Updated: Dec 17th, 2021
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- આ આખી કથામાં બીજી વાત એ સમજવા જેવી છે કે ચીનને વિશ્વમાં નંબર વન ધનાઢ્ય દર્શાવતી તેની કુલ સંપત્તિમાંથી ઘણો બધો હિસ્સો ખાલી ફલેટ્સ રૂપે છે. ચીનનો આર્થિક વિકાસ પણ આવી જ રીતે ભીતરથી ખાલી અને ખોખલો છે
કૃત્રિમ અને કુદરતી વચ્ચે એટલો જ ફરક છે, જેટલો કેરી પીસીને કાઢેલા રસ વચ્ચે અને કેરીના એસેન્સવાળા પપૈયાના રસ વચ્ચે છે. કોઈ પણ બાળક કુદરતી ક્રમમાં મોટું થાય અને તેને દવાઓ આપીને વિકસાવવામાં આવે તો પહેલી નજરે બીજું બાળક વધારે વિકસિત લાગશે પણ આંતરિક મજબૂતી પહેલા બાળકની વધારે હોય. બોડી બિલ્ડરો, જિમના વ્યસનીઓ નાની ઉંમરે મૃત્યુ પામ્યાના સમાચાર આપણને અવાર-નવાર વાંચવા મળે છે. તેનું એક માત્ર કારણ છે અકુદરતી વિકાસ. તમે જે કંઈ મારી-મચડીને કરો છો, ચ્યુઈંગમની જેમ પરાણે ખેંચીને કરો છો, પ્રકૃતિના લયમાં નથી કરતા, તે પોઝિટીવ હોય તો પણ પરિણામ નેગેટિવ મળે છે. ચીનનો વિકાસ પણ બિલકુલ આવો જ છે. તે એટલી અસહજ રીતે કરવામાં આવ્યો છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. બહારથી જાયન્ટ લાગે છે પણ અંદરથી બોદો છે. બહારથી ડ્રેગન લાગે છે પણ અંદરથી ઉંદર જેવો છે.
મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની મેકેન્ઝીનો થોડા સમય પહેલાં એક રિપોર્ટ આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ચીન દુનિયામાં સૌથી વધુ સંપત્તિ ધરાવતો દેશ બની ગયો છે. એ રીતે જોઈએ તો તે દુનિયાનો સૌથી અમીર દેશ ગણાય. આપણને આશ્ચર્ય એ વાતનું થાય કે જીડીપી અમેરિકાની મોટી છે, તો ચીન દુનિયાનો સૌથી અમીર દેશ કઈ રીતે બની ગયો? ને તેનો જવાબ શોધવા જઈએ ત્યારે ચીની વિકાસના તકલાદીપણાનો પણ અંદાજ આવે. આ વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ.
કોઈ પણ દેશમાં વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય તેનું આર્થિક મૂલ્ય જીડીપીમાં ઉમેરાતું જતું હોય છે. જીડીપી બીજું કશું નથી પણ જે તે દેશ દ્વારા આખા વર્ષ દરમિયાન ઉત્પાદિત કરવામાં આવતી વસ્તુઓ અને સેવાઓના આર્થિક મૂલ્યોનો ટોટલ છે. જેમ કે તમે ચશ્માંની ફ્રેમ બનાવી અને તે ૧૦૦ રૂપિયામાં વેચી તો તે ૧૦૦ રૂપિયા જીડીપીમાં પ્લસ થઈ જાય. એવી જ રીતે નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી વસ્તુઓ અને સેવાઓના આર્થિક મૂલ્યોનો સરવાળો થતો જાય.
