ચીનઃ દુષ્ટને સજ્જન માનવાની બ્લન્ડર
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- ચીન પાસે ચિક્કાર પૈસો પણ છે અને સર્વોચ્ચ કક્ષાનાં સાયન્સ-ટેકનોલોજી પણ. તોયે તેનું જંગલીપણું આજથી હજારો વર્ષ પહેલાંના બર્બર આક્રમણખોરો જેવું જ છે
ચીનને ઓળખવામાં થાપ ખાવી એટલે જાણી જોઇને પોતાની જાતને છેતરવી. દરેક દેશ ચહેરા પર મહોરું પહેરતો હોય છે કેવળ ચીન તેમાં અપવાદ છે. તે જેટલો ખરાબ છે તેટલો પ્રમાણિકતાપૂર્વક દેખાય છે. જો ચહેરા પર મહોરું હોય તોય તેના ચહેરાની વિકૃતિ એ મહોરામાં પ્રતિબિંબિત થયા વિના રહેતી નથી. તેની સાથે સંબંધો સારા બનાવવાના પ્રયત્નો હાથે કરીને દગો ખાવા જેવા છે. સ્વતંત્ર ભારતની લગભગ તમામ સરકારોએ દગો ખાધો છે. નહેરુ પછીના વડાપ્રધાનો પણ ચીનથી છેતરાતા રહ્યા છે એ કટુ સત્યથી મોં ફેરવી શકાય નહીં.
આજે ચીન ભારતના કેટલાક પ્રદેશો પર દાવો કરી રહ્યું છે, તે દાવો તમે કદાચ ભૂલેચૂકે સ્વીકારી લો તોય ચીનને ધરવ થવાનો નથી. કાલે તે નવા કેટલાક પ્રદેશો પર દાવો કરવા માંડશે. પરમ દિવસે ફરી પાછા બીજા પ્રદેશો પર દાવો કરવા માંડશે. તેની લાલસાનો કોઇ આરો નથી. તે એક એવો ડ્રેગન છે જે અજગરની જેમ આખી દુનિયાને ગળી જવા માગે છે. નહેરુએ તેને સુરક્ષા સમિતિમાં કાયમી સભ્યપદ અપાવ્યું તેનો તેણે આભાર માન્યો નહીં, પણ ભારતે દલાઇ લામાને, તિબેટની વિભક્ત સરકારને શરણ આપ્યું તેની તે દાઝ રાખીને બેઠું છે. કદાચ આમાંનું કશું ન થયું હોત તો પણ ચીનનું ભારત સાથેનું ઘર્ષણ જારી હોત. કારણ કે તેની વૃત્તિ જ એવી છે. તેને કોઇ ને કોઇ પ્રકારે આખી દુનિયા ખાઇ જવી છે.
આમાં ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક ક્રાંતિ પછી આવેલો રાષ્ટ્રવાદ અને ઉપનિવેશવાદ જવાબદાર છે. આધુનિક વિશ્વનો પાયો જ શોષણ પર નખાયો છે તો આપણે તેના પર ઊગનારા ફળ સુમધુર હોય એવી આશા શી રીતે કરી શકીએ? પોતાના કારખાના માટે કાચો માલ મેળવવા બ્રિટન, ફ્રાંસ, સ્પેન, ડેન્માર્ક સહિતના યુરોપીયન દેશો એશિયા, આફ્રિકા અને અમેરિકાના રાજ્યોને ગુલામ બનાવતા ગયા. સૈકાઓ સુધી નિર્દોષ લોકોનું શોષણ થયું, બબ્બે વિશ્વ યુદ્ધ લડાયાં. તે પછી અનેક દેશો આઝાદ થયા પણ તેનું શોષણ બંધ થયું નહીં. આપણે આઝાદીનો ઉત્સવ મનાવીએ છીએ પણ હકીકતમાં આપણને આઝાદ એટલા માટે કરાયા કેમ કે તેઓ ઘરે બેસીને આપણું શોષણ કરવા સક્ષમ હતા.
