app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

માલદીવમાં ચીન પ્રેરિત ઈન્ડિયા આઉટ અભિયાન

Updated: Dec 24th, 2021


- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- ઇસ પૂર્વે 270માં કલિંગના એક રાજકુમારને દેશવટો આપવામાં  આવતા તેણે માલદીવ વસાવેલુંઃ તેના પહેલા રાજાનું નામ શ્રી સુદર્શન આદિત્ય

દક્ષિણ એશિયાના દેશોને પોતાની તરફ ખેંચવા ચીને છેલ્લા થોડા વર્ષોથી એકપક્ષીય હોડ શરૂ કરી છે. કોઈ પણ દેશ સાથે મજબૂત સંબંધો કેળવવામાં કશું ખોટું નથી, પણ અહીં પોતાની તરફ ખેંચવાના ચીનના ઉદ્દેશમાં ભારતનો વિરોધ પણ છુપાયેલો છે. ચાહે તે શ્રીલંકા હોય, મ્યાંમાર હોય, બાંગ્લાદેશ હોય, નેપાળ હોય કે માલદીવ, ભારત વિરુદ્ધ છેલ્લા થોડા સમયથી જે અવાજો ઊઠી રહ્યા છે તે ભૂતકાળમાં ઊઠી રહ્યા નહોતા. તેનું લેટેસ્ટ ઉદાહરણ માલદીવમાં જોવા મળી રહ્યું છે. ચીનની પ્રેરણાથી માલદિવિયન વિરોધ પક્ષ દ્વારા ઇંડિયા આઉટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

માલદીવ ભૌગોલિક રીતે ખૂબ મહત્ત્વનો દેશ છે. લક્ષદ્વિપથી ૭૦૦ કિલોમીટર અને ભારતની મેઈન લેન્ડથી ૧૨૦૦ કિલોમીટરના અંતરે છે. કદમાં તે જેટલો નાનો છે એટલું જ તેનું મહત્ત્વ મોટું છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર માર્ગ તેની નજીકથી પસાર થતો હોવાથી અમેરિકા પણ તેનું મહત્ત્વ સ્વીકારે છે. તેના દ્વિપસમૂહોની રમણીયતા પશ્ચિમી દેશોમાં પણ દુર્લભ છે. પ્રવાસન તેની આજીવિકાનો મુખ્ય સ્રોત છે. જેમાં કોરોનાએ ફાચર માર્યું છે. તેનું પરંપરાગત બોડુ-બેરુ સંગીત તેના બીચ જેટલું જ ચિત્તાકર્ષક છે. ઇસ પૂર્વે ૨૭૦માં કલિંગના એક રાજકુમારને દેશવટો આપવામાં  આવતાં તેણે માલદીવ વસાવેલું. તેના પહેલા રાજાનું નામ શ્રી સુદર્શન આદિત્ય. જે બાદમાં ધીવા મારી તરીકે પણ ઓળખાયા. આ રીતે ભારત અને માલદીવનો નાતો ૨૩૦૦ વર્ષ જૂનો છે. ત્યાં પણ ધોનીનું નામ ગાજે છે. એ ધોની એટલે આપણા મહેન્દ્રસિંહ ધોની નહીં, પરંતુ પ્રાચીન અરબી શૈલીથી બનાવવામાં આવતી અને ધોની તરીકે ઓળખાતી માલદિવિયન હોડી. વિદેશી પ્રવાસીઓ ત્યાં જાય એટલે ધોની બોટની સહેલગાહનો આનંદ  અચૂક લેતા હોય છે. જેમ ત્યાં સૂર્યના કિરણો   સીધા પડે છે એમ ભારત અને ચીનના હિતો પણ સીધા ટકરાઈ રહ્યા છે. 

