ચીની અસરઃ પાકિસ્તાન પત્રકારત્વ ખતમ કરવાના માર્ગે


- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- પાકિસ્તાન ભલે ધાર્મિક હોય અને ચીન ભલે નાસ્તિક, બંનેની કટ્ટરતાનો રંગ એક જ છેઃ પાક તેની રાહે હવે સોશિયલ મીડિયા પણ નિયંત્રિત કરી નાખશે

પાકિસ્તાન એક એવો સમાજ છે, જે આજે પણ એ જ જગ્યાએ છે જ્યાં ૧૯૪૭માં હતો.  કદાચ એથીય પાછળ. ૭૫ વર્ષના સમય ગાળામાં તેણે જેટલી વખત ઉપર ઊઠવાના પ્રયત્નો કર્યા છે તેટલી વાર વધારે નીચે પટકાયું છે. તેનું કારણ છે ત્યાંની ધાર્મિક કટ્ટરતા. તેને લીધે જ આજ સુધી ત્યાં લોકશાહી પાંગરી શકી નથી. હવે પાકિસ્તાનની આ કટ્ટરતામાં ચીની સંગનો રંગ ભળ્યો છે. ચીનમાં જેમ સ્વતંત્ર મીડિયા છે જ નહીં તેમ પાકિસ્તાનમાં પણ સ્વતંત્ર પત્રકારત્વને ખતમ કરવાની એક  ગુપ્ત ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. ત્યાં પત્રકારો પર હુમલા દિવસે-દિવસે વધતા જાય છે.

પાકિસ્તાની પત્રકારોને રોજ સેન્સરશિપ, હિંસા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે.  પાકિસ્તાન પ્રેસ ફ્રીડમના રીપોર્ટ પ્રમાણે પત્રકારો પર દમન વધી ગયું છે. ઑનલાઈન કામ કરતા પત્રકારો વારંવાર નફરત, ધમકી અને ગેરવર્તનનો શિકાર બને છે. આવી ધમકી માત્ર સરકાર સાથે સંકળાયેલા લોકો તરફથી જ નહીં, આમજનતાથી પણ મળે છે. ચીનમાં ઈન્ટરનેટ સંપૂર્ણપણે સરકારના નિયંત્રણમાં છે. હવે પાકિસ્તાનમાં પણ આ માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને સોશિયલ મીડિયા. 

પાકિસ્તાન મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએમડીએ) માટે એક નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે જે અનુસાર આ સંસ્થાને સમસ્ત પાકિસ્તાની મીડિયાને નિયંત્રિત કરવાનો એકાધિકાર મળી જશે. પત્રકારો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય સંસ્થા રીપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા આ નિર્ણયને સૌથી ખરાબ ગણાવી તેની ટીકા કરવામાં આવી છે.  

પાકિસ્તાનના આઈ.ટી. મંત્રાલયે ગેરકાનુની ઑનલાઈન સામગ્રી હટાવવા તથા અવરોધવા માટેનો એક પ્રસ્તાવ મૂક્યો છે, રીપોર્ટર્સ વિધાઉટ  બોર્ડર્સ સંસ્થાના મત પ્રમાણે આ કાયદાનો ઉપયોગ સોશિયલ મીડિયા પરના સ્વતંત્ર અવાજોને દબાવવા માટે થશે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં પાકિસ્તાન દુનિયાના ૧૮૦ દેશોમાંથી છેક ૧૪૫મા સ્થાને છે. પાકિસ્તાનમાં   સરકારી અધિકારીઓ દ્વારા મીડિયા પર સ્ટ્રકચરલ હુમલા કરવામાં આવે છે. 

સ્ટ્રક્ચરલ હુમલા એટલે? સ્વતંત્ર મીડિયા ગૃહ, તેના માલિકો અને પત્રકારો પર દબાણ કરવામાં આવે છે. વિજ્ઞાાપન દાતાઓને તે અખબાર કે ટીવી ચેનલને જાહેરાત ન આપવા પ્રેશર કરાય છે. લોકોના મત કરતા તમારો મત ભિન્ન હોય તો તમને અપરાધી તરીકે જોવામાં આવે છે. પત્રકારો પર હુમલા કરી તેમને માર મારવામાં આવે છે, અને એક પત્રકાર પર હુમલો થાય એટલે બીજા ચાર પત્રકારો ડરી આપોઆપ સાચું લખતા બંધ થઈ જાય છે. 

એક સમયે ઈમરાન ખાન પ્લેબોય તરીકે ઓળખાતા હતા, અતિઆધુનિક હતા. તેમણે ત્રણ લગ્ન કર્યા છે અને તેની પહેલી પત્ની તો મુસ્લિમ પણ નહોતી. તેની પહેલી પત્ની જેમિમાએ એક પુસ્તકમાં એવું લખ્યું છે કે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિકે ઈન્સાફમાં કોઈ મહિલા નેતાને આગળ આવવું હોય તો ઈમરાન ખાન સાથે હમબિસ્તર થવું પડતું. આ ઈમરાન ખાન છેલ્લા થોડા વર્ષોથી  અત્યંત કટ્ટરપંથી બની ગયા છે, ધાર્મિક અને રૂઢીવાદી બની ગયા છે. 