આધુનિક વિશ્વનો પાયો જ શોષણની ભૂમિમાં રોપવામાં આવ્યો છે. ચીન પોતે આનો શિકાર રહ્યું છે. તેણે પોતે સૈકાઓ સુધી આ બધું સહ્યું છે ને એટલે જ અંગ્રેજોએ અને જાપાને જે તેની સાથે કર્યું તે બમણા જોશથી દુનિયા સાથે કરવા આતુર છે. સહસ્ત્રાબ્દીઓ પહેલાં જંગલી આક્રમણખોરો હુમલો કરી જે તે પ્રદેશ લૂંટી લેતાં અને ક્યારેક પચાવી પણ પાડતા. યુરોપીયન દેશો ભણેલા-ગણેલા જંગલી હતા. તેમણે આ કામ બુદ્ધિ સાથે વ્યૂહરચના સાથે અને આધુનિક વિજ્ઞાાનની મદદથી કર્યું. ચીન તેનાથી પણ ચાર ચાસણી ચડયું છે. આજે તેની પાસે ચિક્કાર પૈસો પણ છે અને સર્વોચ્ચ કક્ષાનાં સાયન્સ-ટેકનોલોજી પણ. તોયે તેનું જંગલીપણું આજથી હજારો વર્ષ પહેલાંના બર્બર આક્રમણખોરો જેવું જ છે.
તે પેલા સિકંદર જેવું જ છે. વિશ્વવિજેતા બનવા માગે છે, પણ સિકંદરની જેમ હાર સ્વીકારે એવું નથી. તેને જમીન, પૈસો અને સંસાધનો જોઇએ છે, અનલિમિટેડ જોઇએ છે. શા માટે જોઇએ છે? ખબર નથી, બસ જોઇએ છે. તે સિકંદર કરતા વધારે શક્તિશાળી છે કારણ કે ત્યાં કોઇ વ્યક્તિ નથી, વ્યવસ્થા છે, અતિઆધુનિક સાધનો અને પૈસા છે. અમેરિકા સહિતના શક્તિશાળી દેશોએ આપણી સામે હંમેશા ખોટા દાખલા મૂક્યા છે તેનું આ પરિણામ છે. ઇરાકનું ખનિજ તેલ મફતના ભાવે લઇ લેવું હોય એટલે સદ્દામ પર વેપન ઓફ માસ ડિસ્ટ્રકશન હોવાનો આરોપ મૂકવો, સીરિયાનું ખનિજ તેલ જોઇતું હોય તો તેને અસ્થિર કરવું, વેનેઝુએલાનું ખનિજ તેલ જોઇતું હોય એટલે ત્યાં રાજકીય ખટપટ કરાવીને તેને ડિસ્ટેબીલાઇઝ કરવું, આ બધા ખોટા દાખલા તેણે પૂરા પાડયા છે.
૧૬મી સદીથી ૨૧મી સદી દરમિયાન જે ગોરખધંધા યુરોપ અને યુએસએ કર્યા છે તે બધું ચીન હવે વધારે ક્રૂરતા, વધારે આક્રમકતા સાથે કરવા માગે છે. માનવતાવાદનું જેટલું ચિંતન થયું છે એટલું તેનું અમલીકરણ થયું નથી. અમેરિકાના નાગરિકો માટેના અને સિરિયાના નાગરિકો માટેના માનવતાવાદી ધોરણો જુદા જુદા છે. માનવતાના નાતે દેશના હિતોનું રક્ષણ થવું જોઇએ એ વિશે તો ક્યારેય વિચારવામાં જ આવ્યું નથી. દેશ શું છે? દેશ પણ આખરે તો માનવોનો સમૂહ છે ને? કે બીજું કંઇ? દેશના હિત વિશે વિચારવું એ કોઇ માનવ સમૂહના હિત વિશે વિચારવા બરાબર છે. આધુનિક મહાસત્તાઓ ક્યારેય આ અભિગમ સુધી પહોંચી શકી નથી ને ચીન તેનાથી દસ ચાસણી ચડયું છે.
દુનિયામાં હંમેશા જૂથવાદ જ ચાલ્યો છે ને બીજા વિશ્વ યુદ્ધ પછી પણ બિનજોડાણવાદના માર્ગે ચાલનારા દેશોની હાલત એકેય બાજુના ન રહેવા જેવી થઇ છે. જૂથવાદનો ફાયદો એ છે કે તમે જે જૂથમાં હો, તેનો નેતા દેશ કપરા સમયમાં તમારી મદદે આવે. અમેરિકા છેલ્લા કેટલાક વર્ષોથી આપણા માટે આવું જ નેતા હતું, અલબત્ત કોઇ મફતમાં નેતાગીરી કરતું નથી. તેનો ટેક્સ, તેનો ફાયદો યેનકેન પ્રકારે વસૂલ કરે છે. તેમ છતાં એટલું ખરું કે સંકટ સમયમાં રક્ષણ મળી રહે.
