ મહિના દરમિયાન જો વિશેષ પ્રયાસ કરે તો સારી નોકરી મળી શકે છે. ધનસ્થાનમાં બેઠેલા શનિદેવ ધનલાભ અપાવી શકે. જે જાતક વેપાર ક્ષેત્રે જોડાયેલા છે તેમના માટે પણ ૨૦૨૬ વર્ષ સારું સાબિત થઈ શકે તેવા યોગ છે. કર્ક રાશિમાં બેઠેલો ગુરુ પાંચમી દ્રષ્ટિથી કર્મસ્થાને નજર કરતો હોવાથી ધંધો-વેપાર મજબૂત બને અને તેમાં વૃદ્ધિ થાય તેવા યોગ છે.
પૈસા યે પૈસા
શેરબજાર સાથે સંકળાયેલા જાતકો માટે ૨૦૨૬ના શરૂઆતના છ મહિના લાભ અપાવી શકે છે, પરંતુ ધન સ્થાનમાં બેઠેલા શનિદેવ ૧૧મા ભાવને દ્રષ્ટિ કરતાં લાભ મળવામાં થોડીક મુશ્કેલી આવી શકે એવા યોગ પણ છે. સમજણપૂર્વક શેરબજારમાં રોકાણ કરવું. અન્યથા થોભો અને રાહ જોવો નીતિ અપનાવવી. પરિવાર પાછળ અને પોતાની જાત પાછળ ખર્ચ થાય એવા યોગ બને છે.
વાહન અને જમીન
જેણે નવું ઘર, વાહન તથા જમીનમાં રોકાણ કરવું હોય તેમણે થોડીક રાહ જોવી જોઈએ. બીજા ભાવમાં બેઠેલા શનિદેવ સુખસ્થાનને ત્રીજી દ્રષ્ટિથી જોતા હોવાથી કામ સમય મુજબ ન થતા થોડુંક ખેંચાઈ શકે તેવા યુગ બને છે. પ્રયત્ન કરતા રહેવા. જે જાતક વારસાની મિલકત માટે કામ કરતા હોય તેેમણે પણ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી પડશે. વર્ષના અંત દરમિયાન મહેનત વધારે કરતાં ૨૦૨૬ પછી સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ છે.
નારી તું નારાયણી
કુંભ રાશિની મહિલાઓ હંમેશા બધાને મદદરૂપ થનાર હોય છે. તેઓ ખૂબ મહેનતુ હોય છે. નવી નોકરીની શરૂઆત કરવા ઇચ્છતી બહેનો માટે આ વર્ષ શુભદાયી નીવડી શકે. સંતાન ઇચ્છતી મહિલાઓ માટે પણ આ સમય ખૂબ સરસ છે. જે વિદ્યાર્થિનીઓ ભણતર માટે વિદેશ જવાનો તેમજ વિઝા માટે પણ પ્રયાસ કરી રહી હોય તેમના માટે સમય અનુકૂળ છે. લગ્નોત્સુક યુવતીઓએ આ વર્ષ રાહ જોવાની નીતિ અપનાવી જોઈએ. પરિણીત મહિલાઓએ પોતાના ઘરસંસારમાં સમજપૂર્વક આગળ વધવું, વાતચીતમાં અને નિર્ણય કરતી વખતે સતર્ક રહેવું.
વિશેષ ઉપાય
કુંભ રાશિના જાતકમાં લાંબા ગાળાના ગ્રહો જેમ કે શનિ, રાહુ, કેતુ, ગુરુ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. શનિદેવની આરાધના વધારે કરવી જોઈએ. મન સ્થિર કરવા મેડિટેશન અસરકારક સાબિત થઈ શકે. હનુમાન ચાલીસા કરવા સલાહભર્યું છે. બુધવારે મગનું સેવન કરવું જોઈએ. શુક્રવારે માતાજીની આરાધના કરવી, માતાજીના મંદિરે જવું.


