Get The App

ટોક્યો ઑલિમ્પિક: ટ્રેન્ડ, નવીનતા અને વિવાદો

Updated: Jul 30th, 2021

GS TEAM


Google News
Google News
ટોક્યો ઑલિમ્પિક: ટ્રેન્ડ, નવીનતા અને વિવાદો 1 - image


- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- 1904માં 85 ટકા મેડલ અમેરિકન ખેલાડી જીત્યા હતા, કારણ કે ત્યારે જાપાન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને અમેરિકા જવું મુશ્કેલ હતું

રોજ નવી-નવી રમતોના પરિણામ આવી રહ્યા છે. ટોક્યો ઑલિમ્પિક તેના ચરમ તરફ ૂચઢાણ કરી રહી છે. દર્શકો (ટીવી અને ઑનલાઇન દર્શકો)નો ઉત્સાહ નવી સપાટી વટાવી રહ્યો છે. ત્યારે એ જાણવું રસપ્રચૂર બની રહેશે કે કોઈ પણ રમતના પરિણામનો આધાર માત્ર ખેલાડીના પરફોર્મન્સ પર નથી હોતો. તે ઉપરાંતના પરિબળો પણ ભૂમિકા નિભાવતા હોય છે. જેમ કે જે દેશમાં રમત યોજાઈ હોય ત્યાંના ખેલાડીઓનો ઉત્સાહ સર્વાધિક હોય છે એટલે મેડલ ટેલીમાં પણ તેની બઢત જોવા મળે. કોઈ ખેલાડી તેમના દેશની માઇનોરિટીમાંથી આવતો હોય અને તેનું સતત ટ્રોલિંગ થતું હોય તો તેની પણ તેના દેખાવ પર અસર પડે. આ સિવાય પણ બીજી ઘણી બધી બાબતો છે. આવો, જોઈએ.

૧૮૯૬માં એથેેન્સમાં પહેલી મોડર્ન ઑલિમ્પિક રમાઈ. ત્યારે એવું થતુું કે ૯૦ ટકા મેડલ જે દેશમાં ઑલિમ્પિકનું આયોજન થયું હોય તે દેશના ખેલાડીઓ લઈ જતા. ૧૮૯૬થી ૧૯૧૨ સુધી આવું ચાલ્યું. ૧૯૦૪માં અમેરિકાના મિસોરી સ્ટેટમાં સેઇન્ટ લુઈસ ખાતે રમતો યોજાઈ અને ૨૮૦ મેડલ અમેરિકન રમતવીરો જીત્યા. કુલ મેડલ્સના ૮૫ ટકા. શા માટે અમેરિકા આટલા બધા મેડલ જીતી ગયું એ સમયે? બે કારણ છે. ૧) એ સમયે મિડવેસ્ટનો પ્રવાસ અઘરો હતો. ૨) જાપાન અને રશિયા પેસિફિકમાં જંગે ચડયા હતા. એ વર્ષે કુલ જેટલા સ્પર્ધકોએ અમેરિકામાં ભાગ લીધેલો તેમાંથી ૮૦ ટકા તો અમેરિકન જ હતા. આના પરથી સ્પષ્ટ થાય છે કે હંમેશા આંકડા જ અંતિમ સત્ય નથી હોતા. તેની પાછળની સ્ટોરીઓ પણ તપાસવી પડે છે. ૧૯૮૦ની ઑલિમ્પિકમાં મોટા ભાગના મેડલ રશિયન ખેલાડીઓના ગળામાં ટીંગાયા. શા માટે? કારણ કે એ વર્ષે ઑલિમ્પિકનું આયોજન સોવિયેત યુનિયનમાં થયેલું. અમેરિકા સહિત ૬૪ દેશોએ એ વર્ષે ઑલિમ્પિક રમતોનો બહિષ્કાર કરેલો. ૧૯૮૪માં આનાથી ઊલટું થયું. રમતો અમેરિકાના લોસ એન્જલસમાં યોજાઈ અને રશિયા સહિત ૧૪ દેશો ફુઆ રિસાઈને જાનમાં ન આવે એમ રમતોથી અળગા રહ્યા.

