258 વર્ષથી પૂજાતાં કાશીના અડગ દુર્ગા, માતાએ વિસર્જિત થવાની મનાઈ કરતા શરૂ થઈ અનોખી પરંપરા
Navratri 2025: હાલમાં નવરાત્રિના ઉત્સવને સમાંતર દુર્ગા પૂજાનો તહેવાર પણ ઊજવાઈ રહ્યો છે. વિજયાદશમીને દિવસે મા દુર્ગાની મૂર્તિઓને નદી કે તળાવમાં વિસર્જિત કરાય છે, જેથી મા દુર્ગા વિદાય લઈને આગામી વર્ષે ફરી લોકોને આશીર્વાદ આપવા આવી શકે. આ એક વણલખી પરંપરા છે, પરંતુ દેશમાં એક દુર્ગા સ્થાપના એવી પણ છે જેમાં આ પરંપરાનું પાલન નથી થતું. વારાણસીના મદનપુરામાં છેક 1767માં સ્થાપિત દુર્ગા મૂર્તિ આજ સુધી વિસર્જિત કરાઈ નથી! 258 વર્ષોથી અડગ રહેલા મા દુર્ગાનું વિસર્જન ન કરવા પાછળનું કારણ પણ રસપ્રદ છે.
‘મિની-કોલકાતા’ ગણાતા કાશીમાં જળવાયેલી બંગાળી પરંપરા
બંગાળના કાલી પ્રસન્ન મુખોપાધ્યાયના પૂર્વજો મૂળ હુગલી જિલ્લાના વતની હતા, પણ ત્યાં ભારે આર્થિક નુકસાન થતાં એ લોકો સપરિવાર ઉત્તરપ્રદેશના કાશી નગરમાં જઈને વસી ગયા. કાશીમાં મોટા પ્રમાણમાં બંગાળીઓ વસેલા હોવાથી ત્યાં ‘મિની-કોલકાતા’ સર્જાયું. તે સમયે વારાણસીમાં દુર્ગા પૂજા ઉત્સવ નહોતો ઊજવાતો. મુખોપાધ્યાય પરિવારે તેમના ઘરમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપીને આ ઉત્સવની શરૂઆત કરી હતી.
દેવીએ અડગ રહેવાનો નિર્ણય લીધો હોવાની દંતકથા
ઈસ. 1767માં પરિવારના વડીલ કાલી પ્રસન્ન મુખોપાધ્યાયે પોતાના ઘરમાં સ્થાપિત કરેલી છ ફૂટ ઊંચી મૂર્તિને જ્યારે દશેરાને દિવસે વિસર્જિત કરવાનો પ્રયાસ થયો ત્યારે મૂર્તિને ઉઠાવવી અશક્ય બની ગઈ હતી. મજબૂત કદકાઠીના યુવાનો પણ મૂર્તિને ઉપાડવામાં નિષ્ફળ રહ્યા. દોરડા બાંધીને મૂર્તિને હલાવવાના પ્રયત્નો થયા છતાં મૂર્તિ હલી સુદ્ધાં નહીં. આ કારણસર પરિવારે મૂર્તિનું વિસર્જન મોકુફ રાખ્યું. એ રાત્રે કાલી પ્રસન્નને સ્વપ્નમાં માતા દુર્ગાએ દર્શન દીધા અને કહ્યું, ‘મને વિસર્જિત ન કરશો. હું હવે કાશીમાં જ રહીશ, અહીંનાં લોકો સાથે હંમેશાં જોડાયેલી રહીશ.’
માતાની આજ્ઞાને માથે ચઢાવાઈ
સવારે કાલી પ્રસન્નએ પોતાને આવેલા સ્વપ્ન વિશે પરિવારને જાણ કરી અને બધાંએ ભેગા મળીને માતાની આજ્ઞાને માથે ચઢાવવાનો નિર્ણય લીધો. માતાની મૂર્તિનું વિસર્જન રદ કરાયું અને ત્યારથી લઈને આજ સુધી મા દુર્ગાની એ મૂર્તિ મુખોપાધ્યાય (હવે મુખર્જી) પરિવારમાં કાયમી ધોરણે સ્થાપિત થઈ ગઈ. એ રીતે કાશી મા દુર્ગાનું સ્થાયી નિવાસસ્થાન બન્યું.
મૂર્તિની કલા અને દુર્લભ સૌંદર્ય
આ મૂર્તિની સૌથી અનોખી વાત એ છે કે એમાં મા દુર્ગાને યુવાનીના રૂમમાં દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે દુર્ગા પૂજાના પંડાલોમાં સ્થાપિત મૂર્તિઓમાં માતાના ચહેરા પર માતૃત્વ ભાવ અને પ્રૌઢતા દર્શાવવામાં આવે છે, પરંતુ કાશીની મૂર્તિની રચનામાં કારીગરોએ માતાનો યુવા ચહેરો દર્શાવીને એમાં શક્તિ અને સૌંદર્યનો સમન્વય કર્યો છે. મા દુર્ગા સાથે એમના ચાર સંતાન મા લક્ષ્મી, મા સરસ્વતી, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેય પણ હાજર છે. ગંગા નદીની માટી, ભૂસા અને શણથી બનેલી આ મૂર્તિ આજ સુધી ટકી રહી છે, એ પણ ચમત્કાર જ કહી શકાય કારણ કે, આવા પદાર્થોમાંથી બનેલી મૂર્તિ લાંબો સમય અખંડિત નથી રહી શકતી.
દૈનિક પૂજા વિધિ થાય છે
દુર્ગા પૂજા અગાઉ માતાની આ મૂર્તિને સહેજસાજ રંગ લગાવીને તૈયાર કરાય છે એટલું જ. બાકી કાચા મટીરીયલની બનેલી હોવા છતાં મૂર્તિનો કોઈ ભાગ તૂટી ગયો હોય અને નવો બનાવવો પડ્યો હોય, એવું કદી થયું નથી. શ્રુંગાર માટે માતાના વસ્ત્રો અને ઘરેણાં બદલવામાં આવે છે. દુર્ગા પૂજા ઉપરાંત આખું વર્ષ મારાની આરતી અને પૂજા કરાય છે. માતાને વિવિધ પ્રકારનો પ્રસાદ પણ અર્પણ થાય છે.
પરિવારના સભ્યો મૂર્તિને સ્પર્શ નથી કરતા
ઘરના મુખ્ય ઓરડામાં સ્થાપિત આ મૂર્તિનું મુખર્જી પરિવારના સભ્યો સંરક્ષણ કરે છે, પરંતુ તેઓ તેને સ્પર્શ નથી કરતા. કારણ કોઈને ખબર નથી, બસ એમના વડીલો પણ મૂર્તિને સ્પર્શ નહોતા કરતા એટલે વર્તમાન પેઢી પણ મૂર્તિને સ્પર્શતી નથી. માતાની બધી ધાર્મિક વિધિઓ પૂજારીઓ કરે છે.
શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાનું ચિરંજીવ પ્રતિક
કાશીની આ અદભુત મૂર્તિના દર્શને આખા દેશના લોકો આવે છે. ખાસ કરીને દુર્ગા પૂજા દરમિયાન તો મુખર્જી પરિવારમાં ભક્તોની લાઈનો લાગે છે. આ અવિસ્મરણીય પરંપરા માત્ર ધાર્મિક વિધિ પૂરતી મર્યાદિત ન રહેતા, બંગાળ અને કાશીની સાંસ્કૃતિક એકતા અને સમાજશક્તિનું પ્રતીક બની ગઈ છે.