For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના અને દુનિયા: ક્યાં શું ચાલી રહ્યું છે?

Updated: May 28th, 2021

Article Content Image

- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- અમેરિકામાં વધુમાં વધુ લોકો ઝડપથી વેક્સિન લે તે માટે અવનવા પ્રલોભનો અપાય છે: મફત માછલી, ૧૦૦ ડોલરના બોન્ડ, ફ્રી બિયર

અત્યારે વિશ્વના તમામ મનુષ્યોનું કોઈ સહિયારુ સપનું હોય તો તે છે કોરોના મુક્ત દુનિયા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે વિવિધ દેશો કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવી રહ્યા છે. કોરોનાને લીધે સત્તાવાર રીતે ૩૪ લાખ મૃત્યુ થયા છે, પણ હુના એક અધિકારીએ કહ્યું હતું કે કોવિડથી ૬૦ લાખથી ૮૦ લાખ જેટલા લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી સત્તાવાર રીતે બે લાખથી વધારે મોત દર્શાવાયા છે. ધ ઇકોનોમિસ્ટે દાવો કર્યો છે કે ભારતમાં કોરોનાને લીધે ૧૦ લાખ લોકોનું મૃત્યુ થયું છે.

વેક્સિન મૈત્રી યોજના અંતર્ગત ભારત સરકાર અનેક દેશોને વેક્સિન આપી રહી હતી. સીરમ ઇન્સ્ટીટયુટે આ જવાબદારી સંભાળી રહી હતી. દરમિયાન ઇંડિયામાં કોવિડની બીજી લહેર ફાટી નીકળતા ભારત સરકારે તે અટકાવવું પડયું. પરિણામે આફ્રિકન દેશોનો રસીકરણ કાર્યક્રમ અટકી પડયો છે. 

યુરોપિયન યુનિયને પ્રવાસીઓ માટે તેમની બોર્ડરના દરવાજા ખોલી નાખવાનો નિર્ણય કર્યો છે. જ્યાં ઇન્ફેક્શન રેટ ઓછો હોય એવા પ્રવાસીઓ અથવા એવા પ્રવાસીઓ જેમણે વેક્સીન લઈ લીધી હોય. યુરોપમાં વેકેશન ગાળવા માગતા લોકો માટે આ શુભ સમાચાર છે તો યુરોપમાં ટ્રાવેલિંગ અને ટુરિઝમના બિઝનેસ પર આધારિત હોય તેવા વ્યવસાયીઓ માટે પણ. બ્રિટન અને યુરોપિયન યુનિયનના સંબંધો વણસેલા છે એવામાં બ્રિટિશ ટુરિસ્ટ્સનું યુરોપ જવું તેમાં થોડી હળવાશ લાવી શકે છે, મીઠાશ ઉમેરી શકે છે.

એશિયામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાંથી નેપાળમાં કોવિડ ફેલાયો છે. તાઇવાન, થાઇલેન્ડ અને મલેશિયામાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. તાઇવાનમાં કોરોનાની નવી લહેરને કારણે લોકોએ પેનિક બાઇંગ શરૂ કર્યું હતું. તાઇવાનના પ્રમુખ ત્સાઈ ઇંગ વેને લોકોને તેમ ન કરવા ઠપકો આપ્યો. ત્યાંની સરકારે કોવિડ અટકાવવા માટે જે રસ્તો અપનાવ્યો તે ખરેખર અનુસરવા જેવો છે. ત્યાંની સરકારે એવો નિયમ કર્યો છે કે દુકાનદારે તેને ત્યાં આવતા કસ્ટમરની કોન્ટેક્ટ ડિટેઇલ ફરજિયાતપણે નોંધવી. આથી જેને કોરોના થાય તેનાથી બીજાને ફેલાતો અટકાવવા કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું સરળ બની જાય. ભારતમાં પણ આ નિયમ લાગુ કરી શકાય છે.

