For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત-પાકઃ બાસમતીની સુગંધમાં વિવાદનો કાંકરો

Updated: Jun 25th, 2021

Article Content Image

- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- માત્ર ભારતીય કંપનીઓ જ વિદેશની કોપી મારે છે એવું નથી, અમેરિકાની કંપની રાઇસટેકે કાસમતી, ટેક્સમતી અને જસમતી પેટન્ટ કરાવવાની બદમાશી કરેલી

ચક્કી ચોખા ખાંડતી હોય, કંકુુ ચોખા હોય કે ચક્કી ચોખાનો દાણો લાવી હોય, આપણો અને ચોખાનો નાતો બહુ પુરાણો છે. ભારતમાં કમસેકમ નવ હજાર વર્ષથી ચોખાની ખેતી થાય છે. ચોખા આમ તો વિશ્વમાં સૌથી વધુ ખવાતું અનાજ છે, પણ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ક્યાંય થતા હોય તો તે ભારતમાં. બાસમતી. બાસમતીનો અર્થ થાય છે બાસ ધરાવતું. સુગંધી.

સાલેભાઈની આંબડીને તેના ઘાટા કેસરી રંગ પરથી નામ મળ્યું કેસર કેરી તેમ પંજાબ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઊગતા લાંબા દાણાવાળા સુગંધી ચોખાને તેની સુગંધ પરથી જ નામ મળ્યું બાસમતી. ૧૯૪૭ પહેલા ભારત-પાક એક જ હતા એટલે પાકિસ્તાનનો પણ બાસમતી ચોખાનો ઈતિહાસ આપણી જેમ સૈકાઓ જૂનો છે.

કોઈ એમ કહેતું સાંભળવા ન મળે કે મારી પાસે સ્માર્ટફોન છે. કહેશે કે મારી પાસે એપલનો ફોન છે. અમારી ઘરે ડાયરેક્ટ તાલાલાથી કેસર કેરી આવી છે, એવું કહેશે. પાટણના પટોડા, મેકડોનલ્ડનો બર્ગર. ચીજો અથવા ખાણીપીણી સાથે જ્યારે બ્રાન્ડનું નામ અથવા તેની ભૌગોલિક ઓળખ જોડાય ત્યારે આપણે તે ચીજ સાથે વધારે જોડાણ અનુભવવા લાગીએ છીએ.

જેમ કે ઢાકાનું મલમલ, લિવાઇઝનું જીન્સ, કોલ્હાપુરી ચપ્પલ, ગોવાના કાજુ, અફઘાનિસ્તાનનો ખજૂર, સ્કોચ વ્હીસ્કી.  બ્રાન્ડ તો ખેર એક કૃત્રિમ ચીજ છે, પણ ચીજવસ્તુઓ કે ખાણીપીની ભૌગોલિક ઓળખ સાથે તેની માત્ર ભૂગોળ નહીં, ઈતિહાસ અને સંસ્કૃતિ પણ જોડાયેલા હોય છે.

સેમસંગનો ફોન ચીનમાં મેન્યુફ્રેક્ચર થયો છે કે ભારતમાં તે આપણે નથી જોતા, પણ કચ્છ કેસર કહીને વલસાડની કેસર ખવડાવી દેવામાં આવે તો ચીટિંગ ફીલ કરીએ છીએ. જે ચીજવસ્તુઓ, જે-તે જગ્યાએથી ફેમસ બની હોય તે જ જગ્યાએ બનેલી હોય તેનું ખૂબ મહત્ત્વ છે. એટલે જ તેના પૈસા પણ માર્કેટમાં ઊંચા મળે છે.

