અર્થતંત્રમાં ઇનોવેશનઃ વિશ્વમાં રોજી વધારતા પ્રયોગો ક્યારે?
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- ક્લાઇમેટ ચેન્જ અને ટેકનોલોજીના અવનવા પ્રયોગ થઈ રહ્યા છે, પરંતુ ઓટોમેશન તથા કોવિડ-૧૯ને કારણે જે બેરોજગારી વધી છે તેનું સમાધાન શોધવામાં આવ્યું નથી, યુનિવર્સલ બેઝિક ઇન્કમ તેનું સમાધાન બની શકે તેમ નથી
અર્થવ્યવસ્થા અત્યંત ગતિશીલ પદાર્થ છે. તેના રંગ, રૂપ, આકાર સમય-સમય પ્રમાણે બદલાતા રહે છે. તે બદલાવને ન્યાય આપવા, તેનો માર્ગ મોકળો કરવા સરકારે પોતાની નીતિઓ પણ સમયાંતરે બદલતી રહેવી પડે છે. આજે જે અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે તે કાલે ન પણ હોય, ગઈકાલે જે નહોતા તે આજે છે. દાખલા તરીકે ગઈકાલ સુધી હેપિનેસને અર્થશાસ્ત્રમાં કોઈ સ્થાન નહોતું. આજે તે એક મહત્ત્વપૂર્ણ પરિણામ માનવામાં આવે છે.
અર્થશાસ્ત્રીનો ચોક્કસ વર્ગ એવું માને છે કે તમે કરોડો રૂપિયા કમાવ પણ તેનાથી તમારા જીવનમાં ખુશાલી ન આવતી હોય તો તે સાર્થક નથી. કારણ કે કોઈપણ આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ કેવળ પેટ ભરવા પૂરતો સીમિત નથી. તેના થકી જીવનમાં પ્રસન્નતાનું ઉમેરણ થવું જરૂરી બની જાય છે. વિકસિત દેશોમાં જ્યારે વિકાસ થવાનું બંધ થઈ જાય છે ત્યારે ત્યાંના જનજીવનમાં નિરાશાનું મોજું ફરી વળતું જોવા મળે છે. બહુ હ્યુમન સાઈકોલોજી છે. બે વર્ષ સુધી તમારો પગાર ન વધે તો જે કામ માટે તમે થનગનતા હતા એ કામ હવે તમને થકાવા લાગશે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓછો પ્રોફિટ થાય તો મજા નહીં આવે. મજા એ આજના અર્થશાસ્ત્રનું અવિભાજ્ય અંગ બની ગયું છે.
જે રીતે અર્થવ્યવસ્થામાં કાળક્રમે પરિવર્તન થાય એમ ઘણી વખત સામે ચાલીને પરિવર્તનને નોતરું આપવું પડે છે. નવા-નવા પ્રયોગ કરતા રહેવા પડે છે. એકાદો પ્રયોગ સફળ થઈ જાય તો થોમસ આલ્વા એડિસનના બલ્બની જેમ આખી દુનિયાને અજવાળું મળી જાય છે. આ પ્રયોગશીલતાને અંગ્રેજીમાં ઇનોવેશન કહેવામાં આવે છે. વર્લ્ડ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે ઈનોવેટિવ ઈન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. તેમાં વિવિધ દેશોના અર્થતંત્રમાં થતાં પ્રયોગોને તપાસવામાં આવે છે. વિધવિધ દેશની ઈકોનોમીમાં થઈ રહેલા ઇનોવેશનના આધારે તેને નંબર આપવામાં આવે છે. ભારત આ સૂચિમાં ૪૬મા સ્થાને છે. જર્મનીએ ૧૦મું સ્થાન અને ડેન્માર્કે નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુલ ૧૩૨ દેશોના ડેટાનું અધ્યયન કરવામાં આવ્યું છે. જુદા-જુદા ૮૧ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ સૂચિમાં સિંગાપોર ૮મા નંબર પર છે.
સત્તામાં બેઠેલા લોકો અર્થવ્યવસ્થા અને તેમાં થતાં પ્રયોગોને કેટલા ઊંડાણથી સમજી શકે છે તે મુદ્દો પણ ધ્યાને લેવાય છે. આ લિસ્ટમાં ફિનલેન્ડે સાતમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. કોવિડ મહામારીના સંદર્ભમાં થયેલા સંશોધનોને પણ ગણનામાં લેવામાં આવ્યા છે. વૈશ્વિક મહામારી હોવા છતાં કેટલાક દેશોએ નવા-નવા પ્રયોગોમાં રોકાણ કરવાની પરંપરા જાળવી રાખી છે. કપરા કાળમાં પણ તેમણે સાહસ ખેડયુ છે. નેધરલેન્ડ આ યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે. એશિયામાં સૌથી આગળ છે દક્ષિણ કોરિયા. તેણે પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુરોપમાં સૌથી આગળ છે બ્રિટન. તેણે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમેરિકા આ સૂચિમાં છેલ્લા ત્રણ વર્ષથી ત્રીજા નંબર પર છે. સ્વીડન છેલ્લાં ત્રણ વર્ષથી બીજા નંબર પર છે. અને પૃથ્વીનું સ્વર્ગ સ્વિર્ત્ઝલેન્ડ પ્રથમ નંબર પર છે.