આપણે ત્યાં ૧૯મી મેએ કોરોનાથી ૪,૫૨૯ મૃત્યુ નોંધાયાં. આ આખા વિશ્વમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મોત હતાં. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે જાહેરાત કરી છે કે, જે લોકો સંપૂર્ણપણે વેક્સિન લઈ લીધી છે તેમણે માસ્ક પહેરવાની જરૂર નથી. કેટલાક આરોગ્ય નિષ્ણાતો સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. સીડીસીની ઘોષણાને પગલે મેરિલેન્ડ અને વર્જિનિયા રાજ્યોએ તુરંત માસ્ક પહેરવામાંથી મુક્તિ જાહેર કરી દીધી હતી. કેલિફોર્નિયા અને ન્યુજર્સી હજી માસ્કમુક્ત થવાની તારીખો ઠેલી રહ્યા છે. અમેરિકામાં હજી ૩૮ ટકા વસ્તીને જ વેક્સિનેશન થયું છે. ૭૦ ટકા પબ્લિકને વેક્સિનેશન ન થાય ત્યાં સુધી માસ્ક હર્ડ ઇમ્યુનિટી આવતી નથી. અને ત્યાં સુધી માસ્ક વિના ફરવું અનેક આરોગ્ય નિષ્ણાતોને જોખમી લાગે છે તો બીજા એવી દલીલ કરે છે કે જાહેરમાં માસ્ક ન પહેરવાથી કોરોનાનો ચેપ લાગે એવા કોઈ વૈજ્ઞાાનિક પુરાવા નથી.

ફ્રાંસમાં લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે. લોકોને રેસ્ટોરન્ટ્સ અને બારની બહાર જમવાની છૂટ આપવામાં આવી છે. જીવન જરૂરી ચીજોની દુકાનો પણ ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે. ન્યુયોર્ક સિટીમાં પણ સ્થિતિ પૂર્વવત્ થવા લાગી છે. ધંધાઓ ખૂલવા લાગ્યા છે. ઇંગ્લેન્ડમાં રેસ્ટોરેન્ટ્સ અને પબ્સમાં ખાણીપીણીની છૂટ આપ દેવાઈ છે.

અમેરિકાના રાજ્યો પબ્લિકને રસીકરણ માટે જાત-જાતના પ્રોત્સાહન આપી રહ્યા છે. સીડીસીએ માસ્ક ન પહેરવા આપેલું પ્રોત્સાહન પણ તેમાંનું જ એક છે. ન્યુ ઓર્લિયેન્સના આરોગ્ય વિભાગે કેજોન સીફૂડ નામની સ્થાનિક સીફુડ માર્કેટ સાથે કરાર કર્યા છે. રસી લેનારને એક પાઉન્ડ બોઇલ્ડ ક્રેફિશ નિ:શૂલ્ક આપવામાં આવે છે. વેસ્ટ વર્જિનિયાના યુવાનો જો વેક્સિન લે તો તેમને ૧૦૦ ડોલરના સેવિંગ્સ બોન્ડ આપવામાં આવે છે. ન્યુયોર્ક સ્ટેટના ઇન બફેલો શહેરમાં રસી લેનારને ફ્રી બિયર આપવામાં આવે છે. અમેરિકામાં રસી લેનારને આ રીતે ફ્રી ગિફ્ટ્સ અપાય છે અને ભારતમાં તો તમામ દેશવાસીઓ માટે રસી ફ્રી માગનારને મફતિયા કહીને ઉતારી પાડવામાં આવે છે.

આપણે હજી કોવિડ મહામારીને નિયંત્રણમાં લઈ શક્યા નથી એવા સમયે ચીને  આ બાબતે કૂટનીતિ શરૂ કરી દીધી છે. શ્રીલંકામાં કોરોનાના કેસ બહુ ઝડપથી વધી રહ્યા છે. પ્રથમ લહેર ત્યાં કેસ બહુ ઓછા હતા પણ બીજી લહેર ત્યાં પણ ભયાનક નીવડી રહી છે. આરોગ્ય સેવા ખોરવાઈ જવાની દહેશત છે. રોજ ૩,૦૦૦ નવા કેસ બહાર આવી રહ્યા છે. એક મહિનામાં કોવિડ કેસની સંખ્યામાં ૧૦૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. 