વિપક્ષ અને સત્તાપક્ષમાં મતભેદ હોય એ સ્વાભાવિક છે પરંતુ વિદેશ નીતિ બાબતમાં ઝાઝો વિરોધાભાસ હોતો નથી પણ માલદીવમાં આવું નથી. તેનો સત્તાપક્ષ ભારત સમર્થક અને વિપક્ષ ભારત વિરોધી. શ્રીલંકામાં પણ આવું જોવા મળે છે તો ય સાવ માલદીવ જેવું નહીં. મહિન્દા રાજપક્ષે પ્રખર ચીન સમર્થક અને કટ્ટર ભારત વિરોધી છે. જ્યારે રેનિલ વિક્રમસિંઘે આ બાબતમાં તટસ્થ છે. માલદીવમાં અબ્દુલ્લા યામીન રાષ્ટ્રપતિ બન્યા પછી ભારત વિરોધ શરૂ થયો, સાલ ૨૦૧૩થી ૨૦૧૮ દરમિયાન. યામીન ચીનનાકૃપાપ્રાપ્ત રહ્યા છે.  અત્યંત તાનાશાહી સ્વભાવના છે. તેમણે વિપક્ષી નેતાઓને પણ જેલમાં પૂરી દીધેલા. આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ૨૦૧૮માં ચૂંટણી કરવી પડી જેમાં તેઓ પરાજિત થયા. હવાલા કૌભાંડ મામલે તેમને પણ જેલભેગા કરવામાં આવેલા. જે તેમણે કરેલું એ જ તેમની સાથે થયું. ભ્રષ્ટાચારના કેસમાં તેમને પાંચ વર્ષની સજા થઈ હતી. કોરોના આવી પડતાં તેમને જેલમાંથી છોડી નજરકેદ રાખવામાં આવ્યા અને થોડા સમય પહેલાં તેમની તરફેણમાં ચૂકાદો આવતા તેઓ તમામ આરોપમાંથી મુક્ત થઈ ગયા છે. આ સાથે જ તેમની રાજકીય કારકિર્દીનો માર્ગ પણ મોકળો થઈ ગયો છે. 

બહાર આવતાંની સાથે જ તેમણે લખણ ઝળકાવી દીધા છે. ભારત વિરોધી અભિયાન શરૂ કરીને અધૂરી મૂકેલી રમત ફરીથી આદરી છે. તેમના ઈશારે તેમના પક્ષના કાર્યકરોએ ઇંડિયા આઉટ અભિયાન ચાલુ કર્યું છે. અનેક લોકો લાલ ટીશર્ટ પહેરીને સડક પર ઊતરી રહ્યા છે. તેમના ટીશર્ટ પર લખેલું છે, ઇંડિયા આઉટ. તેમની માગણી છે કે માલદીવની ભૂમિ પરથી ભારતના સૈનિકોને હાંકી કાઢવામાં આવે. પ્રમુખ ઇબ્રાહિમ સોલી ભારત તરફી છે. ભૂતપૂર્વ પ્રમુખ અને વર્તમાન સંસદીય સ્પીકર મહોમ્મદ નસીદ પણ ભારતના સમર્થક છે. એટલું જ નહીં તે ચીનના બદઈરાદાને પણ સારી રીતે પારખે છે. 

યામીન જ્યારે માલદીવના પ્રમુખ હતા ત્યારે તેમણે અનેક યોજનાઓમાં ચીનને ઘુસાડી દીધું છે. ભૌગોલિક રીતે ભારતની નજીક રહેલું આ રાષ્ટ્ર આર્થિક દૃષ્ટિએ ચીનની નજીક પહોંચાડી દીધું છે. તેને એક ટાપુ માત્ર ૪૦ લાખ ડોલરની કિંમતે ૫૦ વર્ષની લીઝ પર  આપી દીધો છે, જે સાવ મફતનો ભાવ કહેવાય.  ચીનની કૂટનીતિ એવી રહી છે કે તે નાના-નાના દેશોને ગજા બહારની લોન આપે છે અને જ્યારે તે ભરી ન શકે ત્યારે લીઝ પર લીધેલી મિલ્કતોને માલિકીમાં પરિવર્તિત કરાવી લે છે. એમ તેની ઘુસણખોરી બાકાયદા બની જાય છે અને પ્રતિદિન વધતી જાય છે. ૨૦૨૦માં સોલીએ ટ્વીટ કરેલી કે ચીનની બેન્ક અમારી પાસેથી દોઢ કરોડ ડોલરની કડક ઉઘરાણી કરી રહી છે. આ રકમ અમારી જીડીપીના ૫૦ ટકા જેટલી છે. કોવિડને કારણે અમારી અર્થવ્યવસ્થા ફડચામાં હોવાથી અમે આ રકમ ભરી શકીએ તેમ નથી. ચીનની બેન્ક અમને વધુ સમય આપવા પણ તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ મુદ્દો ઊછળતાં અને ચીનનો ફજેતો થતાં તેને  માલદીવ પાસેથી ઉઘરાણી કરવામાં કમને નરમ થવું પડેલું.

