Get The App

હોલીવુડ ફિલ્મોઃ ગઈ કાલની કથા, આજની વ્યથા

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- ધટર્મિનલના નાયકની જેમ હમણા જર્મનીનો અપરાધી દિલ્હીના એરપોર્ટ પર ફસાઈ ગયોઃ દિવસો સુધી તેને એરપોર્ટ પર જ રહેવું પડયું

Updated: May 22nd, 2020

GS TEAM

Google News
Google News
હોલીવુડ ફિલ્મોઃ ગઈ કાલની કથા, આજની વ્યથા 1 - image


જ્યોતિષ સિવાય ભવિષ્યકથનની અનેક કળાઓ છે. ત્રેતાયુગમાં વિમાન હતા કે નહીં તે રામ જાણે, પણ જો આવી કલ્પના કરવામાં આવી હોય તો તે કલ્પનાય મહાન છે. આજથી હજારો વર્ષ પહેલા રામાયણકારને પુષ્પક વિમાનનો વિચાર આવે એ કંઈ નાની વાત છે? હેલિકોપ્ટર શોધાયાના સૈકાઓ પહેલા લિયોનાર્દો દ વિન્ચીએ તે દોરી નાખેલું. કોરોના મહામારીની આગાહી કરનારી નવલકથા વિશે તો વાત થઈ ચૂકી છે. અત્યારે એવી ત્રણ ફિલ્મોની વાત કરવી છે જે વર્ષો પહેલા બની છે અને આજે રીલમાંથી રિયલમાં રૂપાંતરિત થઈ રહી છે. જાણે કે કાષ્ઠની પૂતળીને મંત્રો ફૂંકીને સજીવન કરવામાં આવી છે.

કેટલીક ફિલ્મો જોયા પછી આપણે મનોમન કહેતા હોઈએ છીએ કે કાશ આવું ન બને ક્યારેય. તેની સામે કેટલીક વખત આપણને વાસ્તવિક ઘટના ફિલ્મો જેવી લાગે છે. અત્યારે જે કંઈ પૃથ્વી પર ઘટી રહ્યું છે તેને ફિલ્મીનો સિક્કો મારી દેવાથી વાત પૂરી થઈ જતી નથી. કારણ કે ફિલ્મોમાં તેની કલ્પના ઘણા સમય પહેલા થઈ ચૂકી છે.

સૌથી વધારે ચર્ચા ૨૦૧૧ની કન્ટેજિયન ફિલ્મની થાય છે. તે જોઈએ અને વાસ્તવ સ્થિતિ જોઈએ તો એમ લાગે કે પરમાત્માએ આ ફિલ્મમાંથી બેઠી કોપી મારી દીધી છે. કેન્ટેજિયનમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીની વાત છે. તેમાં પણ વાઇરસનું ઉદ્ગમ સ્થાન ચીન છે. કોરોના વાઇરસ ચામાચિડિયામાંથી આવ્યો હોવાનું કહેવાય છે. કન્ટેજિયનમાં પણ ચામાચિડિયામાંથી માણસ જાતમાં પ્રસરતા વાઇરસની વાત કરવામાં આવી છે.

સ્ટીવન સોડરબર્ગની આ ફિલ્મમાં એમઇવી-૧ વાઇરસની વાત કરવામાં આવી છે. તેના પ્રારંભિક લક્ષણો પણ શરદી-ઊધરસ રૂપે દેખાય છે. તે સ્પર્શથી ફેલાય છે.

કોરોનામાં ફેફસામાં ચેપ ફેલાય છે અને ઇએમવી-૧માં મગજમાં. એમઇવી-૧ના દરદીઓને ઇન્સેફેલાઇટીસ (મગજનો તાવ) થાય છે. કોરોના વાઇરસમાં ડેથ રેટ ત્રણથી ચાર ટકા છે. ફિલ્મી વાઇરસમાં ડેથ રેટ ૨૫થી ૩૦ ટકા. આ બાબત ફિલ્મ જોયા પછી આપણને રાહત આપનારી છે.