૨,૧૦,૦૦,૦૦૦ની વસ્તી ધરાવતા શ્રી લંકાની આરોગ્ય સેવાઓ ખૂબ સારી મનાય છે. ત્યાં સારવાર મફત છે, પરંતુ ત્યાં જે રીતે કોરોના રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે તે જોતા તેની હૉસ્પિટલો લથડિયા ખાવા લાગી છે. ભારત શ્રીલંકાને કોવિશિલ્ડ રસી આપી રહ્યું હતું, પરંતુ આપણે ત્યાં કોરોના ફાટી નીકળતા આપણે તેમને રસી આપવાનું બંધ કર્યું. આ તક ચીને ઝડપી લીધી છે. ચીન શ્રીલંકાને કોરોના સામે લડવામાં દરેક રીતે મદદ રૂપ થવા તૈયાર છે. ચીન શ્રીલંકાને વેક્સિન, પીપીઈ કિટ, ફેસ માસ્ક અને ટેસ્ટિંગ કિટ્સ ડોનેટ કરી રહ્યું છે. આ યોજનાને તેણે ફેસ માસ્ક ડિપ્લોમસી નામ આપ્યું છે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે. બંને વચ્ચેના યુદ્ધ સંઘર્ષમાં ૨૩૦ લોકોનાં મોત થયાં છે. તેમાંથી મોટા ભાગના પેલેસ્ટિનિયન છે. ઈઝરાયલ કહે છે કે મૃતકોમાંથી ૧૫૦ મિલિટન્ટ્સ હતા. 

- મોરોક્કો અને સ્પેનની સરહદ પર સ્થિતિ ઠીક નથી. બ્રાહિમ ઘાલી વેસ્ટર્ન સહારાના પ્રદેશની સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. મોરોક્કો તેને પોતાનો પ્રદેશ ગણાવે છે. વેસ્ટર્ન સહારા પ્રદેશમાંથી તાજેતરમાં ૮૦૦૦ શરણાર્થી સ્પેનની સરહદે આવી ગયા હતા. સ્પેને સરહદ પર વધારાના સૈનિકો ગોઠવવા પડયા હતા.

- આયર્લેન્ડમાં આરોગ્ય વિભાગની કમ્પ્યુટર સિસ્ટમ્સ પર સાઇબર અટેક થયો હતો. તમામ કમ્પ્યુટર ઠપ થઈ ગયા હતા. ઇસ્ટર્ન યુરોપના હેકર્સે આ કારસ્તાન કર્યું હતું. તેમણે ૨૦ મિલિયન ડોલરની ખંડણી માગી હતી. સરકારે તે માગણી રીજેક્ટ કરી લીધી હતી.

- ચીલીમાં નવું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની ચૂંટણી થઈ હતી. ૧૫૫ બેઠક પર ચૂંટણી થઈ હતી. ૫૪ ટકા અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા. મોટા ભાગના ઉમેદવારો લેફ્ટ વિચારધારાના હતા. 

- અમેરિકામાં એશિયન અમેરિકન્સ પર હુમલા વધી રહ્યા છે ત્યારે આ પ્રકારના ઘૃણા અપરાધો રોકવા માટે અમેરિકન સરકારે સંસદમાં ખરડો પસાર કર્યો હતો. 

- ચીને મંગળ પર સ્પેસક્રાફ્ટ ઉતાર્યું હતું. મંગળ પર રોવર ઉતારનારો તે વિશ્વનો બીજો દેશ બન્યો છે. ચાઇનીઝ સ્પેસ એજન્સીએ મંગળ પરથી ખેંચેલા ફોટોગ્રાફ્સ પણ રિલીઝ કર્યા હતા.

Gujarat