Amalaki Ekadashi 2021: જાણો, આમલકી એકાદશીના મહત્ત્વ વિશે...
નવી દિલ્હી, તા. 25 માર્ચ 2021, ગુરુવાર
હિન્દૂ પંચાંગ અનુસાર, ફાગણ મહિનાની શુક્લ પક્ષની અગિયારસની તિથિને આમલકી એકાદશી અથવા આમળા એકાદશી કહેવામાં આવે છે. દર વર્ષે આ અગિયારસ હોળીના તહેવારથી 3-4 દિવસ પહેલા આવે છે એટલા માટે આ અગિયારસને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્રતનું નામ આમળા એકાદશી એટલા માટે છે કારણ કે આ દિવસ ભગવાન વિષ્ણુની સાથે જ આમળાના વૃક્ષની પણ પૂજા કરવાનો નિયમ છે. આ વર્ષે આમલકી અગિયારસ 25 માર્ચ ગુરુવાર એટલે કે આજે છે.
આમલકી એકાદશીનું મહત્ત્વ
એકાદશીના દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આમલકી એકાદશીના દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી વ્યક્તિના તમામ સંકટ દૂર થઇ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી પર આમાળાના વૃક્ષની પૂજા કરવા પાછળ માન્યતા એ છે કે ભગવાન વિષ્ણુને આમળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે. સૃષ્ટિની રચના કરતી વખતે ભગવાન વિષ્ણુએ આમળાના વૃક્ષને આદિ વૃક્ષના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યુ હતુ. એટલા માટે એવું માનવામાં આવે છે કે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે જ અન્ય દેવી દેવતાઓનો પણ વાસ છે. આમલકી અગિયારસના દિવસે આમળાના વૃક્ષની નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે.
આમલકી અગિયારસના દિવસે શું ન કરવું?
- અગિયારસના દિવસે રાઇસ ન ખાવા જોઇએ. જે વ્યક્તિ વ્રત રાખે છે માત્ર તેમણે જ નહીં પરંતુ કોઇએ પણ અગિયારસના દિવસે રાઇસ ભૂલથી પણ ન ખાવા જોઇએ.
- આ ઉપરાંત અગિયારસના દિવસે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સાત્વિક ભોજન જ કરવું જોઇએ અને ભૂલથી પણ માસ-મદિરાનું સેવન ન કરવું જોઇએ.
- અગિયારસના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.
- માન્યતા છે કે અગિયારસના દિવસે પોતાની ઉપર નિયંત્રણ રાખવું જોઇએ, કોઇએ પણ લડાઇ-ઝઘડા કરવાનું ટાળવું જોઇએ અને કોઇને પણ અપશબ્દ ન કહેવા જોઇએ.
આમલકી અગિયારસે શું કરવું જોઇએ?
- અગિયારસના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે એટલા માટે આ દિવસે કેળા, કેસર અથવા હળદરનું દાન કરવાનું ઉત્તમ માનવામાં આવે છે.
- શાસ્ત્રોના નિયમ અનુસાર જો શક્ય હોય તો અગિયારસના દિવસે ગંગા સ્નાન પણ કરવું જોઇએ. તમામ અડચણો દૂર થાય છે.
- એવી માન્યતા છે કે અગિયારસના દિવસે વ્રત અને ઉપવાસ રાખવાથી માન-સન્માનની સાથે ધન-સંપત્તિ અને સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે.