For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાપાનીઓના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુનું ટોપ સીક્રેટ

Updated: Oct 29th, 2021


- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર તરીકે ધૂમ મચાવી રહી છે. તેઓ ઈન્ટરનેટ પર લોકોને જીવન જીવવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપે છે તથા  કેટલાક ગંભીર  મુદ્દાઓની પણ ચર્ચા કરે છે

જાપાનની એક કહેવત છે, દિવસો અને મહિના ભલે લાંબા હોય જીવન ટૂંકું છે. જાપાનીઓનું સરેરાશ આયુષ્ય ૮૪.૩૬ વર્ષનું છે. તેઓ દુનિયામાં સૌથી લાંબું જીવનારા લોકો છે. દુનિયામાં સૌથી વધારે આયુષ્યની સદી મારનારા લોકો જાપાનમાં છે. સૌથી લાંબુ જીવનારા જાપાનીઓને પણ જીવન ટૂંકું લાગે છે કારણ કે તેઓ નિવૃત્ત થવામાં માનતા નથી, જીવે ત્યાં સુધી કામ કરતા રહે છે. ઉંમરને કારણે એક નોકરીમાંથી નિવૃત્ત થતાં જાપાનીઓ તરત જ બીજી જગ્યાએ  કામે ચઢી જાય છે. નિવૃત્તિ પછીની નોકરી અથવા પ્રવૃત્તિમાં અર્થ ઉપાર્જનનો ઉદ્દેશ ગૌણ હોય છે. મુખ્ય હેતુ શારીરિક અને માનસિક રીતે ફીટ બની રહેવાનો હોય છે.

વૃદ્ધોને પ્રવૃત્ત રાખવા માટે જાપાનમાં સાલ ૧૯૭૫માં સિલ્વર જીનજાઈ નામનું સંગઠન શરૂ કરવામાં આવેલું. આ સંગઠન થકી અત્યારે ૭ લાખ જાપાની વૃદ્ધો કોઈ ને કોઈ કામ સાથે જોડાયેલા છે. તેઓ પૈસા પણ કમાય છે અને પોતાની જાતને વ્યસ્ત રાખે છે. તેમને આમાં જીવનની સાર્થકતા અનુભવાય છે. તાકાઓ ઓકાડા જણાવે છે કે ખાલી યોકોહામા સિલ્વર જીનજાઈ કેન્દ્રમાં ૧૦,૦૦૦ વૃદ્ધ જોડાયેલા છે.  આ સંખ્યા પ્રતિદિન વધતી જાય છે. 

સૌથી વૃદ્ધ વ્યક્તિની ઉંમર ૧૦૦ વર્ષ છે. વિચાર કરો, જાપાનમાં ૧૦૦ વર્ષની વ્યક્તિ પણ નવરી બેસતી નથી, લોકો થાય ત્યાં સુધી કામ કરે છે.  કેટલાક વૃદ્ધો આર્થિક જરૂરિયાત સંતોષવા કામ કરે છે, કેટલાક માનસિક અને શારીરિક રીતે ફીટ રહેવા માગે છે તો કેટલાક તેરા તુજ કો અર્પણની ભાવનાથી સમાજમાં યોગદાન આપવા માગે છે. જીવનભર સમાજ પાસેથી જે મેળવ્યું છે તે તેમને પાછું આપવા માગે છે. 

સિલ્વર જીનજાઈના કાર્યકરો અઠવાડિયામાં માત્ર ૨૦ કલાક કામ કરે છે. તેઓ સામાન્ય રીતે સુપર માર્કેટમાં ક્લીનર, માળી, રીસેપ્શનિસ્ટ, સુથાર અથવા ચાઈલ્ડ કેર આસિસ્ટન્ટના રૂપમાં ફરજ બજાવે છે. કેટલાક વૃદ્ધો અન્ય વૃદ્ધોનું ધ્યાન રાખવાનું પણ કામ કરતા હોય છે. કેટલાક કોમ્પ્યુટર આધારિત વર્ક કરે છે તો અમુક વળી શહેરમાંથી કચરો ઉઠાવવાનું કામ પણ કરતાં હોય છે. વિદેશી ભાષા જાણતા વૃદ્ધોની સારી એવી ડિમાન્ડ રહે છે. 

આમ તો દરેક કામનો પગાર અલગ-અલગ હોય છે પરંતુ જાપાનમાં નિવૃત્તિ પછી પ્રવૃત્ત થયેલા વૃદ્ધોને પ્રતિ કલાકના ૮૪૦ યેન (૬.૭૦ યુરો) મળી જાય છે એટલે રૂપિયા સાડા પાંચસો. સાફસફાઈ માટે તેમને પ્રતિ કલાક ૯૧૦ યેનનું મહેનતાણું મળે છે. ગાર્ડનિંગ માટે ૧૦૪૦ યેન. બરફ હટાવવા જેવું કઠિન કામ કરવાના ૧૮૫૦ યેન મળે છે. જાપાનમાં એકબાજુથી જન્મદર ઘટતો જાય છે તો બીજી તરફ મોટી ઉંમરે કામ કરનારા લોકોની સંખ્યા વધતી જાય છે. તેની વસ્તીમાં પણ વૃદ્ધોની સંખ્યા ઘણી વધારે છે. 

દર ચારમાંથી એક જાપાનીની ઉંમર ૬૫ વર્ષથી વધારે છે. ૧૫ વર્ષ પછી દર ત્રણમાંથી એક જાપાની ૬૫ વર્ષથી વધુ ઉંમરનો હશે. જાપાનની વસ્તી જર્મનીની તુલનામાં બમણી અને ફ્રાન્સની સરખામણીમાં ચાર ગણી વધારે ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. જાપાનમાં યુવાનોની વસ્તી ઘણી ઓછી હોવાથી  શ્રમિકોની અછત વર્તાઈ રહી છે. વૃદ્ધો આ અછતની પૂર્તિ કરી દે છે. ૧૯૭૫માં પણ આવી સ્થિતિ પેદા થઈ હતી. જો કે વર્તમાન સમયના વૃદ્ધો અગાઉના વૃદ્ધો કરતાં અધિક સ્વસ્થ અને વધારે ઊર્જાવાન છે. 

ચીનની વૃદ્ધ મહિલાઓ પણ આજકાલ ચર્ચામાં છે. તેઓ સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર તરીકે ધૂમ મચાવી રહી છે. તેઓ ઈન્ટરનેટ પર લોકોને જીવન જીવવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપે છે તથા  કેટલાક ગંભીર  મુદ્દાઓની પણ ચર્ચા કરે છે.  નિર્ભિક બનીને પોતાના વિચારો મૂકે છે. જાપાનના વૃદ્ધો ભાગ્યશાળી છે કે તેની ઈકોનોમીમાં તેમના માટે જગ્યા છે. તેમને સન્માનીય વેતન મળે છે. ભારતમાં એવું નથી. કદાચ આને જ વિકાસશીલથી વિકસિત  થવાની પ્રોસેસ કહે છે. 

જાપાનના ડોકટર શિગેકી હિનોહારા ૧૦૫ વર્ષ જીવ્યા. તેમનો જન્મ ૧૯૧૧માં થયો હતો અને મૃત્યુ ૨૦૧૭માં.  તેઓ દીર્ઘાયુષ્યના નિષ્ણાંત મનાતા હતા. આજે અમેરિકામાં વહેલા નિવૃત્ત થવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે ફાયર મુવમેન્ટ તરીકે ઓળખાય છે. ફાયર એટલે ફાયનાન્સિયલ ઈન્ડીપેન્ડન્સ રિટાયર અર્લી. 

ડોકટર હિનોહારા વહેલા નિવૃત્ત થવાના વિરોધી હતા. તેમણે કહેલું કે માણસે કમ સે કમ ૬૫ વર્ષ સુધી નિવૃત્ત થવું જોઈએ નહીં. ડોકટર હિનોહારા પોતે છેક છેલ્લે સુધી પ્રવૃત્ત રહ્યા હતા. મૃત્યુના ફકત ચાર-પાંચ મહિના અગાઉ તેમણે દર્દીને જોવાનું બંધ કરેલું. તેમણે લાંબુ અને પ્રવૃત્તિમય જીવન જીવવા માટે કેટલીક ટિપ્સ આપેલી, તે આ પ્રમાણે છેઃ

(૧) ૬૫ વર્ષ પહેલાં નિવૃત્ત ન જ થવું.