કોરોનાએ આવા નેતાઓને તોડી નાખવાનું કામ કર્યું છે. આજે ચીન હોંગકોંગને ખાઇ જાય તો યુરોપિયન દેશો રક્ષણ માટે દોડી જવા તૈયાર નથી. જ્યારે શક્તિશાળી નેતાઓ હતા ત્યારે ચીનને ભય હતો. જેમ નેતા નબળા પડયા તેમ ભય પણ અદ્રશ્ય થઇ ગયો છે. ચીનની સરહદ ૨૨ દેશો સાથે મળે છે ને લગભગ બધા સાથે તેને સીમા વિવાદ છે. મોકો જોઇ તે આ વિવાદનું વત્તેસર કરી પોતાની વિસ્તારવાદી ક્ષુધા સંતોષવા થનગને છે. તેનું મન ડ્રેગન બનીને થનગાટ કરી રહ્યું છે.
ભારત કંઇ નબળો દેશ નથી, પરમાણુ સંપન્ન છે. ભારતની સેના પણ દુનિયાની ત્રણ-ચાર સૌથી શક્તિશાળી સેનાઓમાં સ્થાન પામે છે. ચીન પાસે આપણા કરતા ઝાઝા શસ્ત્રો, વધારે આધુનિક શસ્ત્રો અને અધિક પૈસા હોય તો શું થયું? વ્યૂહરચના એ એવી ચીજનું નામ છે જે બધા ગણિત બદલી શકે છે. ચારે બાજુ ઇસ્લામિક દેશોથી ઘેરાયેલા ઇઝરાયલે ઓછા શસ્ત્રો અને ઓછા પૈસા હોવા છતાં એ બધા દેશોને હંફાવી દીધા છે. તેનું એકમાત્ર કારણ છે તેની વ્યૂહરચના. ટચુકડા વિયેતનામે અમેરિકાને પરાસ્ત કરી દીધું. તેનું એક માત્ર કારણ તેની રણનીતિ.
ભારત પણ આવી ચબરાક રણનીતિથી ચીનને ધૂળ ચાટતું કરી શકે છે, પણ આપણે એ વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ રાખીને ચાલવાનું છે કે આવતીકાલે યુદ્ધ થશે તો કોઇ આપણી મદદે આવે એવી શક્યતા બહુ જ ઓછી છે.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- બ્રિટનમાં એક સસ્તી અને જૂની દવા કોરોનાના દર્દીઓને જીવતદાન આપવાનું કામ કરી રહી છે. ત્યાં હાલ ડેક્સામેથાસોનનો ઉપયોગ થઇ રહ્યો છે. તબીબી નિષ્ણાતો જણાવે છે કે જો આ દવાનો ઉપયોગ પહેલેથી કરવામાં આવ્યો હોત તો મૃત્યુઆંક આજે છે તેના કરતાં કમસેકમ પાંચ હજાર ઓછો હોત.
- વિદેશમંત્રી એસ. જયશંકરે તેના ચીની સમકક્ષ વાંગ યી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે શબ્દો ચોર્યા વિના કહ્યું કે ચીની સૈનિકોએ આગોતરી યોજના ઘડીને ભારતીય સેના સામે કાર્યવાહી કરી છે. તેના કારણે જ લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને દેશો વચ્ચે હિંસક અથડામણ થઇ. આ ઘટનાથી બંને દેશોના વિપક્ષીય સંબંધોને ગંભીર અસર થશે.
- કોરોના મામલે બહુ પહેલેથી સત્ય છુપાવતા ફરતા ચીનની રાજધાની બિજીંગમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. ત્યાં પાંચ દિવસમાં ૧૦૬ નવા કેસ આવ્યા છે અને મોટાપાયે ટેસ્ટીંગ પણ કરવામાં આવી રહ્યું છે. પોતાને કોરોનામુક્ત જાહેર કરનારા ન્યૂઝીલેન્ડમાં પણ નવા કેસ નોંધાવા લાગ્યા છે.