સાવધાન યુઝર્સઃ યે એમેઝોન હૈ, યે સબ જાનતી હૈ


- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- આજના સમયમાં ભગવાન આપણને જોવે છે એના કરતાં વધારે ડર સીસી ટીવી આપણને જોવે છે એનો રહે છે, ભીંતને કાન હોય કે ન હોય એલેક્સા અને સેલફોન જેવા ઈલેકટ્રોનિક ડિવાઈસને જરૂરથી કાન હોય છે

ખાનગી માહિતી એકત્ર કરવા બદલ આપણે ફેસબુક પર માછલા ધોઈએ છીએ પણ આ બાબતમાં તે એકલી નથી, બીજી ઑનલાઈન કંપનીઓ પણ આ ગુનો કરે છે, રોજરોજ કરે છે. એ હદે કરે છે કે સાંભળીને ચક્કર આવી જાય. તેમાં દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનનો પણ સમાવેશ થાય છે. 

અમેરિકાની સાંસદ ઇબ્રાહીમ સમીરાએ એમેઝોન પાસે તેની કઈ-કઈ અંગત માહિતી છે તે જાણવાની કોશિશ કરી હતી. આ કવાયતમાં  જે બહાર આવ્યું હતું તે શિયાળામાં ઠંડા પાણીએ નહાવાથી શરીરમાં પસાર થતા લખલખા જેવું હતું.  એમેઝોન પાસે સમીરાના ૧૦૦૦ હજારથી વધારે મોબાઈલ નંબરની યાદી હતી. સમીરાએ ગયા વરસની ૧૭મી ડિસેમ્બરે કુરાનનો ક્યો ભાગ સાંભળ્યો હતો એની માહિતી હતી. તેણે ઈન્ટરનેટ પર શું-શું સર્ચ કર્યું છે તેની વિગતો પણ હતી. માની લો કે કોઈ યુવાન ઈન્ટરનેટ પર પોર્નગ્રાફી સર્ચ કરતો હોય તો તે અંગેની વિગત પણ આ કંપની પોતાની પાસે રાખે છે.

તેના પરથી ફલિત થાય છે કે આ કંપની માત્ર માલ-સામાન વેંચતી નથી લોકોના અંગત જીવનની જાસૂસી પણ કરે છે. વર્જિનિયાની રાજ્ય સરકારે  એવો નિયમ કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઈન્ટરનેટ કંપની પાસેથી તેણે તેના વિશે શું માહિતી ભેગી કરી છે તેની ડીટેઇલ માગી શકશે. આ નિયમ અંતર્ગત જ સમીરાએ એમેઝોન પાસેથી વિગતો મેળવી હતી.

એમેઝોન તેની એપ્લિકેશન ઉપરાંત કીન્ડલ ઈરીડર, ઓડીબલ, વીડિયો તથા મ્યુઝિક પ્લેટફોર્મ પર સામાન્ય લોકોની રજે-રજની વિગતો મેળવે છે. એલેક્સા ઘરની અંદર થતી વાતચીતનું રેકોર્ડિંગ કરે છે. ઘરની બહાર લાગેલા કેમેરાના માધ્યમથી ઘરમાં થતી અવર-જવરનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. આપણે એમ માનીએ છીએ કે ઘરમાં જેટલા સાધનો હોય એટલી સુવિધા, હકીકત આનાથી બિલકુલ ઊલટી છે. ઘરમાં જેટલા સાધનો વધારે હોય એટલી જાસૂસી વધારે થાય છે. એટલી આપણી અંગતતા વધારે જોખમાય છે.

ભગવાન આપણને જોવે છે એના કરતાં વધારે ડર સીસી ટીવી આપણને જોવે છે એનો રહે છે. ભીંતને કાન હોય કે ન હોય એલેક્સા અને આપણા સેલફોન જેવા ઈલેકટ્રોનિક ડિવાઈસને જરૂરથી કાન હોય છે. તેઓ આપણી ગોપનિય વાત સાંભળવાની સાથે રેકોર્ડ પણ કરતાં રહે છે. વીકીલિક્સના કેબલની જેમ તે લીક થઈ જાય તો ભવિષ્યમાં આપણે શરમમાં મૂકાવું પડે એવું પણ બની શકે.