નવો સમય નવી સમસ્યા લઈને આવતો હોય છે. કેટલીક સમસ્યાઓ સનાતન પણ હોય છે. બેરોજગારી સનાતન સમસ્યા છે, જ્યારે ઓટોમેશનને કારણે વધતી બેરોજગારી નવી સમસ્યા છે. કોરોના મહામારીને કારણે વધતી બેરોજગારી નવી સમસ્યા છે. આ મુદ્દો પણ ઈનોવેશનનો વિષય બનવો જોઈએ. તેનું એક નિરાકરણ યુનિવર્સલ બેઝિક ઈન્કમરૂપે દર્શાવવામાં આવે છે. મતલબ જે લોકો પાસે નોકરી નથી તેમના ખાતામા અમુક રકમ જમા કરાવવાની. સવાલ એ થાય કે યુનિવર્સલ બેઝિક ઈન્કમના પૈસા ક્યાંથી લાવવાના? સ્વાભાવિક છે કે જાહેર જનતા પર વધારાનો ટેક્સ બોજ નાખવો પડે અથવા ધનપતિઓ પાસેથી વધુ ટેક્સ વસૂલવો પડે. જાહેર જનતા ઓલરેડી વધારે ટેક્સથી ત્રાહિમામ છે.
ધનપતિઓ વર્તમાન સમયનું જે કરમાળખું છે એ મુજબ પણ ટેક્સ ભરવા તૈયાર નથી. તેઓ પોતાની આવકનો અમુક હિસ્સો ટેક્સહેવનમાં છુપાવી દે છે તો પછી તે વધારાનો ટેક્સ ક્યાંથી ભરવાના? ટેક્સહેવનમાં પૈસા છુપાવવાની પ્રવૃત્તિ અટકે એ માટે ગ્લોબલ મિનિમમ ટેક્સ લાવવાની ઝુંબેશ ચાલે છે.
એ ઝુંબેશ ક્યારે પૂરી થાય એની ખબર નથી. કદાચ પૂરી થઈ જાય તો પણ ધનપતિઓ યુનિવર્સલ બેઝિક ઈન્કમને ફંડ કરવા માટે વધારાનો ટેક્સ ભરવા તૈયાર થાય નહીં. વળી એક વિરોધ એવો પણ છે કે બેરોજગારોના ખાતામાં સતત પૈસા આવતા રહે તો તેમની આળસ વૃત્તિ વધે, મફતનું ખાનારાઓની એક આખી પેઢી તૈયાર થાય અને આવનારા સમયમાં દેશ-દુનિયાને નુકસાન પહોંચાડે. આ પરિસ્થિતિમાં જોબ્સ કઈ રીતે વધારવી, કઈ રીતે આવકની અસમાનતા ઘટાડવી, એ મુદ્દા મહત્ત્વના બની રહે છે. અર્થશાસ્ત્રીઓએ તેના માટે બ્રેઈન સ્ટોર્મિંગ કરવું રહ્યું.
ખુશીની વાત એ છે કે ઈકોનોમિક ઈનોવેશનની બાબતમાં એશિયાના દેશો બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે. ભારતે પહેલી વખત ટોપ ફિફટીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચીન, ફિલિપાઈન્સ અને વિયેતનામના રેકિંગમાં પણ સુધારો થયો છે. ભારતમાં ઇલેકટ્રીક વાહનો, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, અંતરિક્ષ અને વૈકલ્પિક ઊર્જાના ક્ષેત્રોમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપ્યું છે. આગામી સૂચિમાં ૨૫મું સ્થાન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છ. ભારતમાં અત્યારે બેરોજગારી દર આઠ ટકા છે. બીજા દેશોમાં પણ તે મોટી સમસ્યા છે. આશા રાખીએ કે આવનારા વર્ષોમાં પ્રયોગશીલતાની આ હોડ તેનું સમાધાન લઈને આવશે.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- સ્પેનના વડા પ્રધાન પેટ્રો સાંચેઝે વેશ્યાવૃત્તિને ગેરકાયદે ઘોષિત કરવાનો નિર્ણય કર્યો છે. ૧૯૯૫માં સ્પેનમાં વેશ્યાવૃત્તિને બિનગુનાપાત્ર જાહેર કરવામાં આવી હતી. ૨૦૦૯ના એક સર્વેમાં બહાર આવ્યું હતું કે ૩૩ ટકા પુરૂષોએ વ્યભિચાર કર્યો છે. હાલ સ્પેનમાં ૩ લાખ સ્ત્રીઓ વેશ્યા તરીકે કામ કરે છે.
- રશિયામાં પહેલી વખત કોરોનાનો દૈનિક મૃત્યુઆંક ૧૦૦૦ને ક્રોસ કરી ગયો છે. રોજ ૧૦૦૦ કરતાં વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે. તેના માટે રસી પ્રત્યે લોકોના અવિશ્વાસને જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે. સરકારે લોટરી, બોનસ, ઈન્સેન્ટીવ સહિતના પ્રલોભનો જાહેર કર્યા હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર ૨૯ ટકા રશિયનોએ જ રસી મુકાવી છે.
- પાકિસ્તાને જેને ઉછેર્યો હતો તે તાલિબાન નામનો સાપ હવે પાકિસ્તાનને જ કરડયો છે. તાલિબાનના હસ્તક્ષેપને કારણે પાકિસ્તાન એરલાઈન્સને તેની અફઘાનિ સેવાઓ બંધ કરી દેવી પડી છે. તાલિબાને પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ અને અફઘાનિસ્તાનની કામ એરને વિમાની ભાડામાં ઘટાડો કરવાની ચેતવણી આપી હતી.
- બ્રિટનની કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા અને સાંસદ સર ડેવિડ અમેસને એક હુમલાખોરે છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. તેઓ કોન્સ્ટીટયુઅન્સી સર્જરી કરી રહ્યા હતા. આ એક એવી મીટિંગ છે જેમાં સામાન્ય લોકો તેમના નેતાને મળી શકે છે.