૧૯૭૬માં ૨૦ ટકા મેડલ સોવિયેત યુનિયનને ગયેલા. ૧૯૮૦માં તે વધીને ૩૧ ટકા થયા. અમેરિકા ૧૯૭૬માં કુલમાંથી ૧૫ ટકા મેડલ જીત્યું હતું. ૧૯૮૪માં ૨૫ ટકા જીત્યું. હવે સાવ આવું થવું સંભવ નથી. કારણ કે રમતોની સંખ્યા પણ વધી ગઈ છે, રમતો રમનારા દેશોની સંખ્યા પણ વધી છે અને વિશ્વના દેશો વચ્ચે સંવાદિતા પણ વધી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનનું અર્થતંત્ર ઊંચું આવ્યું તેમ ઑલિમ્પિક્સમાં તેના મેડલ વિજેતાઓની સંખ્યા પણ વધી છે. અલબત્ત તે હજી અમેરિકાથી પાછળ છે, પણ હવે બરાબરના શીંગડા ભરાવી રહ્યું છે. ઑલિમ્પિકની રમતોમાં સારો દેખાવ જે-તે દેશનો નેશનલ સ્પિરિટ પ્રસ્તુત કરે છે. આત્મવિશ્વાસ વધે, બેસ્ટ પરફોર્મન્સ આપવાની જીદ વધી જાય ત્યારે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપી બને છે અને સારી-સારી ખેલ પ્રતિભાઓ પણ બહાર આવે છે. 

કેમ અમેરિકાનો આર્થિક વિકાસ થતો ગયો તેમ ત્યાં શ્રેષ્ઠ રમતવીરોની સંખ્યા વધતી ગઈ? કેમ જાપાનમાં પણ એવું? કેમ રશિયામાં પણ એવું? કેમ ચીનમાં પણ એવું? ગણિત બહુ જ સીધું છે. અમેરિકાની સ્પોર્ટ્સ એનાલિટિક્સ કંપની ગ્રેસનોટ અંદાજ બાંધે છે કે યુએસએ આ વખતે ૯૬ મેડલ જીતશે, ચીન ૬૬ અને જાપાન ૬૧. ૨૦૧૬માં જાપાન ૪૧ મેડલ જીત્યું હતું. આ વખતે તેને હોમ ગ્રાઉન્ડનો લાભ મળવાનો અંદાજ છે. 

ઑલિમ્પિક્સ અને વિવાદોનો સંબંધ બહુ જૂનો છે. આ વખતે ચીનના ખેલાડીની એક તસવીરને લઈને વિવાદ થયો છે. વેઇટ લિફ્ટિંગમાં ૪૯ કિલોની સ્પર્ધામાં મીરાબાઈ ચાનુ સિલ્વર મેડલ વિજેતા બની તેમાં ગોલ્ડ મેડલ ચીનની ૨૪ વર્ષીય હો જીહોએને મળ્યો છે, પણ તેની તસવીર ઉપહાસ પાત્ર બની છે. જ્યારે કોઈ ખેલાડી વજન ઉપાડે ત્યારે તેના ચહેરાના હાવભાવ વિકૃત થઈ જતા હોય છે તે સ્વાભાવિક છે. રોઈટરે આવા વિકૃત હાવભાવ વાળી તસવીર પ્રસિદ્ધ કરી દેતા ચીન ગુસ્સે ભરાયું છે અને આરોપ મૂકી રહ્યું છે કે, રોઇટરે જાણી જોઈને આવી ગંદી તસવીર પસંદ કરી. પશ્ચિમી મીડિયા ટોક્યો ઑલિમ્પિકનું તટસ્થ રીપોર્ટીંગ કરી રહ્યું નથી. જાપાન ભલે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશમાંનો એક હોય, કિન્તુ ભેદભાવના દુર્ગુણથી તેય મુક્ત નથી. ત્યાં પણ મિશ્ર નસલના ખેલાડીઓનું સતત ટ્રોલિંગ થાય છે. આવા બાળકોને સ્કૂલમાં ચીડવવામાં આવે છે. નવી વાત એ છે કે આ વખતે આવા મિક્સ્ડ રેસના જાપાની ખેલાડીઓની સંખ્યા વધારે જોવા મળી રહી છે.