એકત્રિત કરેલી માહિતીના આધારે એમેઝોન તમારા શારીરિક બાંધા, વજન, ત્વચાનો રંગ, નસ્લ, રાજકિય ઝુકાવ, પસંદ-નાપસંદ તમામ પ્રકારની જાણકારી મેળવી લે છે. રોઈટર્સના એક રિપોર્ટરે માગેલી વિગતોમાં બહાર આવ્યું કે ડિસેમ્બર-૧૭થી જૂન-૨૦૨૧ વચ્ચે એલેક્સાએ ૯૦,૦૦૦ રેકોર્ડિંગ કર્યા હતા, એટલે કે રોજના ૭૦ રેકોર્ડિંગ કરવામાં આવતા હતા. તેમાં રિપોર્ટરના બાળકોના નામ અને તેને ગમતાં ગીતોની યાદી પણ એકઠી કરવામાં આવી હતી. બાળકોની અંગત વાતચીત પણ રેકોર્ડ થઈ હતી. મમ્મી-પપ્પાને રમવા જવા માટે અને વીડિયો ગેમ ખરીદવા માટે કઈ રીતે મનાવવા એ વિશે બાળકો વચ્ચે થયેલી વાતચીત પણ રેકોર્ડ કરવામાં આવી હતી.

એક રેકોર્ડિંગમાં બાળકો એલેક્સાને એવું પૂછતાં સાંભળવામાં આવ્યા કે એલેક્સા, વજાઈના એટલે શું? આટલી ગુપ્ત વાતચીત રેકોર્ડ કરવી એ પણ તમારી પરમિશન વિના, તમારી જાણકારી બહાર એ ક્રાઈમ નહીં તો બીજું શું છે? આ રેકોર્ડિંગનો દુરૂપયોગ ન થાય તેની ખાતરી પણ શું? આ તો એકમાત્ર એમેઝોનની વાત થઈ. આવી બીજી કંપનીઓ કેટલું અને શું-શું રેકોર્ડ કરતી હશે કોને ખબર! આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જેમાં પ્રાઈવસીનો ખતરો સૌથી મોટો છે. આપણે ઈન્ટરનેટની આઝાદીની વાત કરીએ છીએ પણ એ વિશે ભૂલી જઈએ છીએ કે આપણી પ્રાઈવસી તો ક્યારની છીનવાઈ ચૂકી છે. 

આ વિશે અવાજ ઊઠતો નથી કારણ કે મોટાભાગના લોકો આ વિશે અજાણ છે, અજ્ઞાાની છે. આપણા શિક્ષણમાં પણ આના માટેનો કોઈ અભ્યાસ ક્રમ નથી. એ સમય આવી ગયો છે કે દરેક બાળકને અને દરેક કોલેજિયનને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનું બેઝિક ટેકનિકલ જ્ઞાાન આપવામાં આવે. તેમને શીખવવામાં આવે કે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો કઈ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું? લોકો સમજતાં થશે, જાગતા થશે તો આપોઆપ વિરોધ કરવા સડક પર આવશે. અને જો લોકો સડક પર ઊતરશે તો ઑનલાઈન કંપનીઓને પણ લોકોની પ્રાઈવસી જાળવવા માટે મજબૂર થવું પડશે. અત્યારે તો તેઓ સામાન્ય લોકોના અજ્ઞાાનનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. 

દુનિયામાં જેટલા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે તેમાંથી ૨૧ ટકા યુઝર્સના ઈ-મેઇલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ જાય છે. ૧૧ ટકા યુઝર્સનો ડેટા ચોરાઈ જાય છે.  ૧૨ ટકા યુઝર્સની જાસૂસી કરવામાં આવે છે, તેમનો પીછો કરવામાં આવે છે. પબ્લિક પ્રોફાઈલ સૌથી મોટો ખતરો છે. તમે કોઈ વેબસાઈટ પર પોતાનું અકાઉન્ટ બનાવો એટલે તે તમને વારંવાર ઈન્ટીમેશન મોકલે છે કે તમારી પ્રોફાઈલ અધૂરી છે તે પૂર્ણ કરો. પ્રોફાઈલ કમ્પ્લીટ કરવા માટે કંપનીઓ અમુક-તમુક પ્રકારના પ્રલોભન પણ આપે છે.

