- વર્લ્ડ વિન્ડો
- પેટ્રોલ-ડીઝલનો વેપાર ડોલરમાં થાય એવી ડીલ કરીને અમેરિકાએ ૫૦ વર્ષ પહેલાં માસ્ટરસ્ટ્રોક માર્યો હતો. પુતિન-જિનપિંગની લેટેસ્ટ મુલાકાત પછી નવેસરથી એ મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે
૧૯૭૦ના દશકામાં પહેલી વખત પેટ્રોલિયમની અછત સર્જાઈ હતી. એક તરફ વાહનો વધતા જતા હતા. ઈન્ડસ્ટ્રીનો વિકાસ થઈ રહ્યો હતો અને તેના કારણે ડીઝલની ડિમાન્ડમાં વધારો થયો હતો. અમેરિકાએ પેટ્રોલિયમના રિઝર્વ જથ્થા માટે વ્યવસ્થા ગોઠવી હતી અને તેનું અનુકરણ અન્ય દેશો કરવા માંડયા હતા. ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચે લાંબાં યુદ્ધો ચાલ્યા તેની અસર પણ પેટ્રોલિયમના પ્રોડક્શન પર પડી હતી.
અમેરિકામાં ડોલરની સ્થિતિ થોડી ડામાડોળ થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી ડોલર સેન્ટ્રિક ઈકોનોમી થઈ તો ગઈ, પરંતુ ડોલરના બદલામાં અમેરિકાએ સોનું આપવું પડતું હતું. એટલે કે જો કોઈ દેશ ડોલર અમેરિકાને પાછા આપે તો અમેરિકાએ તેના બદલામાં નક્કી કરેલી કિંમતનું સોનું આપવું પડે એવી ગોઠવણ હતી. અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ એમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢી આપ્યો. અમેરિકાએ તે દશકામાં સત્તાવાર જાહેરાત કરી દીધી કે ડોલરના બદલામાં અમેરિકા સોનું આપવા બંધાયેલું નથી. ડોલરની વેલ્યૂએશન બધા દેશો પોતાના ચલણમાં કરવા માંડયા. આટલું કર્યા પછી અમેરિકાએ બીજું કામ પેટ્રોડોલરનું કર્યું.
અમેરિકાએ વિશ્વના સૌથી મોટા ક્રૂડ નિકાસકાર દેશ સાઉદી અરબ સાથે એક મહત્વપૂર્ણ સોદો કર્યો. સાઉદી અરબને લેટેસ્ટ ટેકનોલોજી આપવા ઉપરાંત સાઉદીમાં વિવિધ ક્ષેત્રમાં માતબર રોકાણ કરવાના બદલામાં અમેરિકાએ પેટ્રોડોલર નામનો કરાર કર્યો. કરાર પ્રમાણે સાઉદી અરબ દુનિયામાં કોઈપણ દેશને પેટ્રોલિયમ વેચે તો સોદો ડોલરમાં થાય એવી વ્યવસ્થા થઈ. દુનિયાના કોઈ પણ ખૂણે આવેલો દેશ પેટ્રોલિયમ ખરીદી કરે તો એના બદલામાં એ દેશે સાઉદીને ડોલરમાં જ પેમેન્ટ કરવાનું રહેતું.
સાઉદી સૌથી મોટું ક્રૂડ ઉત્પાદન હોવાથી સાઉદીના કરારની જેમ જ બીજા અખાતી દેશોએ પણ અમેરિકા સાથે એવો કરાર કરી લીધો. કોઈને પણ ક્રૂડ ખરીદવું હોય તો પેમેન્ટ ડોલરમાં આપવું ફરજિયાત હતું. મોટાભાગના ક્રૂડ ઉત્પાદક, ક્રૂડ નિકાસકાર કંપનીઓએ જગત જમાદાર અમેરિકાની વાત માની લીધી. એમ કહો કે અમેરિકાએ એક નહીં તો બીજી રીતે પોતાની ડીલ કરાવી લીધી. તેના પરિણામે બે-ચાર વર્ષમાં સ્થિતિ એવી સર્જાઈ ગઈ કે દુનિયાના કોઈ પણ દેશની સરકારોએ કે કંપનીઓએ પેટ્રોલિયમની ખરીદી કરવાની હોય તો ચૂકવણું ડોલરથી જ કરવું પડતું. આ અનિવાર્ય વ્યવસ્થા થઈ ગઈ.
