બલૂચિસ્તાનીઓ શા માટે ચીનનો વિરોધ કરે છે?
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જના 40 ટકા શેર ચીન પાસે હોવાથી હવે તેના મેનેજમેન્ટ પર ચીને કબજો કરી લીધો છેઃ જે બલૂચીઓને દેખાય છે તે પાકિસ્તાનીઓને દેખાતું નથી
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થઇ રહેલા ચાઇના- પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો વિરોધ જેમ આપણે કરી રહ્યા છીએ તેમ કેટલાક પાકિસ્તાનીઓ પણ કરી રહ્યા છે. એ પાકિસ્તાનીઓ એટલે મૂળે બલૂચિસ્તાનીઓ અને બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા માટે સરકાર સામે લડી રહેલા યોદ્ધા. તેઓ પાકિસ્તાનના સત્તાધીશો સાથે પણ ઘર્ષણમાં છે એવામાં ચીનની ઉપસ્થિતિ તેમને વધારે અખરી રહી છે. તેનો જવાબ તેઓ હિંસક હુમલા કરીને આપતા રહે છે.
ગત સપ્તાહે કેટલાક વિદ્રોહીઓએ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર હુમલો કર્યો. તેમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના બે ગાર્ડ અને કરાંચીના એક પોલીસ કર્મીનું મૃત્યુ થયું. હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ સ્વીકારી. અલગ દેશની માગણી કરી રહેલા આ સંગઠનને પાકિસ્તાન તથા અમેરિકાએ આતંકી ઘોષિત કરેલું છે. બીએલએ પાકિસ્તાનની રાજધાની કરાંચીમાં આ પહેલાં પણ હુમલા કરી ચૂક્યું છે. જેમ કે નવેમ્બર ૨૦૧૮માં ચીનના વાણિજ્ય દૂતાવાસ પર એટેક કરેલો. તેમાં ૨ પોલીસ અધિકારીઓ અને વિઝા લેવા માટે ગયેલા બે પાકિસ્તાની નાગરિકોનું મોત થયું હતું. ચીનને તેઓ સવિશેષ ટાર્ગેટ કરી રહ્યા છે. છેલ્લાં ચાર વર્ષમાં ચાઇનીઝ નાગરિકો પર ડઝનથી વધુ હુમલા કરી ચૂક્યું છે.
ગત મેમાં બીએલએએ પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં ફાઇવ સ્ટાર હોટલ પર હુમલો કરેલો. હોટલમાં રોકાયેલા ચાર ચાઇનીઝ નાગરિકો તથા એક જવાનનું મોત થયેલું. તેઓ વધુમાં વધુ ચાઇનીઝ નાગરિકોને મારવા માગતા હતા પણ કેવળ ચારને જ ટાર્ગેટ કરી શક્યા, બાકીનાને પાકિસ્તાનના સુરક્ષા દળોએ બચાવી લીધા. ગત વર્ષે માર્ચમાં સીપેક (ચાઇના - પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર)માં કાર્યરત ચાઇનીઝ એન્જિનિયરોના ૨૨ વાહનોના કાફલા પર હુમલો થયેલો. તેમાં કેટલાક ચાઇનીઝ કર્મચારીઓ સહિત ઘણાં બધા લોકો ઘાયલ થયેલા. ફેબુ્રઆરીમાં બલૂચિસ્તાનમાં સિપેક અંતર્ગત બની રહેલા એક માર્ગ પર આત્મઘાતી હુમલો થયેલો. તેમાં નવ જણાંના મોત થયા હતા. તેને બલૂચિસ્તાન લિબરેશન આર્મી, બલુચિસ્તાન લિબરલ ફ્રન્ટ અને બલૂચ રિપબ્લીકન ગાર્ડ આ ત્રણ સંગઠનોએ મળીને અંજામ આપ્યો હતો.
બીએલએ છેલ્લા ચાર વર્ષથી માત્રને માત્ર ચાઇનીઝ નાગરિકોને જ ટાર્ગેટ કરતું આવ્યું છે, તો પછી સ્ટોક એક્સચેંજ પર હુમલો શા માટે કર્યો? એ સવાલ ઊભો થાય છે. બીએલએ જવાબ આપે છે આ હુમલાનો ઉદ્દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને ચીનને મોટું નુકસાન પહોંચાડવાનો હતો. બીજો સવાલ એ થાય કે પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર હુમલાથી ચીનને નુકસાન કેવી રીતે પહોંચે? તેનો જવાબ પાકિસ્તાનના અર્થ વિશેષજ્ઞાો પાસેથી મળે છે. ચીને છેલ્લાં થોડા વર્ષમાં પાકિસ્તાની શેર બજારમાં મોટું રોકાણ કર્યુ છે. ડોનના અહેવાલ પ્રમાણે ચીને ૨૦૧૬માં પીએસઇના ૪૦ ટકા શેર ખરીદી લીધા હતા.
