For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇઝરાયલ: નેતન્યાહુની વિદાય શા માટે થઈ?

Updated: Jun 18th, 2021

Article Content Image

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- તેમણે સૌથી લાં...બા સમય, 15 વર્ષ સુધી સત્તા ભોગવી: પોતે વડા પ્રધાન હોય ત્યારે જ તેમની સામે ભ્રષ્ટાચાર મામલે તપાસ થઈ હોય એવા પણ તેઓ પહેલા ઇઝરાયલી નેતા

નિવૃત્ત થવું એ પણ એક કળા છે. ચાહે રાજનીતિ હોય કે રમત ક્ષેત્ર કે બીજું કોઈ પણ ફીલ્ડ. સમયસર જેને નિવૃત્ત થતા આવડયું તે હંમેશા માટે મેદાન મારી જાય છે. આ કળા શીખવી બહુ જ અઘરી છે. હજુ થોડુંક પ્રાપ્ત કરી લઉં-ની લાલચ કેડો મૂકતી નથી. ને પછી સ્થિતિ ગાલિબના પેલા શેર જેવી થાય છે. બહોત બેઆબરુ હો કર તેરે કુચે સે હમ નીકલે. બેન્યામિન નેતન્યાહૂ ચાર-ચાર વખત બહુમત હાંસલ ન કરી શક્યા પછી પણ તેઓ એ સ્વીકારવા તૈયાર નહોતા કે ઈઝરાયલની જનતા હવે તેમને સપોર્ટ કરતી નથી. ખુરશી તેમને ચુંબકની જેમ પકડી રાખતી હતી. અંતત: વિશ્વાસ મતમાં તેમની હાર થઈ અને તેમને લગલગાટ ૧૨ વર્ષ સુધી પદ ભોગવ્યા પછી પેવેલિયન તરફ જવું પડયું છે.

માણસ માત્ર ગ્રે શેડમાં હોય છે. થોડોક સારો, થોડોક ખરાબ. થોડોક કાળો થોડોક ધોળો. કોઈનામાં બ્લેક શેડ વધારે હોય છે. કોઈનો વાઇટ. નેતાઓ પણ એ જ રીતે ડાર્ક ગ્રે અથવા લાઇટ ગ્રે હોય છે. બિન્યામિન નેતન્યાહૂએ ઈઝરાયલ માટે ઘણા સારા કામ કર્યા છે. એ માટે તેમની સુવાસ કાયમ રહેવાની છે. તેઓ સત્તામાંથી ભલે ગયા, પરંતુ તેમણે સ્થાપેલી નીતિઓ સત્તામાંથી જવાની નથી. સાથોસાથ તેમનામાં બ્લેક શેડ પણ જોવા મળ્યો. ૧) પોતાની નબળાઈને, પોતાની ભૂલોને ઢાંકવા માટે રાષ્ટ્રવાદ અને આંધળી દેશભક્તિનો ઉપયોગ કર્યો. ૨) પોતાનું જ ધાર્યું કર્યું. પોતાના સાથીઓને ક્યારેય સાંભળ્યા નહીં. ઇઝરાયલ એક લોકશાહી દેશ છે, પણ તેમનું વલણ બિનલોકતાંત્રિક રહ્યું. ૩) ભ્રષ્ટાચાર. ૪) બોલીને ફરી જવું.

તેમના ભાઈ જોનાથન નેતન્યાહૂ ઈઝરાયલના નેશનલ હીરો તરીકે ઓળખાય છે. તેલ અવીવમાં જન્મેલા બિન્યામિન અમેરિકામાં ભણ્યા છે. તેઓ અમેરિકન એક્સન્ટમાં અંગ્રેજી બોલી શકે છે અને એટલે જ અમેરિકી નેશનલ મીડિયામાં, ટીવી ડીબેટ્સમાં બહુ સારી રીતે ઈઝરાયલનો પક્ષ મૂકી શકે છે. હાલ બિન્યામિનના સ્થાને વડા પ્રધાન બનેલા નેફ્ટાલી બેનેટનો પણ આ સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે.