ચરમપંથીઓને મૂક સમર્થન પૂરું પાડે છે. તેમના શાસનમાં સ્વતંત્ર મીડિયા સામેની કાર્યવાહીએ વેગ પકડયો છે.  રીપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સએ જૂલાઈ મહિનામાં પ્રેસ વિરોધી રાષ્ટ્રાધ્યક્ષોની એક સૂચિ બનાવી હતી તેમાં ઈમરાન ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં પત્રકારો પર હુમલા ઉપરાંત તેમની સાથે વૈચારિક લડાઈ લડીને તેમને સેલ્ફ સેન્સરશિપ માટે પણ મજબૂર કરાય છે. ભૂતકાળમાં પણ ત્યાં સ્થિતિ એટલી સારી નહોતી પણ અત્યારે સૌથી ખરાબ છે.  

પાકિસ્તાનમાં મહિલા પત્રકારોને અવિરત ધમકી મળે છે. જેમાંથી મોટાભાગની ધમકીઓ તેમના પર બળાત્કાર કરવાની હોય છે પરિણામે  ઘણી મહિલા પત્રકારો સેલ્ફ સેન્સર કરે છે, સાચું લખવાનું બંધ કરી દે છે અને મૌન સેવે છે. કેટલાકે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડી-એક્ટિવ કરી નાખ્યું છે. પાકિસ્તાનના સરકારી અધિકારીઓ પણ પત્રકારો માટે ખરાબ ભાષાનો પ્રયોગ કરતાં ખચકાતા નથી. છેલ્લા છ મહિનામાં કેવળ ઈસ્લામાબાદમાં પત્રકારો પર હુમલાના ૩૦ બનાવ બન્યા છે. વળી આશ્ચર્ય તો એ છે કે એક પણ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી નથી. તેના કારણે પત્રકારો પરના હુમલાને ઓર પ્રોત્સાહન મળે છે.

ચીન ભલે નાસ્તિક હોય અને પાકિસ્તાન ભલે ધાર્મિક હોય બેયની કટ્ટરતાનો રંગ એક જ છે. પાકિસ્તાનમાં લોકશાહીનું વારંવાર અપમૃત્યુ થતું રહ્યું છે અને ચીનમાં તો લોકશાહી છે જ નહીં. ત્યાં થોડું ઘણું સ્વતંત્ર મીડિયા હતું તે પણ હવે પાકિસ્તાની શાસકો ચીનની તર્જ પર ચાલીને ખતમ કરી નાખશે. આમાં વાંક અમેરિકાનો પણ છે. 

જ્યારે પાકિસ્તાન અને અમેરિકા ગાઢ મિત્રો હતા ત્યારે અમેરિકાએ તેને લોકતાંત્રિક અને ફ્રી સોસાયટી બનવા માટે ફરજ  પાડી હોત તો આજે સાવ આવી સ્થિતિ હોત નહીં. જે ઈમરાન ખાનની યુવાની બ્રિટન તથા બીજા પશ્ચિમી દેશોમાં મોજશોખમાં વીતી છે તેમને આજે પશ્ચિમી સંસ્કૃતિ પાકિસ્તાનના યુવાનોને બરબાદ કરી દેનારી જણાય છે, હદ છે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- રશિયાએ એન્ટી સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ કરી પોતાના જ એક ઉપગ્રહને અવકાશમાં તોડી નાખ્યો હતો. તેના લીધે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સાત અવકાશ યાત્રીઓને કેપ્સ્યુલમાં છુપાઈ જવું પડયું હતું. અમેરિકાએ આ પરીક્ષણની નિંદા કરી આનો જવાબ આપવાની ચીમકી આપી હતી. 

- જો બાઇડન અને શી જિનપિંગ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. તેમાં જિનપિંગે ધમકી આપી કે તાઇવાનની આઝાદીને સમર્થન આપવું આગ સાથે રમવા બરાબર છે. બેઠક બાદ અમેરિકાએ પ્રેસનોટ પ્રસિદ્ધ કરી કે, અમેરિકા વન ચાઇના પોલિસી માટે પ્રતિબદ્ધ છે. આ પોલિસી અંતર્ગત તાઇવાનને ચીનનો હિસ્સો માનવામાં આવે છે.

- અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વચગાળાના વિદેશ મંત્રી અમિર કાન મુત્તકી પાકિસ્તાન અને ત્રાસવાદી સંગઠન ટીટીપી (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) વચ્ચે મધ્યસ્થતા કરી રહ્યા છે. ટીટીપી પશ્તૂનિસ્તાનની માગણી કરી રહ્યું છે. મુત્તકીએ એ પણ જણાવ્યું કે, અમે ભારત સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ઇચ્છતા નથી.

- કોરોના મહામારી બાદ સેમી કંડક્ટરની અછત ઊભી થતા મોટર કારના ઉત્પાદન પર અસર પડી છે. તેના કારણે નવી કાર મોંઘી થઈ ગઈ છે અને જૂની કારના પણ ભાવ ઊંચકાયા છે. આ અછત ક્યાં સુધી જારી રહેશે તે કહેવું મુશ્કેલ છે.

- ક્લાઇમેટ ચેન્જ મુદ્દે બ્રિટનના ગ્લાસગો શહેરમાં મળેલી સીઓપી-૨૬ની બેઠકમાં કોઈ સમજૂતિ સાધી શકાઈ નથી. વિકસિત દેશો એમ કહે છે કે કોલસાનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરવામાં આવે, પરંતુ વિકાસશીલ દેશો પાસે આર્થિક વિકાસ અને ગરીબી નિવારણ માટે બીજો કોઈ વિકલ્પ નથી, એવો મુદ્દો ભારત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

City News

Sports

RECENT NEWS