દુનિયા અને ભેદભાવઃ કરેલું સામે આવે છે
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- ભેદભાવ નામની મહામારી સહસ્ત્રાબ્દીઓથી કરોડો લોકોને મારી રહી છે, પણ તેની ન તો રસી શોધાઈ છે, ન કોઈ દવા
વિજ્ઞાાન અને વિદ્રોહ વચ્ચે એક સામ્ય રહેલું છે. એક હદથી વધારે ટેકટોનિક એક્ટિવિટી થયા બાદ ધરતી ફાટે છે, ધરતીકંપ આવે છે અને જ્વાળામુખીના મોઢા આગ ઓકવા માંડે છે. આઘાતનો પ્રત્યાઘાત સર્જાઇને જ રહે છે. દમન જ્યારે સીમા વટાવી જાય ત્યારે પણ આ જ રીતે મોટો પડઘો પડે છે. જયોર્જ ફ્લોઇડની હત્યા આઘાતને પ્રત્યાઘાતમાં પલ્ટાવનારું, ટેકટોનિક એક્ટિવિટીને જ્વાળામુખીમાં પરિવર્તિત કરનારું ચરમ બિંદુ પુરવાર થયું છે. આગ અને આંદોલન વચ્ચે પણ સામ્ય છે. આગને પગ હોય છે. તે ઉસેન બોલ્ટની ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે અને ચારેકોર ઝપાટાભેર ફેલાઇ જાય છે. અત્યારે વિશ્વમાં અશ્વેત સામે અત્યાચારના વિરોધની આગ વિશ્વના અનેક દેશોમાં ફેલાઇ રહી છે.
સદીની સૌથી મોટી મહામારી કોરોના પોતે એવડી મોટી લડાઇ છે કે દુનિયા તેની સામે પહોંચી વળવા સક્ષમ નથી. એવામાં અશ્વેતો પર અત્યાચાર સામે આંદોલનનું ફાટી નીકળવું ઘા પર ઘસરકા સરીખું છે. દુકાળમાં અધિક માસ જેવું છે. માણસ જાત શીતળા, સ્પેનીશ ફ્લુ, પોલિયો, સ્વાઇન ફ્લૂ, ઇબોલા, પ્લેગ આદિ મહામારીઓથી પરિચિત છે. તે ઉપરાંત બીજી કેટલીયે કેવી મહામારીનો સામનો કરી રહી છે જેના પર તેનું ધ્યાન ગયું નથી. એ મહામારીઓ છે રંગભેદ, જાતિવાદ, પ્રાંતવાદ, કોમવાદ, વિદેશીઓ પ્રત્યેની ધૃણા અને વર્ગ ભેદ. આ મહામારીઓથી માણસજાત વર્ષોથી પીડાઇ રહી છે, કિંતુ આજે પણ તેની કોઇ રસી કે દવા પ્રાપ્ય બની નથી. આ મહામારીઓ લાખો લોકોને મારી રહી છે. તેમ છતાં ન તો તેના પર ધ્યાન દેવાય છે, ન તો તેના પર ચિંતન થાય છે, ન તો તેને મટાડવાના સંનિષ્ઠ પ્રયાસો થાય છે. જે ઇલાજો કરવામાં આવે છે તે થૂંકને થીંગડાથી વિશેષ કશું સાબિત થઇ શકતાં નથી.
રંગભેદ, જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદ, વિદેશીઓ પ્રત્યેની ધૃણા અને વર્ગભેદ માનવતાની દ્રષ્ટિએ તો ખરાબ છે જ કિંતુ બીજી પણ ઘણી રીતે હાનિકારક છે. આ સ્કેલ એવડો મોટો છે કે ભેદભાવ કરનારો કે ભેદભાવને પોષનારો પોતે પણ ક્યારેક ને ક્યારેક તેનો શિકાર બની જવાનો.
દા.ત. કોઇ ઉચ્ચ જ્ઞાાતિની વ્યક્તિ બીજાને તુચ્છ સમજતી હોય તો તેણે પોતાના આર્થિક સ્ટેટસને કારણે અમીરોના ભેદભાવનો શિકાર બનવું પડે. મુંબઇમાંથી યુ.પી. અને બિહારના હિંદુઓને પરપ્રાંતીય કહીને ભગાડવામાં આવ્યાનું સુવિદિત છે. કોરોના ફાટી નીકળતાં પશ્ચિમી દેશોમાં ચીનના લોકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો તેનાથી ક્યાં કોઇ અજાણ છે? કોરોના વિદેશીઓથી ફેલાય છે એવું જાણવા મળતાં વિવિધ દેશના લોકોએ તેમને ત્યાં ફસાયેલા વિદેશીઓ સાથે ગેરવર્તન કર્યું. કોરોના ફાટી નીકળ્યા બાદ ભારતમાં ઉત્તરપૂર્વ રાજ્યોના લોકો સાથે તેમને ચાઇનીઝ માનીને ભેદભાવ કરાયો.