જાહેરમાં મૂકેલી પ્રોફાઈલ ડેટા ચોરી માટેનો સીધો સ્રોત છે. જે રીતે ઈન્ટરનેટ પર ડેટા ચોરી અને મુખબીરી ચાલી રહી છે એ જોતાં તો સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવવા એ જ સૌથી યોગ્ય વિકલ્પ છે. ૬ ટકા ઓનલાઈન યુઝર્સને  તેની ગોપનીય વાત લીક થઈ જવાને કારણે બદનામીનો ભોગ બનવું પડયું છે. એક ટકા યુઝર્સને નોકરીમાંથી રાજીનામુ આપવું પડયું છે. 

કોઈ મિત્રને પોતાને ત્યાં બોલાવવો હોય તો અને તેના માટે એડ્રેસ અજાણ્યું હોય ત્યારે આપણે તેમને લોકેશન શેર કરીએ છીએ. જો જીપીએસનો ઑપ્શન ઓફ ન કરવામાં આવે તો આપણા મોબાઈલમાં રહેલી વિવિધ એપ્લીકેશન્સ આપણી જાણ બહાર આપણા લોકેશન્સની અવિરત જાણકારી મેળવતી રહે છે. વીપીએનપ્રોના રિસર્ચ પ્રમાણે સાલ ૨૦૧૯માં  ૨.૭ અબજ લોકો ડેટા ચોરીનો શિકાર બન્યા હતા. તમારી પર્સનલ લાઈફની શ્રદ્ધાંજલિ લખાઈ ચૂકી છે એટલું સમજવા માટે આટલું પૂરતુ છે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- અફઘાનિસ્તાનમાં તાલિબાને ઘોષણા કરી કે મહિલાઓ હવે ટીવી ડ્રામામાં કામ કરી શકશે નહીં. મહિલા પત્રકારોએ ફરજિયાતપણે  સ્કાર્ફ પહેરવાનો રહેશે. અફઘાની મહિલાઓને જેનો ડર હતો તે તાલિબાનો દિવસે દિવસે વધુ સાચો સાબિત કરી રહ્યા છે.

- અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ૮૫ મિનિટ માટે રાષ્ટ્રપતિની તમામ શક્તિઓ આપવામાં આવી હતી. આવી સત્તા મેળવનારાં તેઓ યુએસના પ્રથમ મહિલા બન્યાં છે. કમલા હેરિસને આ સત્તા જો બાઈડનના હેલ્થ ચેકઅપ દરમિયાન આપવામાં આવેલી. 

- તુર્કીમાં જાસૂસીના આરોપસર પકડવામાં આવેલા ઈઝરાયલી દંપતિને મુક્ત કરી દેવામાં આવ્યું છે. તેમનું નામ છે મોરદી ઓકનીન અને નતાલી ઓકનીન. તેઓ તુર્કી ફરવા ગયા હતા આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆનના મહેલના ફોટોગ્રાફ્સ લેતાં તેમની ધરપકડ કરાઈ હતી.

- અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારતા દેશોની સૂચિ બનાવી છે. જેનું શીર્ષક છે કન્ટ્રીઝ ઑફ પર્ટીક્યુલર કન્સર્ન. આ યાદીમાં પાકિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

- પાકિસ્તાનમાં બળાત્કારીઓનું ખસીકરણ કરી નાખવાનો કાયદો બનાવવામાં આવ્યો છે. કેટલાક લોકોએ આ કાયદાને ઇસ્લામ વિરોધી ગણાવ્યો હતો. 

City News

Sports

RECENT NEWS