તેઓ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રાજનીતિમાં જોડાયેલા. ૧૯૯૬થી ૧૯૯૯ સુધી વડા પ્રધાન રહ્યા અને ત્યાર બાદ ૨૦૦૯થી સળંગ ૨૦૨૧ સુધી. વખતે-વખતે તેમણે સ્ટેન્ડ પણ બદલ્યું છે. ૨૦૦૯માં તેમણે પેલેસ્ટિનિયનો સાથે શાંતિ વાર્તા યોજવા માટે વેસ્ટ બેંકમાં ઇઝરાયલી વસાહતોનું નિર્માણ રોકી દીધેલું. તેમણે પેલેસ્ટાઇન રાષ્ટ્રનો પણ શરતોને આધીન સ્વીકાર કરેલો. એ મંત્રણા નિષ્ફળ નીવડી. ૨૦૧૫માં તેમણે પલ્ટી મારી. તેમણે નિવેદન આપ્યું, જો હું પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈશ તો પેલેસ્ટાઇન રાષ્ટ્રની સ્થાપના થશે નહીં. પેલેસ્ટાઇનને આખી દુનિયા સ્વીકારી ચૂકી છે. બિન્યામિન મજબૂત નેતા રહી ચૂક્યા છે. તેઓ ચાહત તો આ મુદ્દે નીવેડો લાવી શકત. ૧૫ વર્ષ સુધી વડા પ્રધાન રહ્યા, પણ તેમને કદાચ નીવેડો લાવવા કરતા વીસ્વયંને છવાઈ જવામાં વધારે રસ હતો.

બરાક ઑબામા સાથે તેમના સંબંધો તનાવપૂર્ણ રહ્યા. ડોનલ્ડ ટ્રમ્પ સાથે એટલા જ સારા રહ્યા. ટ્રમ્પ સાથેના સંબંધોનો તેમણે લાભ ઉઠાવ્યો. જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા અપાવી. ગોલાન હાઇટ્સ પર ઇઝરાયલના કબજાને માન્યતા અપાવી. ટ્રમ્પ કેટલા મોટા વિભાજનકારી છે તે આખી દુનિયા જાણે છે. બિન્યામિન નેતન્યાહૂ તેમના પ્રખર સમર્થક રહ્યા તેનો અર્થ શું સમજવાનો? અગ્રી કે ઇઝરાયલ બહાદૂર છે. તેના કારનામા રોમાંચક છે, કિન્તુ તેનો અર્થ એ નથી કે તે દરેક બાબતે સાચું જ હોય. શક્તિ જ અંતિમ સત્ય નથી. આધુનિક વિશ્વ માનવતાવાદ અને સત્યની પણ ડીમાન્ડ કરે છે.

લાંબા સમયથી તેમની સામે ભ્રષ્ટાચારના પણ આક્ષેપ થાય છે. તેઓ આ આક્ષેપને ડાબેરીઓનું ષડયંત્ર કહીને નકારી કાઢે છે. પોતાના વિરોધીઓને ડાબેરી કહી દેવાની બીમારી તેમને પણ કોઠે પડેલી છે. તેમની સામે તપાસ પણ ચાલી રહી છે. તેઓ ઈઝરાયલના એક માત્ર પ્રધાનમંત્રી છે જેઓ પદ પર હોય અને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે તપાસ ચાલતી હોય. ઇઝરાયલની જનતાને તો ક્યારનોય તેમનાથી મોહભંગ થઈ ગયો છે. પૂરતો બહુમત ન મળતા છેલ્લા બે વર્ષમાં ઈઝરાયલમાં ચાર વખત સામાન્ય ચૂંટણી યોજાઈ ચૂકી છે. દર વખતે નેતન્યાહૂ કોઈ રાષ્ટ્રવાદી મુદ્દો ઉઠાવી પોતાની તરફેમણમાં માહોલ ઊભો કરવાની ટ્રાય કરે છે. દર વખતે નિષ્ફળ ગયા.