વિદેશમાં વસતા ભારતીયો સાથે ખરાબ વ્યવહાર થતો હોવાના દાખલા છાશવારે માધ્યમોમાં ચમકતા રહે છે. કોરોના પછી તો એવું વધારે થયું. વિદેશમાં ઓછો પગાર આપીને ભારતીયોની ટેલેન્ટનો ભરપૂર લાભ ઉઠાવી તોતીંગ નફાખોરી કરતી કંપનીઓએ કોરોનાજન્ય મંદીના આગમન બાદ તેમની છટણી કરવામાં એક મીનિટનો ય વિલંબ કર્યો નહીં.
ભેદભાવનો સ્કેલ એવડો મોટો છે કે તમે કોઇને કોઇ રીતે એના કુંડાળામાં આવી જ જાવ છો. કાં તમારી સાથે દિવ્યાંગ હોવાના નાતે ભેદભાવ કરાશે, કાં ગરીબ હોવાના નાતે ભેદભાવ કરાશે, કાં ચામડીનો કલર કાળો હોવાના નાતે ભેદભાવ કરાશે, કાં પરપ્રાંતીય હોવાના નાતે ભેદભાવ કરાશે, કાં વિદેશી યા વિધર્મી હોવાના નાતે ભેદભાવ કરાશે. આ ચક્રવ્યૂહના બારીકિથી સમજવાની કોશિશ કરીએ તો સમજાય કે આ બીજું કશું જ નથી, પણ આપણે જ આપણને કરડી રહ્યા છીએ. પોતે જ પોતાના હાથ-પગને બટકા ભરી કાચા માંસના લોચા ચાવી રહ્યા છીએ. આપણે પોતે શિકાર હોવા છતાં બીજાને શિકારી બનાવતા પહેલાં એક ઘડીનોય વિચાર કરતા નથી. આ બધાની એક હદ તો હોય ને. હદ વટી જતાં આંદોલનનું પૂર કાંઠા તોડીને વહેવા લાગ્યું છે.
કોરોના જેવી મહામારી વચ્ચે પણ આંદોલન ફાટી નીકળ્યું તેના પરથી સમજી શકાય છે કે દમનની તીવ્રતા કેટલા રિક્ટર સ્કેલની હશે? જે લોકો શોષિત છે, દમિત છે તેમની સહનશક્તિનો પારો થર્મોમીટરની બહાર નીકળી ગયો છે. તેમના માટે કોરોનાનું હોવું અને ન હોવું એકસમાન ગૂંગળામણ આપનારુંં બની ગયું છે. જ્યોર્જ ફ્લોઇડને દુનિયા ભરમાંથી શ્રદ્ધાંજલિઓ અપાઇ કારણ કે તેની પીડા વિશ્વવ્યાપી છે. અમેરિકાના ૫૦ પ્રાંતમાં વિરોધ પ્રદર્શનો થયો અને દુનિયાના ૫૦ દેશોમાં સીરિયાના ઇદલીબ શહેરમાં બોંબથી તબાહ થયેલી ઇમારતની દીવાલ પર જ્યોર્જનો પ્રોટ્રેટ બનાવાયો. બ્રિટનના બ્રીસ્ટલ શહેરમાં ૧૭મી સદીમાં ગુલામોનો વેપાર કરતા એડવર્ડ કોલસ્ટોનની પ્રતિમા ઊભી છે તે ધ્વસ્ત કરી નાખવામાં આવી. અમેરિકા ખંડની શોધ કરીને ત્યાંથી રેડ ઇન્ડિયન્સને ગુલામ બનાવી પોતાના વતન લઇ જનારા ક્રીસ્ટોફર કોલંબસની પ્રતિમા ભો ભેગી કરી દેવાઇ છે.
