Adhik Maas 2026: Know What To Do and Avoid | સનાતન ધર્મમાં જે મહિનાની આતુરતાથી રાહ જોવામાં આવે છે તે પવિત્ર અધિક માસનો કાલથી એટલે કે 17 મે 202 6થી પ્રારંભ થઈ રહ્યો છે, જે આગામી 15 જૂન સુધી ચાલશે. આ વધારાનો મહિનો દર વર્ષે નથી આવતો, પરંતુ આપણી કાળગણના અને કેલેન્ડરને સંતુલિત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની ગણતરી થાય છે. ચંદ્ર વર્ષ આશરે 354 દિવસનું હોય છે જ્યારે સૌર વર્ષ 365 દિવસનું હોય છે. આ બંને વચ્ચેના 11 દિવસના તફાવતને સરભર કરવા અને આપણા તહેવારો સાચી ઋતુમાં જ આવે તે માટે દર ત્રીજા વર્ષે એક અધિક માસ જોડવામાં આવે છે.
આ મહિનો માત્ર કેલેન્ડર સુધારવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ તેને સર્વોચ્ચ માનવામાં આવ્યો છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ મહિનામાં કરવામાં આવતી પૂજા, દાન અને નિયમોનું ફળ સામાન્ય દિવસો કરતાં અનેકગણું વધી જાય છે.
અધિક માસમાં શું કરવું?
આ મહિનાને આધ્યાત્મિક ઉન્નતિ અને આત્માની શુદ્ધિ માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન નીચે મુજબના કાર્યો કરવાથી વિશેષ પુણ્ય મળે છે:
1. ભગવાન વિષ્ણુની આરાધના: આ મહિનો ભગવાન પુરુષોત્તમનો હોવાથી દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. સત્યનારાયણ ભગવાનની વ્રત કથા વાંચવી કે સાંભળવી અત્યંત શુભ માનવામાં આવે છે.
2. મહાદાનનો મહિમા: અધિક માસમાં કરેલું દાન અક્ષય પુણ્ય આપે છે. ગરીબો અને જરૂરિયાતમંદોને અન્ન દાન, વસ્ત્ર દાન અથવા મંદિરોમાં દીપ દાન કરવું આ મહિનાનો સૌથી મોટો ઉપાય છે.
3. મંત્ર જાપ અને તપ: આખા મહિના દરમિયાન તુલસીની માળાથી રોજ 108 વાર "ઓમ્ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરવો જોઈએ. વ્રત રાખવાથી મન અને ઇન્દ્રિયો પર કાબૂ આવે છે.
4. ધાર્મિક ગ્રંથોનું પઠન: ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત પુરાણ કે રામાયણ જેવા પવિત્ર ગ્રંથોનું વાચન કરવું જોઈએ અને તેના જ્ઞાનને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
કયા કાર્યો કરવા પર મનાઈ છે?
અધિક માસ દરમિયાન ભૌતિક સુખ-સુવિધાઓ અને આપણી સાંસારિક ઈચ્છાઓ સાથે જોડાયેલા તમામ માંગલિક કાર્યો પર પ્રતિબંધ હોય છે:
માંગલિક કાર્યો બંધ: લગ્ન (વિવાહ), મુંડન સંસ્કાર, જનોઈ કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો આ મહિનામાં વર્જિત છે.
મોટી ખરીદી ટાળવી: નવું ઘર ખરીદવું, ગાડી લેવી કે કિંમતી સોના-ચાંદીના દાગીનાની ખરીદી આ સમયગાળામાં સામાન્ય રીતે ટાળવામાં આવે છે.
નવી શરૂઆત ન કરવી: નવો બિઝનેસ શરૂ કરવો, ઘરનું બાંધકામ શરૂ કરવું કે કોઈ મોટા પ્રોજેક્ટ પર સહી-સિક્કા કરવા આ મહિનામાં અશુભ મનાય છે.
શા માટે ટાળવા આ કામ?
શાસ્ત્રો અનુસાર, અધિક માસ આપણને શીખવે છે કે થોડા સમય માટે ભૌતિક સુખો અને મોહ-માયાથી ધ્યાન હટાવીને માત્ર પોતાની આત્મા અને પરમાત્માના ચિંતન પર ધ્યાન કેન્દ્રિત કરવું.
આખો મહિનો વ્રત કરનારાઓ માટેના કડક નિયમો
જે ભક્તો આ મહિનામાં વિશેષ સાધના કરવા માંગે છે તેઓ આખો મહિનો એકટાણું અથવા ઉપવાસ રાખી શકે છે. આ દરમિયાન દિનચર્યા ખૂબ જ સાત્વિક હોવી જોઈએ:
- સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન અને પૂજાપાઠ પતાવવા.
- દિવસમાં માત્ર એક જ વાર સાત્વિક ભોજન લેવું. ભોજનમાં ડુંગળી, લસણ, અનાજ અને માંસાહારનો ત્યાગ કરવો.
- ફળાહાર, દૂધ અને સાબુદાણા જેવી ફરાળી વસ્તુઓનું સેવન કરી શકાય છે.


