Apple Co-founder Steve Jobs Kumbh Letter Auction: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. મહાકુંભના પ્રથમ અમૃત સ્નાનમાં મંગળવારે 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવી હતી. આ મહા આયોજનમાં સામેલ થવા માટે એપલના દિવંગત કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ પહોંચ્યા છે. આ વચ્ચે હવે તેમના પતિ સ્ટીવ જોબ્સનો કુંભ માટેનો 50 વર્ષ પહેલાનો પત્ર ચર્ચામાં છે. આ પત્ર હરાજીમાં 4.32 કરોડ રૂપિયામાં વેચાયો છે.
પોતાના બાળપણના મિત્રને મોકલ્યો હતો પત્ર
સ્ટીવ જોબ્સે 1974માં પોતાના 19મા જન્મદિવસ પહેલા કુંભ માટે એક પત્ર લખ્યો હતો. હાથથી લખેલા આ પત્રમાં સ્ટીવ જોબ્સની ભારત અને આધ્યાત્મિકતા પ્રત્યેની રુચિને દર્શાવવામાં છે. પત્રમાં તેમણે પોતાની ભાવનાઓ અને ભારતમાં કુંભ મેળામાં આવવાની પોતાની યોજનાઓ અંગે જણાવ્યું હતું. અહેવાલો પ્રમાણે તેમણે આ પત્ર પોતાના બાળપણના મિત્ર ટિમ બ્રાઉનને મોકલ્યો હતો.
હરાજીમા લાગી તગડી બોલી
જ્યારે સ્ટીવ જોબ્સ દ્વારા લખાયેલ આ 50 વર્ષ જૂના પત્રની હરાજી કરવામાં આવી, ત્યારે બોલી લગાવનારાઓ વચ્ચે હોડ લાગી. સ્ટીવ જોબ્સ દ્વારા લખાયેલો આ પહેલો પત્ર છે જે હરાજી માટે મૂકવામાં આવ્યો છે. બોલી લગાવનારા આ વ્યક્તિએ $500,312.50 (રૂ. 4.32 કરોડ) ની સૌથી વધુ બોલી લગાવીને આ પત્ર ખરીદ્યો.

સ્ટીવ જોબ્સે પત્રમાં શું લખ્યું હતું
રિપોર્ટ પ્રમાણે આ પત્રમાં સ્ટીવ જોબ્સે લખ્યું હતું કે, 'હું એપ્રિલમાં ભારતમાં શરૂ થનારા કુંભ મેળા માટે ભારત જવા માંગુ છું, હું માર્ચ મહિનામાં ગમે ત્યારે આવીશ, જોકે, હજું તે નક્કી નથી..' તેમણે પોતાના પત્રને 'શાંતિ' શબ્દ સાથે પૂરો કર્યો. જે હિન્દુ ધર્મ પ્રત્યે તેમનો આધ્યાત્મિક ઝુકાવ દર્શાવે છે. આમાં તેમણે ભારતની પોતાની સંભવિત યાત્રાની સાથે તેની સંસ્કૃતિ અને શિક્ષાઓ અંગે પણ લખ્યું હતું.
1974માં જ તેમણે ભારતની મુલાકાત લીધી હતી અને શરૂઆતમાં ઉત્તરાખંડમાં નીમ કરોલી બાબાના આશ્રમમાં જવાની યોજના બનાવી અને કૈંચી ધામમાં રોકાયા હતા. તે સમયે સ્ટીવ જોબ્સે ભારતમાં 7 મહિના વિતાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિને નજીકથી સમજી હતી.
સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025માં પહોંચ્યા છે. લોરેન પોવેલ જોબ્સની આ યાત્રા પોતાના પતિની ઈચ્છાઓથી પ્રેરિત હોઈ શકે છે. તેમના આધ્યાત્મિક માર્ગદર્શક સ્વામી કૈલાશાનંદ ગિરી દ્વારા 'કમલા' તરીકે ઓળખાતી લોરેન 40 સભ્યોની ટીમ સાથે ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરી રહ્યા છે.