ત્યારથી પાકિસ્તાની સ્ટોક એક્સચેંજ ના મેનેજમેન્ટ પર તેમનો કબજો થઇ ગયો છે. પીએસઇના ૩૦ ટકા શેર શાંઘાઇ સ્ટોક એક્સચેંજ, શેન્ઝેન સ્ટોક એક્સચેંજ અને ચાઇના ફાઇનાન્સિયલ ફ્યુચર એક્સચેંજ પાસે છે. પાંચ-પાંચ ટકા શેર પાકિસ્તાનની બે કંપનીઓ પાસે છે. જેમાં ચીન પોતાનું રોકાણ ધરાવે છે. પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ મારફતે ચીન સિપેક માટે અબજો ડોલર એકત્રિત કરી રહ્યું છે. પીએસઇના નિર્દેશક આબિદ અલી હબીબ કહે છે ચીનના રોકાણને કારણે શેર બજારને ધમકી મળી રહી છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી અત્યાર સુધી પાકિસ્તાન સરકાર સામે લડતી આવી છે. છેલ્લાં થોડા વર્ષોથી તેનું નાળચું ચીન તરફ ફરી ગયું છે.
ચીન દ્વારા પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ૬૦ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. તે પોતાનું રોકાણ સતત વધારતું જાય છે જે બીએલએને ખૂંચી રહ્યું છે. ચીને કુલ જેટલું રોકાણ કર્યું છે તેમાંથી મોટા ભાગનું બલુચિસ્તાનમાં કર્યું છે. ડ્રેગને ગિલગીટ અને બાલ્ટીસ્તાનમાં રોકાણ કર્યું હોવા સામે જેમ આપણને વાંધો છે, તેમ બલૂચીઓને પણ તેમને ત્યાં થયેલા રોકાણ સામે વાંધો છે. તેઓ આ બાબતને ચીનની ચઢાઇ, ચીનના અતિક્રમણ તરીકે જોઇ રહ્યા છે. સિપેકનો સૌથી મહત્ત્વનો ભાગ ગ્વાદર બંદરગાહ છે. તે બલૂચિસ્તાનમાં આવે છે. ચીન આ વિસ્તારમાં ઇકોનોમિક કોરિડોર ઉપરાંત બીજા ઘણાં બધા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યું છે. જેમ કે પાયાગત માળખું, પરિવહન, ઊર્જા પરિયોજનાઓ વગેરે. ઊર્જા પરિયોજના અંતર્ગત એલએનજી ગેસ ટર્મિનલ અને ગેસ પાઇપલાઇનમાં પણ રોકાણ કરી રહ્યું છે.
ગ્વાદર બંદરગાહ નજીક સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન બનાવી રહ્યું છે. તેમાં ચીનના પાંચ લાખ નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા હશે. ચીને પાકિસ્તાનમાં કરેલા રોકાણનું સૂક્ષ્મ અવલોકન કરીએ તો સમજાય છે કે બલુચિસ્તાન તેમના રોકાણની કરોડરજ્જુ છે. પાકિસ્તાની મીડિયા ભ્રમ સેવે છે કે ચીને કરેલું રોકાણ પાકિસ્તાનનું આર્થિક ભાગ્ય બદલી નાખશે. બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ તો થવું જ છે, એ સિવાય પણ તેને બીજો વાંધો એ છે કે ચીને કરેલા રોકાણનો તેમને કોઇ ફાયદો મળે એમ નથી. ચીનની એકપણ યોજના સ્થાનિક બલૂચીઓ માટે રોજગાર ઊભો કરી રહી નથી. મેનપાવર હોય, મટિરિયલ હોય કે મશીનરી બધે જ ચાઇનીઝનો ઉપયોગ થઇ રહ્યો છે. પ્રોજેક્ટના કોન્ટ્રાકટ પણ ચીની નાગરિકોને જ આપવામાં આવી રહ્યા છે.