હવે જીડીપીવાળી વાત બે મિનિટ માટે બાજુ પર મૂકીને થોડું સંપત્તિ વિશે સમજીએ. કોઈ પણ વ્યક્તિની કુલ સંપત્તિમાંથી મોટો હિસ્સો રિયલ એસ્ટેટમાં હોય છે. ધારો કે આપણી પાસે ૩૦ લાખ રૂપિયાની સંપત્તિ હોય તો તેમાંથી ફલેટની કિંમત ૨૫ લાખ રૂપિયા હોય, અને બાકીના પાંચ લાખ રોકડ કે દાગીના સ્વરૂપમાં હોય. આવો જ નિયમ દેશની બાબતમાં પણ છે. દેશની સંપત્તિનું આકલન થાય ત્યારે તેમાં પણ સૌથી મોટો હિસ્સો રિયલ એસ્ટેટ સ્વરૂપમાં જ હોય છે. અમેરિકાની જીડીપી ચીન કરતા મોટી હોવા છતાં પણ અમીરીની બાબતમાં ચીન એનાથી આગળ નીકળી ગયું અથવા તો એવું દેખાય છે કે તે આગળ નીકળી ગયું. એવું એટલા માટે કેમ કે અમેરિકાની જીડીપીમાં અલગ-અલગ ક્ષેત્રોની આવક પ્રમાણસર છે. જ્યારે ચીનની જીડીપીમાં મોટા ભાગનો હિસ્સો રિયલ એસ્ટેટનો જ છે.
કોઈ પણ વસ્તુને સહજ રીતે વિકસવા દઈએ તો તે વધારે સારી રીતે વિકસે છે. તેનો વિકાસ કદાચ ઓછો હોય તો પણ નક્કર હોય છે, તકલાદી હોતો નથી. લિબરલ ઈકોનોમીનો વિકાસ આમ સહજ રીતે થતો હોય છે. તેમાં આયોજનનું તત્ત્વ ઓછું હોય છે અથવા કહો કે દરેક પક્ષકારને પોતાની રીતે આયોજન કરવાની સ્વતંત્રતા હોય છે. તેનાથી વિપરીત ચીનની ઈકોનોમી અંકુશિત છે. તેમાં ઉપરથી જે આયોજન નક્કી થાય તે જ સમસ્ત દેશે અનુસરવાનું રહે છે, પોતાની બુદ્ધિ ચલાવવાની છૂટ નથી, પોતાના ચીલે ચાલવાની પણ છૂટ નથી. ચીનમાં તાનાશાહી છે એટલે આદેશનું પાલન કરવું પણ ફરજિયાત છે.
દર વર્ષે ચીનના તાનાશાહ આદેશ આપે કે જીડીપીનો આટલો તો વિકાસ થવો જ જોઈએ, ચાહે કંઈ પણ થઈ જાય ને ટાર્ગેટ પૂરો કરવા માટે વિવિધ મશીનરીઓ નિયત આયોજન પ્રમાણે કામે લાગી જાય. સંપત્તિનો સૌથી મોટો હિસ્સો રિયલ એસ્ટેટમાં હોય છે ત્યારે ચીને ઝડપી આર્થિક વિકાસ બતાડવા માટે જીડીપીનો સૌથી મોટો હિસ્સો પણ રિયલ એસ્ટેટને બનાવી દીધો.
ચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ બજારમાંથી લોન ઉઠાવી-ઉઠાવીને સુંડલા મોઢે ઈમારતો બાંધવા લાગી. માર્કેટમાં પ્રોપર્ટીની ડીમાન્ડ કેટલી છે એ પણ ન જોયું, અને ખરીદારો કઈ કિંમતે પ્રોપર્ટી ખરીદવા સક્ષમ છે તેનો પણ અભ્યાસ ન કર્યો. દર વર્ષે લક્ષ્યાંક મુજબના બિલ્ડિંગો ચણી નાખવાના. તમે એક માત્રા કરતાં વધારે બિલ્ડિંગ મટિરિયલનો ઉપયોગ કરવા લાગો તો તેના ભાવ પણ વધી જાય. તમારી પડતર ઊંચી આવે. એવરગ્રાન્ડે આ કશું જ જોયા વિના ઈમારતો ખડક્યા કરી. ઊલટું બિલ્ડિંગ મટીરીયલ મોંઘું થવાથી જીડીપી ઓર મોટી દેખાય. ચીનને તો એ જ જોઈતું હતું.