૨૦૦૪માં સ્ટીવન સ્પીલબર્ગે ધ ટર્મિનલ ફિલ્મ બનાવી. ટોમ હેન્કે શું અભિનય કર્યો હતો એમાં! અંગ્રેજી પિક્ચર્સના રસિયાએ આ ફિલ્મ ન જોઈ હોય તે અસંભવ છે. ધ ટર્મિનસમાં ક્રાકોઝિયા નામના એક કાલ્પનિક દેશની વાત છે. ક્રાકોઝિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળતા અમેરિકા તેની સાથેના તમામ સંબંધ કાપી નાખે છે અને તેને દેશ માનવાનો ઇનકાર કરી દે છે. ક્રાકોઝિયાનો એક નાગરિક અમેરિકાના એરપોર્ટ પર અટવાઈ જાય છે. કારણ કે ક્રાકોઝિયાને તો અમેરિકા દેશ માનતું નથી. તો પછી તે આ વ્યક્તિને તેના દેશ કઈ રીતે મોકલી શકે. યુએસ પણ તેને વિઝા આપતું નથી. ફલતઃ તે ટર્મિનલ પર રહે છે. એરપોર્ટનો સ્ટાફ રહેમરાહે તેની કાળજી લે છે. 

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હમણા ધ ટર્મિનલ જેવી જ ઘટના ઘટી. જર્મન નાગરિક એડગાર્ડ ઝિબાર્ટ વિયેતનામના હાનોઈ શહેરથી તુર્કીના ઇસ્તંબુલ શહેર જઈ રહ્યા હતા. દિલ્હીથી તેમની ફ્લાઇટ બદલાવાની હતી, કિંતુ ૧૮મીએ ભારતે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી નાખતા ઝિબાર્ટ ફસાઈ ગયા. આમ તો ફસાઈ ગયો કહેવું પડે. તે જર્મનીનો અપરાધી છે. ભારતે આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરી દેતા ફસાઈ ગયેલા તમામ વિદેશી નાગરિકોને તેમના દૂતાવાસે રહેવાની વ્યવસ્થા કરી દીધી, કિંતુ ઝિબાર્ટ અપરાધી હોવાથી જર્મનીએ તેના માટે કંઈપણ કરવાનો ઇનકાર કરી દીધો. 

ભારત સરકાર પણ તેને વિઝા આપવા માગતી નહોતી. આથી તેને એરપોર્ટ પર જ રોકાવું પડયું. ટ્રાન્ઝિટ એરિયામાં જ તેના માટે રેક્લાઇઝર, મચ્છરદાની, ટૂથપેસ્ટ અને ખાવાપીવાની કેટલીક ચીજોની વ્યવસ્થા કરવામાં આવી. ધ ટર્મિનલ ફિલ્મનું એરપોર્ટ ધમધમતું રહેતું હતું જ્યારે આઇજીઆઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓલમોસ્ટ સૂનું રહેતું હતું. પેસેન્જર ફ્લાઇટ્સ બંધ હતી, માત્ર કોમર્શીયલ ફ્લાઇટ્સ જ ઊડી રહી હતી. ઝીબાર્ટ ૫૫ દિવસ ત્યાં રહ્યો. તે કાકલૂદી કરતો હતો કે મારી પાસે અનેક દેશના વિઝા છે મને તેમાંથી કોઈ પણ દેશમાં મોકલી દો. ભારત સરકાર તેનામાં રસ લેતી નહોતી. છેવટે એક રિલીફ ઉડાનમાં તેને એમ્સ્ટર્ડમ મોકલી આપવામાં આવ્યો.

 ૧૯૭૫માં સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ આવી હતી, જો'ઝ. જો'ઝ એટલે જડબુ. તેમાં શાર્કના આતંકથી ભયભીત ટાપુની વાત છે. અમેરિકાના એક ટાપુ પર શાર્ક આવે છે અને જડબું ફાડીને સહેલાણીઓને ખાઈ જાય છે. બે કલાકની આ ફિલ્મમાં માત્ર ચાર મિનિટ માટે શાર્ક દેખાય છે, પણ તેનો ભય સતત બે કલાક સુધી પડદા પરથી હટવાનું નામ લેતો નથી. કોરોનાનું પણ એવું જ છેને. પૃથ્વીની આઠ અબજની વસ્તીમાંથી ૫૦ લાખ લોકોને કોરોના છે, પણ ભયનો પાર નથી. જો'ઝમાં શાર્ક દેખાતી નથી, પણ તેનો ભય સતત દેખાય છે તેમ કોરોનાય ન દેખાતો શત્રુ છે.