૧૯૮૬માં મોમુન અબ્દુલ ગયુમની સરકાર સામે બળવો થયો ત્યારે રાજીવ ગાંધીની સરકારે સૈન્ય મદદ પહોંચાડીને તેમને તારી લીધા હતા. ૨૦૦૪ની સુનામીમાં પણ સૌથી પહેલાં ભારતના વિમાનો માલદીવની મદદે પહોંચ્યા હતા. ચીજવસ્તુથી લઈને દવાની બાબતમાં તે ભારત પર નિર્ભર છે. ત્યાંના લોકો સારવાર માટે પણ આપણા દેશમાં આવે છે. ભારતે તેનું તમામ રીતે રાખ્યું હોવા છતાં  માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ યામીને ભારતનું ગણ રાખ્યું નહોતું. આપણે તેમને ભેટમાં મોકલેલા હેલિકોપ્ટર્સને પણ તેમણે પાછા લઈ જવાનું કહીને અપમાન કરેલું. 

હવે તેઓ વિપક્ષમાં બેસીને ભારત વિરોધ દ્વારા ફરીથી પોતાની રાજકીય ભૂમિકા તૈયાર કરી રહ્યા છે.   અત્યારે તો તેમના આંદોલનને સામાન્ય સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે પરંતુ ભવિષ્યનું કંઈ કહેવાય નહીં. ભારતના કૂટનીતિજ્ઞાોએ ડ્રેગનના માલદીવ ગ્રહણનો ઈલાજ શોધવો રહ્યો. 

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- સંયુક્ત આરબ અમિરાતે વયસ્કો (એડલ્ટ) માટે બનાવવામાં આવતી ફિલ્મોને  સેન્સર ન કરવાનો નિર્ણય લીધો છે. ત્યાંની એડલ્ટ એઈજ ૨૧ વર્ષ છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

- મ્યાંમારમાં આંગ સાન સૂ ચીની લોકતાંત્રિક સરકારને પદભ્રષ્ટ કરીને સેનાએ સત્તા પર કબજો કરી લીધો છે એ પગલું ખોટું હોવા છતાં  આ બાબતે રિએક્ટ કરવામાં ભારતે ચેતીને ચાલવું પડે એમ છે. જો આપણે ખુલ્લંખુલ્લા વિરોધ કરીએ તો મ્યાંમારની સૈન્ય સરકારને ચીનના ખોળામાં બેસી જતાં વાર લાગે નહીં.  મ્યાંમારમાં સૈન્ય તખ્તાપલટ પછી ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા પહેલી વખત તેની યાત્રાએ ગયા હતા.

- ચીન તેના સૈન્યને ઝપાટાભેર શક્તિશાળી બનાવી રહ્યું છે. મિસાઈલ ટેકનોલોજી, પરમાણુ હથિયાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની બાબતમાં તેની પ્રગતિ ચિંતા ઉપજાવનારી છે.   તે અતિશય શક્તિશાળી બની જવાને કારણે વિશ્વનું સૈન્ય શક્તિ સંતુલન ખોરવાઈ જવાનો ભય છે. 

- તુર્કીનું ચલણ લીરા ઘણાં સમયથી ડોલર સામે નબળું પડતું જાય છે. તેને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆને નવી નીતિઓની ઘોષણા કરી છે.  

- બાંગ્લાદેશી મૂળના અમેરિકન બ્લોગર અભિજીત રોયના હત્યા મામલે અમેરિકાએ પણ સક્રિયતા દર્શાવી છે. તેણે હત્યારા વિશે  બાતમી આપનારને ૫૦ લાખ ડોલરનું ઈનામ આપવાની ઘોષણા કરી છે. 

Gujarat