બાસમતી ચોખાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તે પણ આ જ છેને. બાસમતી ચોખાનું ૬૫ ટકા આંતરરાષ્ટ્રીય માર્કેટ ભારત અને ૩૫ ટકા માર્કેટ પાકિસ્તાનના હાથમાં છે. યુરોપના માર્કેટમાં પાકિસ્તાનની પહોંચ આપણા કરતા વધારે છે અને ખાડી દેશોમાં ભારતના બાસમતી ચોખાનો ઓલમોસ્ટ ઇજારો છે. આપણે યુરોપિયન યુનિયનમાં બાસમતી ચોખાનો જીઆઈ ટેગ મેળવવા માટે ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ અરજી કરી હતી.

ઇયુની સત્તાવાર જર્નલમાં આપણી અરજી પ્રકાશિત થઈ એટલે પાકિસ્તાને તરત જ વાંધા અરજી કરી. યુરોપિયન યુનિયન જો આપણા બાસમતી ચોખાને જીઆઈ (જિયોગ્રોફિકલ ઇન્ડિકેશન) ટેગ આપી દે તો યુરોપનું માર્કેટ પાકિસ્તાનના હાથમાંથી સરકી જાય.

ભૌગોલિક ઓળખ ધરાવતા ઉત્પાદનોની અન્ય પ્રદેશના લોકો કોપી કરી તેનું માર્કેટ ન આંચકી લે તે માટે માન્ય એજન્સીઓ દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવતો હોય છે. ભારતમાં ખાદ્ય પદાર્થોને જીઆઈ ટેગ આપવાનું કામ એગ્રિકલ્ચરલ પ્રોસેસ્ડ ફુડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી (એપીડીઈએ) કરે છે.

ભારતે ૨૦૧૯-૨૦માં ૪૪.૫ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી. તેની કિંમત રૂા.૩૧,૦૦૦ કરોડ થાય છે.  યુએનની માહિતી પ્રમાણે એ જ સમયગાળા દરમિયાને પાકિસ્તાને ૨.૨ અબજ ડોલર (૧૬,૦૦૦ કરોડ રૂપિયા)ના ચોખની નિકાસ કરી. 

ભારતીય સીડ્સ એકટ, ૧૯૬૬માં ૨૯ પ્રકારના બાસમતી ચોખાનો ઉલ્લેખ છે. હાલ ભારતમાં ૩૩ પ્રકારના બાસમતી ઉગાડવામાં આવે છે. એપીડીઈએ દ્વારા જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઉગાડવામાં આવતા બાસમતી ચોખાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. 

વચમાં એવા સમાચાર ઊડયા હતા કે ભારત અને પાકિસ્તાને બાસમતી ચોખાને લઈને સમાધાન કરી લીધું છે. ઓલ ઇંડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશને તેને રદિયો આપ્યો છે.

આ સમાચાર ખુદ પાકિસ્તાને ઉડાડયા હતા.તેને ફળક છે કે જો ભારતને જીઆઈ ટેગ મળી જશે તો તેના હાથમાંથી ઇન્ટરનેશનલ માર્કેટ જશે.

મૂળે બાસમતી રાવી અને ચીનાબના પટમાં ઊગતા. આ નદી બંને દેશોમાં વહે છે. એટલે બાસમતીનો દાવો પણ બંને દેશો કરે છે. ભારતે ગત વર્ષે દુનિયાને ૪૯૮ અબજ રૂપિયાના બાસમતી ચોખા નિકાસ કર્યા.

જીઆઈ ટેગને લઈને ઝઘડો શામાટે? બ્રાન્ડ. જગતમાં ક્યાંય પણ બાસમતી ચોખા ઊગતા હોય, ચાહે તે ભારતમાં ઊગતા હોય તેના જેવા જ હોય, પણ જીઆઈ ટેગ આપણી પાસે હોય તો આપણા ચોખાને બીજા ચોખા કરતા ઊંચા ભાવ મળે. અર્થાત નામ માટે નફો મળે. 