સારામાં સારી વ્યક્તિના પરફોર્મન્સનો પણ એક એન્ડ હોય છે. તે પછી પણ તમે તખ્તા પરથી ન ખસો તો લોકો હુટિંગ કરીને તમને ખસેડશે. બિન્યામિન નેતન્યાહૂના કેસમાં પણ આખરે એવું થયું. વિપરીત વિચારધારાના પક્ષો એકઠા થયા અને તેમણે સરકાર રચી છે.

ઇઝરાયલની રાજનીતિમાં નેતન્યાહૂને જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. સમય બદલાય ત્યારે સારામાં સારા જાદુગરનો પણ જાદુ ઓસરી જાય છે. બિન્યામિન નેતન્યાહૂનો જાદુ શા માટે ન ઓસરે? નેસેટમાં ફ્લોર ટેસ્ટમાં ૬૦ વિ. ૫૯ મત પડતા તેમને પરાજિત થવું પડયું. જોકે ઈઝરાયલની રાજનીતિમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો એવું કહેવું ઉતાવળ ભરેલું ગણાશે. હજી પણ તેઓ લિકુડ પાર્ટીના પ્રમુખ અને નેતા વિપક્ષ છે. તેમણે કહ્યું કે, મેં વાપસ આઉંગા... નેફ્ટાલીના ગઠબંધનને તેમણે ડાબેરીઓનું ષડયંત્ર અને દેશ માટે જોખમી ગણાવ્યું છે.

નેફ્ટાલી બેનેટ એક સમયે નેતન્યાહૂના સાથી હતા. તેમણે વડા પ્રધાન બનતા વેત કહ્યું, હું ધુ્રવીકરણની શાસન શૈલીને સમાપ્ત કરીશ. નેફ્ટાલી નેતન્યાહૂ કરતા વધારે કટ્ટર રાષ્ટ્રવાદી મનાય છે. તેઓ આવું કહે છે તેના પરથી સમજી શકાય છે કે ઇઝરાયલ કટ્ટરતાનો કઈ હદે શિકાર બન્યું છે. બિન્યામિન નેતન્યાહૂએ તેને નેફ્ટાલી સાથે વડા પ્રધાન પદ શેર કરવાની તેને ઑફર કરી હતી. એક જ વિચારધારાના નેતા હોવા છતાં નેફ્ટાલીએ તેમની ઑફર ફગાવી દીધી. કેમ? કારણ કે તેઓ આ માણસની આપખુદશાહીથી ત્રસ્ત હતા. તેના બદલે તેમણે જુદી-જુદી વિચારધારાના આઠ રાજકીય પક્ષો સાથે ગઠબંધન રચીને સરકાર બનાવી.

આવું કરીને તેમણે ભિન્ન વિચારધારાનું સન્માન કર્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે, તમે જે વિચારધારામાં ન માનતા હો એ વિચારધારાના લોકોને દેશદ્રોહી કહી દેવા એ હવે આજના સમયમાં ચલાવી શકાય એમ નથી. ને બિન્યામિન નેતન્યાહૂ જેવી આત્મમુગ્ધતા પણ ચલાવી શકાય એમ નથી કે જે પોતાને એક ને જ રાષ્ટ્રવાદી માને અને એ સિવાય પોતાના રાષ્ટ્રવાદી સાથીઓને પણ કંઈ ન ગણે. સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી નેફ્ટાલી વડા પ્રધાન રહેશે અને ત્યાર બાદ બે વર્ષ યેર લેપિડ. નેફ્ટાલી યહૂદી રાષ્ટ્રના સમર્થક હોવા છતાં તેમણે આવી ઉદારતા બતાવી છે.

આ ગઠબંધનમાં યુનાઇટેડ આરબ પાર્ટી સામેલ છે. જે ઈઝરાયલમાં વસતા અરબીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે પક્ષને અરબી ભાષામાં રા'મ તરીકે ઓળખવામાં આવે છે. ઇઝરાયલમાં વસતા યહુદીઓ અને અરબીઓ વચ્ચે શાંતિ સ્થપાય તથા પેલેસ્ટિનિયનો અને ઇઝરાયલીઓ વચ્ચે પણ સમાધાન થાય તેમાં જ તેમને અને જગતનું હિત રહેલું છે.

Gujarat