જાણો, અમાસની પૂજાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
- હિન્દૂ માન્યતાઓ અનુસાર સુખ, સમૃદ્ધિ અને પરિવારની ખુશી માટે આ દિવસે પૂજા કરવામાં આવે છે
નવી દિલ્હી, તા. 18 ઑગષ્ટ 2020, મંગળવાર
હિન્દૂ ધર્મ શાસ્ત્રો અનુસાર શ્રાવણ અમાસ આજે 18 ઑગષ્ટે મનાવવામાં આવી રહી છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે આ દિવસની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને લોકોનો ઉદ્ધાર થાય છે. આ દિવસે પૂર્વજોની પણ પૂજા કરવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં તેનું ખાસ મહત્ત્વ છે.
માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને ચંદ્રની પૂજા કરવાથી ચંદ્ર દેવતા પ્રસન્ન થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. તેનાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. કહેવામાં આવે છે કે આ તિથિ પર પિતૃ ધરતી પર આવે છે અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે. એટલા માટે આ તિથિ પર પૂર્વજો માટે પ્રાર્થના કરવામાં આવે છે. પિતૃની પૂજા થવાથી આ અમાસને શ્રાદ્ધ અમાસ પણ કહેવામાં આવે છે. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસ પિતૃ તર્પણ, સ્નાન- દાન વગેરે કરવું ખૂબ જ પુણ્ય ફળદાયી માનવામાં આવે છે.
વ્રત તેમજ પૂજા વિધિ
પુરાણો અનુસાર અમાસના દિવસે સ્નાન-દાન કરવાની પરંપરા છે. આમ તો આ દિવસે ગંગા-સ્નાનનું વિશિષ્ટ મહત્ત્વ માનવામાં આવે છે, પરંતુ જે લોકો ગંગા સ્નાન કરવા નથી જઇ શકતા તેઓ પણ નદી અથવા સરોવર તટ વગેરેમાં સ્નાન કરી શકે છે અને શિવ-પાર્વતી અને તુલસીજીની પૂજા કરી શકે છે.
કાલસર્પ દોષ નિવારણ માટે કરો ઉપાય
અમાસના દિવસે જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય, તે લોકોએ અમાસના દિવસે કાલસર્પ દોષ નિવારણ કરવું જોઇએ. તેનાથી કાલસર્પ દોષના કારણે થતી અસર ઓછી થઇ જાય છે. કુંડળીમાં કાલસર્પ દોષ રાહુ-કેતુના કારણે બને છે.
સરસવના તેલનો દીવો પ્રગટાવો
અમાસના દિવસે પોતાના પૂર્વજોની શાંતિ માટે સાંજના સમયે કોઇ પીપળાના વૃક્ષની નીચે જઇને સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પ્રાર્થના કરતી વખતે પીપળાની સાત પરિક્રમા કરો.
અમાસની તિથિ અને મુહૂર્ત
આરંભ :- 18 ઓગષ્ટ 2020ના દિવસે 10 : 41 થી
સમાપ્ત : - 19 ઓગષ્ટ 2020ના દિવસે 08 : 11 સુધી