તેનાથી અમેરિકન અર્થતંત્રને ખૂબ મજબૂતી મળી ગઈ. દુનિયાભરમાં ક્રૂડનો સોદો ડોલરમાં થવા લાગ્યો એટલે અમેરિકાના ડોલરનું મૂલ્ય વધી ગયું. બધા દેશોને ક્રૂડઓઈલની ખરીદી માટે ડોલરની જરૂર પડવા માંડી. પોતાની કરન્સી આપીને ભારત જેવા મોટા ક્રૂડ આયાતકાર દેશોએ ડોલર ખરીદવાનું શરૂ કર્યું. ડોલર એક્સચેન્જના કારણે અમેરિકન કરન્સીનો દબદબો વધ્યો. ક્રૂડ ઉપરાંતના સોદા પણ ડોલરમાં થવા લાગ્યા. વિશ્વનું અર્થતંત્ર ડોલર આધારિત થવા માંડયું અને તેનો સીધો ફાયદો અમેરિકાને મળ્યો. છેલ્લાં ૫૦-૫૫ વર્ષથી આ જ સિસ્ટમ ચાલે છે. પાંચેક દશકામાં અમેરિકા વધુને વધુ આર્થિક સદ્ધર થયું. દુનિયાના કોઈ પણ ખૂણે બે દેશો વચ્ચે ક્રૂડઓઈલનું ખરીદ-વેચાણ થાય અને એમાં અમેરિકાની કોઈ જ ભૂમિકા ન હોય છતાં અમેરિકાને ફાયદો થાય છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન ડોલર મજબૂત થયો તેના ઘણાં કારણો જવાબદાર હતા. વિશ્વયુદ્ધ પછી એક કરન્સીના આધારે વિશ્વના વેપારને પ્રોત્સાહન આપવા મોટાભાગના દેશો તૈયાર થયા હતા. વિશ્વયુદ્ધ પછી અમેરિકા વિજેતા બનીને ઉભરી આવ્યું અને તમામ વૈશ્વિક સંગઠનોને માતબર ફંડ આપવા લાગ્યું એટલે અમેરિકા તરફી નિર્ણય લેવાય એ તો જાણે સમજ્યા, પરંતુ ૧૯૭૦ આસપાસ જ્યારે અમેરિકા-રશિયા વચ્ચે કોલ્ડવોર ચાલતું હતું ત્યારે જો પેટ્રોડોલરનો કરાર ન થયો હોત તો કદાચ આજે અમેરિકા જે આર્થિક ઊંચાઈએ છે એ કદાચ ન હોત.
પેટ્રોડોલરના સોદાના દોઢ-બે દશકામાં જ રશિયાનું પતન થયું. રશિયાને અમેરિકાનો આ માસ્ટરસ્ટ્રોક હંમેશા ખૂંચતો રહ્યો. અમેરિકાની રશિયા પેટ્રોડોલરની બેઠી કમાણી બંધ થાય તે માટે રશિયાએ એકથી વધુ વખત પ્રયાસો કર્યા, પરંતુ એમાં સફળતા મળી નહીં. ઓપેક સંગઠન ક્રૂડના ભાવ-તાલ નક્કી કરે છે. એમાં રશિયા સહિત ક્રૂડ ઉત્પાદક બધા દેશો સામેલ છે. રશિયાએ ઓપેકના માધ્યમથી પણ ડોલરનો વિકલ્પ તલાશવાની કોશિશો કરી જોઈ, પરંતુ અમેરિકાએ મિડલ ઈસ્ટમાં એવા મજબૂત મૂળિયા બનાવ્યા છે કે અમેરિકાના ગાઢ સહયોગીઓ રશિયાની ગણતરી ઊંધી વાળતા રહે છે.