જો'ઝમાં જે શહેર દેખાડવામાં આવ્યું છે તેનો મેયર સ્થિતિને ગંભીરતાથી લેતો નથી. પોલીસ અધિકારી દ્વારા અપાતી ચેતવણીની ઉપેક્ષા કરે છે. ઉનાળામાં આ ટાપુ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. જો શાર્કનો ભય વાઇરલ બને તો સહેલાણીઓની સંખ્યા ઘટે. તે આવું હરગીઝ થવા દેવા માગતો નથી. અમેરિકા, બ્રિટન, ઇટલીએ આજ તો કર્યું. લોકડાઉન જ્યારે કરવાનું હતું ત્યારે કર્યું નહીં અને હવે પરિણામ ભોગવવા પડી રહ્યા છે.

કળા ખરેખર અદ્ભુત ચીજ છે. કલાકાર તો ઠીક ઉપરાંત જે વ્યક્તિ કળાનું ભાવન કરે છે, તેનો સ્વાદ માણે છે તેને પણ ભવિષ્યના સંકેતો મળવા લાગે છે. આ માટે ભવિષ્યવેત્તા તરીકેની વિશેષ લાયકાતની કોઈ જરૂર નથી. જોવાની વાત એ છે કે અમેરિકાના કલાકારોએ તેમની કળા દ્વારા ભવિષ્ય અંગે વ્યક્ત કરેલા ભયની તેમની સરકારે જ દરકાર કરી નહીં. પરિણામ દુનિયા જોઈ રહી છે. હવે મોડું થઈ ચૂક્યું છે. હવે આર્થિક પ્રવૃત્તિ સ્થગિત કરાવીને રોગ નિયંત્રણની કોશિશ કરવામાં આવે તો કોરોનામરોની સાથોસાથ ભૂખમરો પણ એટલો જ વિકરાળ થઈ શકે છે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- વેનેઝુએલાના પ્રમુખ નિકોલા મેડયુરોને પદભ્રષ્ટ કરવાની નિષ્ફળ કોશિશ કર્યા બાદ હંગામી પ્રમુખ જોન રેન્ડને રાજીનામું આપી દેવું પડયું હતું. તેણે કબૂલ્યું હતું કે અમેરિકા સાથે મળીને તેણે મેડયુરોને પદભ્રષ્ટ કરવાની કોશિશ કરી હતી. વેનેઝુએલામાં દુનિયામાં સૌથી વધુ તેલ ભંડારો છે. અમેરિકન કંપનીઓને તે સસ્તાભાવે અથવા મફતમાં જોઈએ છે એટલે આ બધી રાજરમત છે.

- અફઘાનિસ્તાનમાં બે ત્રાસવાદી હુમલા થયા હતા. પ્રથમ હુમલામાં ૨૪નાં મોત થયાં હતાં. મરનારમાં માતા, બાળકો, ડૉક્ટર અને પોલીસનો સમાવેશ થાય છે. બીજો હુમલો કબ્રસ્તાનમાં થયો હતો. તેમાં ૩૨નાં મોત થયાં હતાં. તાલિબાને બેમાંથી એકેય હુમલાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

- ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસને ફરમાન કર્યું છે કે અમેરિકામાં કાર્યરત ચીનના પત્રકારોના વિઝા દર ત્રણ મહિને રીન્યૂ કરવામાં આવશે. પહેલા આવું નહોતું. ચીન ટ્રમ્પના આ નિયમને તાનાશાહી ગણાવી રહ્યું છે. ચીન પણ ખરું છે. પોતાને ત્યાં તટસ્થ પત્રકારત્વ થવા નથી દેતું અને બીજા દેશોમાં તેમના પત્રકારોને બેરોકટોક પત્રકારત્વ કરવા દેવામાં આવે એમ ઇચ્છે છે.

- ઇજિપ્તનું અર્થતંત્ર કોવિડ-૧૯થી પડી ભાંગ્યું છે. તેને ફરીથી ઊભું કરવા આઇએમએફે ૨.૮ અબજ ડોલરનું બેઇલઆઉટ પેકેજ આપવાની ઘોષણા કરી છે. કોરોના ઇકોનોમીનો કેવડો મોટો ભોગ લેશે તેની કલ્પના કરવી કઠીન છે.

- વુહાનમાં કોરોનાના નવા કેસો નોંધાવાનું શરૂ થયું છે. જ્યાં સ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ હતી તે દક્ષિણ કોરિયામાં પણ જથ્થાબંધ નવા કેસ બહાર આવ્યા. ત્યાં નાઇટક્લબમાં મહાલવા આવેલા રસિયાઓ કોરોનાનો શિકાર બન્યા હતા.

Tags :