જાપાની માતા અને બેનિનિઝ પિતાના સંતાના હાચીમુરા રુઈનું નાનપણથી ટ્રોલિંગ થતું. તું બ્લેક છો. તું જતો રહે, એવું તેને કહેવામાં આવતું. એ જ છોકરાએ જાપાનને બાસ્કેટ બૉલમાં પ્રતિષ્ઠા અપાવી. તેણે આ વખતે ઑપનિંગ સેરેમનીમાં જાપાની ટીમનો ધ્વજ ઉઠાવેલો. ટેનિસ ક્ષેત્રે જાપાનનો ડંકો આખા વિશ્વમાં વગાડનારી નાઓમી ઓસોકા હૈતિઅન-જાપાની છે. સાની બ્રાઉન અબ્દુલ હકીમ ઘાનિઅન-જાપાની છે. ડાર્વિશ યુ ઇરાનિયન-જાપાની છે. જાપાનમાં મિશ્ર નસલના આવા બાળકોને હાફુ કહેવામાં આવે છે. હાફુ શબ્દ હાફ પરથી ઊતરી આવ્યો છે. જાપાનની જનતા એમ માને છે કે અમારી જાતિ શુદ્ધ છે, યુનિક છે. પણ એવું નથી. તેઓ આઇનુ, ઓકિનાવાન્સ અને કોરિયન મૂળવંશમાંથી ઊતરી આવેલી જાતિ છે. અત્યારે જાપાનની બે ટકા વસ્તી વિદેશી અથવા વિદેશી મૂળની છે. ઓછી છે, પરંતુ ભૂતકાળ કરતા વધારે છે. ત્યાંની સૌથી સારી વાત એ છે કે વસ્તી ગણતરીમાં આવી જાતિ આધારિત નોંધો રાખવામાં આવતી નથી.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું પૂર આવ્યું હતું, જેમાં ૨૦૦ લોકોનાં મોત થયાં હતાં. જર્મનીમાં સર્વાધિક ૩૬નું મૃત્યુ થયું હતું. ચીનના હેનાન પ્રાંતમાં ભારે વરસાદ પડતા બે લાખ લોકોનું સ્થળાંતર કરવું પડયું હતું. પાણીમાં ફસાયેલી ટ્રેનમાં ૧૨નાં મોત થયાં હતાં. હેનાનમાં કુલ ૫૬નાં મૃત્યુ થયાં છે.

- ઓસ્ટ્રેલિયાના સૌથી ગીચ ન્યુ સાઉથ વેલ્સ વિસ્તારમાં કોરોનાના કેસ બહુ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૧૫ મહિનાની ટોચ પર છે. ત્યાં રસીકરણ ઓછું થયું હોવાથી ડેલ્ટા વેરિયન્ટ ભુરાયો બન્યો છે. સિડનીમાં રોજના ૧૦૦ નવા કેસ આવી રહ્યા છે.

- કેનેડિયન સરકાર યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકો માટે નવમી ઑગસ્ટથી બોર્ડર ખુલ્લી મૂકી દેશે. જોકે તેમને રસીકરણ કરાવેલું હોવું ફરજિયાત છે. બીજા દેશના નાગરિકો માટે કેનેડાની સીમાઓ એક મહિના પછી ખોલવામાં આવશે.

- કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ વિશ્વમાં કહેર વર્તાવી રહ્યો છે. ખાસ કરીને જે દેશોમાં હજી પૂરતું રસીકરણ નથી થયું ત્યાં ખાસ. ઇન્ડેનેશિયામાં હૉસ્પિટલો છલકાઈ ઊઠી છે. દર ૧૦૦માંથી આઠ દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે.

- દર વર્ષે અમેરિકામાં લાખો મેક્સિકનો ગેરકાયદે રીતે ઘૂસી જાય છે. જૂન મહિનામાં મેક્સિકન ઘૂસણખોરો અને અમેરિકાના સીમા સુરક્ષા દળ વચ્ચે અથડામણના ૧,૮૯,૦૦૦ કેસ નોંધાયા. કોરોના ફાટી નીકળ્યા બાદ ઘૂસણખોરી વધી છે. જૂન-૨૦૧૯થી અમેરિકન સરકારે મેક્સિકન સરહદ પર પેટ્રોલિંગ વધારી દીધું છે.

- ઈરાકની રાજધાની બગદાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ ઇસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો હતો. જાન્યુુઆરી માસ પછીનો બગદાદમાં આ સૌથી મોટો ધમાકો હતો. તેમાં ૩૦નાં મોત થયાં હતાં.

Tags :