સ્વાભાવિક છે કે મોટી-મોટી યોજનાઓ માટે જમીનની પણ જરૂર પડે. ચીનના ઇશારે પાકિસ્તાની સરકારે બલુચિસ્તાનમાં મોટાપાયે જમીનો પડાવી છે. તે બદલ સ્થાનિક લોકોને યોગ્ય વળતર ન મળ્યુ હોવાથી પણ તેઓ નારાજ છે. એવો પણ આરોપ લગાવાય છે કે સીપેકની યોજનાઓમાં પારદર્શકતાનો અભાવ છે, અને એ અભાવનો જ લાભ ઉઠાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. બ્રિટનમાં વસતા ખ્યાત બલૂચ રાષ્ટ્રવાદી નેતા મેહરાન મીર એક ઇન્ટરવ્યુમાં બલુચિસ્તાનીઓને સલાહ આપી છે કે ચીનાઓથી સાવધાન રહેજો, તે તમારા બાળકોનું ભવિષ્ય ખાવા માટે આવી રહ્યા છે.
સીપેકની ઘોષણા થઇ ત્યારથી લઇને અત્યાર સુધી એક પણ વખત એવું કહેવામાં આવ્યું નથી કે આ રોકાણનો બલૂચીઓને લાભ થશે. નોટ ઇવન ઇન ગર્વમેન્ટ ડોક્યુમેન્ટસ. કદાચ એટલા માટે કેમ કે પાકિસ્તાનીઓ બલૂચીઓ પ્રત્યે ઘૃણા સેવે છે. તેમના વિકાસમાં તેમને લગીરેય રસ નથી.
કેટલાક આર્થિક વિશેષજ્ઞાો જણાવે છે કે, જ્યારથી બલુચિસ્તાનમાં ચીનની આર્થિક યોજનાઓ શરૂ થઇ છે ત્યારથી ત્યાં વેપારની સંભાવનાઓ જોઇને અન્ય પ્રાંતના લોકો પણ મોટાપાયે રોકાણ કરવા લાગ્યા છે. મિડિયા રીપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાની પંજાબીઓ બલૂચિસ્તાનમાં ગ્રામીણ વિસ્તારોમાં સસ્તા ભાવે જમીન ખરીદવા લાગ્યા છે.
બલૂચિસ્તાનના અલગાવવાદી સંગઠનની સાથોસાથ ત્યાંના સ્થાનિક લોકોને પણ લાગે છે કે ચીનની યોજનાઓ બલૂચોને બરબાદ કરી દેશે. તેઓ ન માત્ર પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ પોતાની જમીનો ગુમાવી દેશે, બલ્કે પોતાની ઓળખ પણ ગુમાવી દેશે. એટલે જ બલુચિસ્તાન લિબરલ આર્મીની સાથોસાથ ત્યાંના સામાન્ય નાગરિકો પણ ચીનની વિરુદ્ધ થઇ ગયા છે.
ગત વર્ષે એક હુમલા બાદ બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાન અને ચીની સરકાર માટે એક સંદેશ જારી કર્યો હતો, બીએલએના કમાન્ડર જીયન બલૂચે કહ્યું અમારા યોદ્ધાઓ જમીનની રક્ષા કરવા સક્ષમ છે. બીએલએની નીતિ સ્પષ્ટ છે તે ચીન કે બીજી કોઇ પણ બહારી શક્તિને તેમના વિસ્તારની ધનસંપદા લૂંટવા દેશે નહીં. પાકિસ્તાન સરકાર અને ચીન બંને બલૂચિસ્તાનમાં બલૂચોની ઓળખ ખતમ કરવા માગે છે. પાકિસ્તાન જ્યાં સુધી ચીન સાથે પોતાની સાંઠગાંઠ સમાપ્ત નહીં કરે ત્યાં સુધી આ પ્રકારના હુમલા થતા રહેશે.
એક બાજુ અર્થવ્યવસ્થા અને રાજનીતિ પ્રતિદિન નાગરિક કેન્દ્રિત બનતા જાય છે ત્યારે બીજીબાજુ કોઇ ચોક્કસ જગ્યાના સામાન્ય લોકોને ખતમ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે તે જબરો વિરોધાભાસ છે. આ તે કેવું આશ્ચર્ય છે કે કેટલાક દેશો તેમની આર્થિક પ્રગતિનો શીલાલેખ અમુક વર્ગના લોકોની કબરના પથ્થર પર લખવા માગે છે. ચીન અને પાકિસ્તાનના આવા વિકાસ દૃષ્ટિકોણ પર હાક થૂ.