જ્યોર્જ ફ્લોઇડની હત્યા અમેરિકાના પોલીસવાળાએ કરી હોવાથી ત્યાંના પોલીસ ખાતામાં બદલીનો દોર શરૂ થઇ ગયો છે. જ્યોર્જ ફ્લોઇડ મેમોરિયલ ફંડમાં ૧૫ લાખ ડોલર એકઠા થઇ ગયા છે. શોષણ, દમન અને વર્ગભેદનો શિકાર બનેલા લોકોને સોશિયલ મીડિયા પર વાચા ફૂટી છે. તેઓ નિર્ભિકપણે અને મોંકળા મને પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બ્લેક આઉટ ટયુસ્ડે અંતર્ગત કાળી પટ્ટી દેખાડવામાં આવી. વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન પ્રમુખના નિવાસસ્થાન વાઇટ હાઉસ જતી એક સડકનું નામ બ્લેક લાઇવ્ઝ મેટર પ્લાઝા રાખી દેવામાં આવ્યું છે. જાણે કે જ્યોર્જ વોશિંગ્ટનનું અમેરિકા હવે જ્યોર્જ ફ્લોઇડનું અમેરિકા બની ગયું છે. રંગભેદ વિશે અસંવેદનશીલ હોય એવા કાર્યક્રમોને ઓનલાઇન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવી રહ્યા છે.
પોતે કોઇ પ્રકારના ભેદભાવનો ભોગ ન બને એટલા ખાતર પણ દરેક પ્રકારના ભેદભાવને તિલાંજલિ આપવાની જરૂર છે. માનવ જાતિના ઇતિહાસમાં આપણો જેટલો પણ વિકાસ થયો છે તેમાં માત્ર ને માત્ર બુદ્ધિ પ્રતિભાએ જ ભૂમિકા અદા કરી છે, ન કે ચામડીના રંગે, કે જ્ઞાાતિના ઘમંડે. આપણે કેવી દુનિયા જોઇએ છે તે આપણે નક્કી કરવાનું છે. બાકી જે પીડિત છે, શોષિત છે, દમિત છે તે કાયમ કંઇ મુંગા મોંઢે માર ખાવાના નથી. હવે એ સમય સમાપ્ત થઇ ચૂક્યો છે.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- લિબિયાની સેનાએ બળવાખોર મિલિટરી જનરલ ખલિફા હફ્તારના ત્રાસવાદીઓને રાજધાની ત્રિપોલીમાંથી હાંકી કાઢ્યા છે. હફ્તારને તેના સંગઠને છેલ્લા ૧૪ મહિનાથી રાજધાનીને કબજામાં રાખી હતી. તેને રશિયાનું સમર્થન હતું જ્યારે લિબિયન સેનાને તુર્કીનું સમર્થન છે.
- રશિયાએ સિરિયામાં બળવાખોરોના કબજામાં રહેલા અંતઃપ્રદેશો પર બોંબમારો કર્યો હોવાની આશંકા છે. તુર્કી અને રશિયાએ માર્ચમાં સીરિયામાં યુદ્ધવિરામ સંધિ કરી હતી. જેનો રશિયાએ ભંગ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
- બુરુન્ડીના પ્રમુખ પેરી કુરુન્ઝીઝાનું કોવિડ-૧૯થી મૃત્યુ થયુ છે. ઓગસ્ટમાં તેનો કાર્યકાળ સમાપ્ત થવાનો હતો. કોરોના ફાટી નીકળ્યા બાદ તેણે વિધાન કરેલું ભગવાન આપણને આ વાઇરસથી બચાવશે. તેની આવી અંધશ્રદ્ધાએ હજારો બુરુન્ડીડીવાસીઓની સાથોસાથ તેનો પણ ભોગ લઇ લીધો છે.
- શિક્ષકો અને સ્થાનિક સત્તાધીશોના વિરોધને પગલે બ્રિટનની સરકારે શાળાઓ ફરીથી શરૂ કરવાનું માંડી વાળ્યું છે. માધ્યમિક શાળાઓ સપ્ટેમ્બર મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
- બ્રાલના આરોગ્ય મંત્રાલયે તેની વેબસાઇટ પરથી કોરોના પીડિતોના આંકડા હટાવી લીધા છે. બ્રાઝિલના માથા ફરેલા પ્રમુખ જેર બોલ્સોનારોએ મુર્ખામીભર્યો બચાવ કર્યો કે, કુલ આંકડા વર્તમાન સ્થિતિનો ચિતાર આપતા નથી. આને કહેવાય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.