ભારતની ભીતર પણ બાસમતીની લડાઈ પૂરી નથી થઈ. મધ્ય પ્રદેશ તેમને ત્યાં ઊગતા બાસમતી ચોખાને જીઆઈ ટેગ મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. એપીડીઈએએ મધ્ય પ્રદેશને જીઆઈ ટેગ આપવાનો ઈનકાર કરતી વખતે જે ટીપ્પણી કરી તે મુદ્દાની છેઃ જો ભારતના બીજા રાજ્યો બાસમતી ચોખા માટે જીઆઈ ટેગની માગણી કરવા લાગે તે કાલે ચીન, પાકિસ્તાન અને બીજા દેશો પણ બાસમતીના નામે ચોખાની નિકાસ કરવા લાગશે. પરિણામ સ્વરૂપ બ્રાન્ડ તરીકે બાસમતીની છબિ ધુમિલ થઈ જશે.

બાસમતીના એક્સક્લુઝીવ સ્ટેટસ માટેની ભારતની લડાઈ વર્ષો જૂની છે. ૯૦ના દશકમાં અમેરિકાની રાઇસટેક કંપની સાથે વિવાદ થયેલો. રાઇસેટેકે બાસમતીની કેટલીક હાઇબ્રીડ જાત ઉગાડી તેને કાસમતી, ટેક્સમતી અને જસમતીના નામે પેટન્ટ કરાવવાની બદમાશી કરી. ૧૯૯૭માં તેની પેટન્ટ મંજૂર પણ થઈ ગઈ.

ભારતના કિસાનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. ભારત સરકાર પર પણ માછલા ધોયાં.  ભારત સરકારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ કર્યો. ભારત સરકાર અને અમેરિકી કંપની વચ્ચે કાનુની લડાઈ થઈ. ૨૦૦૧માં રાઇસટેકને ચોખાની ત્રણ પેટન્ટ સુધી જ સીમિત કરી દેવામાં આવી. તે પછી છેક ૨૦૧૬માં બાસમતી ચોખાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો.

૨૦૧૭ સુધી યુરોપનું બાસમતી બજાર ભારતના હાથમાં હતું. ૨૦૧૫-૧૬માં ભારતે યુરોપિયન સંઘને ૧૯૩૦ કરોડના બાસમતી ચોખા વેચેલા. ૩,૮૦,૦૦૦ ટન. ૨૦૧૮થી તેણે ભારતીય બાસમતી પર પ્રતિબંધ મૂકી દીધો અને પાકિસ્તાનમાં બાસમતીના ઉત્પાદકોના ભાગ્ય ખૂલી ગયા. ભારતીય બાસમતી પર પ્રતિબંધ શા માટે મુકાયો?બિયારણ પીબીવન અને પુસા-૧૪૧૦. આ બંને બિયારણોના જે છોડ થાય તેમાં ફુગ થાય છે.

તેનો નાશ કરવા આપણા કિસાનો ફુગ નાશક દવાનો ઉપયોગ કરતા અને એ દવાના રિઝુડયુઅલ યુરોપિયન તપાસ એજન્સીની તપાસમાં એક માત્રા કરતા વધારે મળી આવેલા.

યુરોપ તેના સ્ટાન્ડર્ડ્સને લઈને બહુ જ જાગૃત છે. ભારતીય બાસમતી પરના પ્રતિબંધમાં પાકિસ્તાને મોકો જોઈને ત્યાંનું બજાર સર કરી લીધું. હવે ભારત તેની ભૂલ સુધારી ચૂક્યું છે અને પાકિસ્તાને કબજે કરેલું માર્કેટ ફરીથી ટેકઓવર કરવા મહેનત કરી રહ્યું છે.

હવે યુરોપમાં શું થશે એ તો આગળ ઉપર ખબર પડશે, પણ જ્યારે અમેરિકી કંપની જસમતી અને ટેક્સમતી કરતી ઘૂસી ગઈ ત્યારે પાકિસ્તાન ક્યાં ઊંઘતું હતું? ત્યારે કાનૂની લડાઈ ભારતે મળેલી તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જીઆઈ ટેગ ભારતને જ મળવો જોઈએ. 

Gujarat