ને એવા સમયે રશિયાને આ પ્રોેજેક્ટ પાર પાડવામાં નવો, સ્ટ્રોંગ સાથી મળ્યો છે. જેનું નામ છે - ચીન. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગનો ટાર્ગેટ એક જ છે - અમેરિકા. બંનેની સીધી સ્પર્ધા અમેરિકા સાથે છે. અમેરિકાની અનેક થિંક ટેંક ચીનના વધતા પ્રભાવની ચિંતા વ્યક્ત કરે છે. એવા સમયે ચીન-રશિયા ભેગા મળીને કેટલાય સમયથી અમેરિકાને આર્થિક ફટકો પાડવાની વેતરણમાં છે. અમેરિકા આર્થિક રીતે નબળું પડે તો જ તેનો વૈશ્વિક દબદબો ઘટે. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન દુનિયાભરમાં નબળું પડયું એમ જો અમેરિકા નબળું પડે તો જ ચીન-રશિયાની દુનિયામાં સૌથી શક્તિશાળી બનવાની મહાત્વાકાંક્ષા પૂરી થાય.તેના ભાગરૂપે જ ચીન-રશિયા આંતરિક પેમેન્ટ સિસ્ટમની જુદી વ્યવસ્થા બનાવવા માંગે છે.
અત્યારે સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાઈનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન નામની બેંકથી કરન્સીમાં વેપારની ગોઠવણ ચાલે છે. ૩૦ મિનિટમાં જ મોટા મોટા ટ્રાન્ઝેક્શન થઈ જાય તેવી ખાસ વ્યવસ્થા આ બેંકે ગોઠવી છે. રશિયા-ચીન આ વ્યવસ્થાને બદલે પોતાની નવી પેમેન્ટ સિસ્ટમ બનાવવા માંગે છે. સિસ્ટમ ફોર ટ્રાન્સફર ઓફ ફાયનાન્શિયલ મેસેજીસ નામની સિસ્ટમ રશિયન સેન્ટ્રલ બેંકે વિકસાવી છે. ચીને પણ એવી જ સિસ્ટમ વિકસાવી છે. જેનું નામ છે સીઆઈપીએસ. આ બંને સિસ્ટમ ડોલરના અસ્તિત્વ વગર એકબીજા સાથે લેવડદેવડ કરવા સક્ષમ છે. આ બંને સિસ્ટમની મદદથી રશિયા-ચીન મળીને પેટ્રોડોલરની પદ્ધતિ ખતમ કરવા ધારે છે. અગાઉ પણ બંને દેશોના વડા આને લઈને ગુપ્ત ચર્ચા કરી ચૂક્યા છે.
પુતિન ચીનના પ્રવાસે ગયા ત્યારે તેમના વચ્ચે ફરીથી આ મુદ્દે ચર્ચા થઈ હોવાના અહેવાલો સૂત્રોને ટાંકીને રજૂ થયા છે. બ્રિક્સમાં આવી વ્યવસ્થા લાગુ પાડવાની રશિયા-ચીનની ગણતરી છે, પરંતુ ભારતે હાલ પૂરતી બ્રેક મારી છે. ભારતે ડીડોલરાઈઝેશનનું સમર્થન કર્યું નથી. ઈરાન યુદ્ધના કારણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ બરાબર ફસાયા છે. અમેરિકામાં મોંઘવારી ચાર વર્ષની ટોચે છે. રાજકીય રીતે પણ ટ્રમ્પ ઘેરાયા છે. તેનો ફાયદો લેવાનો આ શ્રેષ્ઠ સમય છે એમ માનીને રશિયા-ચીને ફરીથી પેટ્રોડોલરની સિસ્ટમને તોડી પાડવાની કવાયત શરૂ કરી છે. ભારત, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા જેવા દેશો જો માની જાય તો રશિયા-ચીન રાતો-રાત અમેરિકાની બેઠી આવક બંધ કરી શકે તેમ છે.