આજે સ્થિતિ એ છે કે લાખો ફલેટ્સ ખાલી પડયા છે. તેની કિંમત એટલી વધારે છે કે ચીનના મિડલ ક્લાસને તે ખરીદવા પોસાય તેમ નથી. પોતાને પડતર ઊંચી આવી હોવાથી એવરગ્રાન્ડ પણ એક હદથી નીચા ભાવે તે વેચી શકે તેમ નથી. માલ વેચાયો ન હોવાથી તેના અબજો રૂપિયા સલવાયેલા છે અને તે દેવુ ચૂકવવા અસમર્થ બની ગઈ છે. હવે સમજાયું ચીનનો જીડીપી દર શા માટે ઉંચો દેખાયો? કારણ કે એવરગ્રાન્ડ દર વર્ષે લાખો આવાસો બાંધ્યા કરતી હતી. રીપીટ. અમેરિકાની જીડીપીમાં બધા સેકટરનો હિસ્સો પ્રમાણસર છે, સાહજિક છે. જ્યારે ચીનના કુલ જીડીપીમાં મોટા ભાગનો હિસ્સો રિયલ એસ્ટેટનો જ છે.
અમેરિકાની લેહમેન બ્રધર્સ બેન્કે નફો કમાવવાની લાલચમાં રિસ્ક એસેસમેન્ટ કર્યા વિના જ ઊંચા વ્યાજની લોન આપવાનું શરૂ કરી દીધુ હતું. લાખો લોકો તે લોન ભરપાઈ ન કરી શકતા બેન્ક ઊઠી ગઈ અને ૨૦૦૮માં ભયાનક આર્થિક મંદી આવી. ચીન પણ એવી જ આર્થિક મંદીની કગાર પર ઊભું છે. એવરગ્રાન્ડના ગમે ત્યારે ઉઠમણાં થઈ શકે છે. તે ઊઠશે તો તેના લાખો કર્મચારીઓ બેરોજગાર બનશે એટલું જ નહીં તેની રિપલ ઈફેક્ટ સર્જાતા ચીનનું અર્થતંત્ર ભયાનક મંદીમાં સરી પડશે. આ આખી કથામાં બીજી વાત એ સમજવા જેવી છે કે ચીનને વિશ્વમાં નંબર વન ધનાઢ્ય દર્શાવતી તેની કુલ સંપત્તિમાંથી ઘણો બધો હિસ્સો ખાલી ફલેટ્સ રૂપે છે. ચીનનો આર્થિક વિકાસ પણ આવી જ રીતે ભીતરથી ખાલી અને ખોખલો છે.
આ જોતા લાગે છે કે ડ્રેગન ગમે ત્યારે આર્થિક રીતે પડી ભાંગશે. ચીનની આર્થિક મંદી અમેરિકાની આર્થિક મંદી કરતાં વધારે ભીષણ હશે, કારણ એ જ. અમેરિકાનું અર્થતંત્ર અનેક ક્ષેત્રો પણ સપ્રમાણ અવલંબિત રહ્યું છે જ્યારે ચીનના આર્થિક વિકાસનું મોટા ભાગનું અવલંબન રિયલ એસ્ટેટ પર છે. ચીનમાં આ હદનું નેગેટિવ ડેપલપમેન્ટ થવાનું કારણ ત્યાંની તાનાશાહી છે. દરેકને ઉપરથી છૂટેલા આદેશનું પાલન કરવાનું હોય છે, દલીલ કરવાની સ્વતંત્રતા હોતી નથી. ખોટું થતું હોય ત્યારે પણ કોઈ રોકનારું કે ટોકનારું મીડિયા પણ નથી. લોકતાંત્રિક મૂલ્યોની જે લોકો અવગણના કરે છે જેમને તે ટુ મચ ડેમોક્રસી લાગે છે, જે તેમને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે તેમણે પડોશના ઉદાહરણમાંથી બોધપાઠ લેવો જોઈએ.