(૨) બને ત્યાં સુધી દાદરા ચઢવા અને વજન તપાસતા રહેવું.

(૩) જીવનમાં કોઈક ઉદ્દેશ રાખવો, એવો હેતુ જે તમને વ્યસ્ત રાખે. 

(૪) નિયમો સ્ટ્રેસ વધારવાનું કામ કરે છે, આથી જીવનમાં ઝાઝા નિયમો ન રાખવા અથવા હળવા નિયમો રાખવા. 

(૫) જીવનના બધા જ દર્દ ડોકટર મટાડી શકતા નથી એ યાદ રાખવું.

(૬) જેમાંથી પ્રેરણા, આનંદ અને શાંતિ મળે એવી કળાનો શોખ રાખવો.

જાપાનને આવા દાર્શનિક તબીબ મળ્યા, વૃદ્ધોને કામ આપનારા સંગઠનો મળ્યા, ખરેખર જાપાનમાં ઉંમર માત્ર આંકડો છે, વૃદ્ધાવસ્થા જેવું ત્યાં કશું નથી.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- સાઉદી અરેબિયાએ ૨૦૬૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. વિશ્વના ૧૦૦થી વધારે દેશ માનવસર્જિત ક્લાયમેટ ચેન્જને નાથવા માટે સક્રિય બન્યા છે તેમાં ખનિજ તેલનો સૌથી મોટો ઉત્પાદક દેશ પણ જોડાયો છે. 

- મેક્સિકોના તુલુમ શહેરમાં કેરેબિયન કોટ રિસોર્ટ ખાતે ડ્રગ ગેંગ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં બે જણાના મોત થયાં હતાં તેમાંથી એક ભારતીય મૂળની મહિલા હતી. તેનું નામ અંજલિ રોટ. તે મૂળ હિમાચલ પ્રદેશની હતી અને હાલ કેલિફોર્નિયા રાજ્યના સેનઓઝે શહેરમાં રહેતી હતી.

- અમેરિકી સેનાએ શુક્રવારે સિરિયામાં અલ કાયદાના ટોચના આતંકી અબ્દુલ હમીદ અલ માતરનો ડ્રોન હુમલા થકી વધ કર્યો હતો.  દક્ષિણ સિરિયામાં અમેરિકી સૈન્ય છાવણી પર  ત્રાસવાદી હુમલાના બે જ દિવસમાં અમેરિકી સેનાએ બદલો લીધો હતો. 

- નેપાળમાં ભારે વરસાદના કારણે ભયાનક પૂર આવ્યું હતું. શીલાઓ ધસી પડી હતી. તેના કારણે ૭૭ લોકોના મોત થયાં હતાં. 

- ચીને પરમાણુ સક્ષમ હાઈપર  મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. અમેરિકા અને રશિયા પણ હાઈપર સોનિક મિસાઈલ વિકસાવી ચૂક્યા છે. તે અવાજ કરતાં પાંચગણી વધારે ઝડપથી ઊડી શકે છે.  તેને આંતરવી અઘરી છે તથા તેના થકી શત્રુઓને છેતરી પણ શકાય છે. 

- વિશ્વમાં સૌથી લાંબુ લોકડાઉન ક્યાંય લાદવામાં આવ્યું હોય તો તે  ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં. માર્ચ ૨૦૨૦થી લઈને આજ સુધીમાં કુલ છ વખત અને દિવસોમાં ગણીએ તો ૨૬૨ દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. 

- રસીકરણની સફળ ઝુંબેશ બાદ ત્યાંથી લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે. મેલબોર્ન બાદ સૌથી લાંબુ લોકડાઉન આર્જેન્ટિનાના બ્યુનોસ એરીઝ શહેરમાં લાદવામાં આવ્યું છે, ૨૩૪ દિવસ.

Gujarat