For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2022ના અભૂતપૂર્વ વૈશ્વિક પડકારો

Updated: Jan 14th, 2022

Article Content Image

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- એકબાજુ કોવિડને કારણે મજૂરોને રોજી-રોટી છોડીને વતન પરત ફરવુ પડયું છે તો બીજીબાજુ લાખો લોકો એવા છે જેઓ ક્લાયમેટ ચેન્જને કારણે   પોતાનું વતન છોડવા મજબૂર છે

સાલ ૨૦૨૨ વિશ્વ માટે જેટલું પડકારજનક છે એટલું ભાગ્યે જ કોઈ વર્ષ હોય છે. જાનનું સ્વાગત વેલકમ ડ્રિંકથી થાય એમ નવા વર્ષનું સ્વાગત ઓમિક્રોન વેરિઅન્ટ સાથે થયું છે. માલસામાનની સપ્લાય ચેઈન ખોરવાયેલી હોવાથી ચીજવસ્તુઓના ભાવ આભ ઓળંગી ગયા છે. વિશ્વ હજુ આર્થિક મહામારીમાંથી પણ બેઠું થયું નથી, આર્થિક અસમાનતાની સાથે વેક્સિનની અસમાનતાનો પ્રશ્ન જડબું ફાડીને ઊભો છે. ભારત-અમેરિકા અને રશિયા-ચીન વચ્ચેનું ટેન્શન નવી સપાટી વટાવી રહ્યું છે. 

ઓમિક્રોન વેરિઅન્ટે એ તો સ્પષ્ટ કરી દીધું છે કે રસીના બે ડોઝથી વાત પતી જવાની નથી. ત્રીજો ડોઝ પણ આપવો પડશે અને ચોથો ડોઝ પણ આપવો પડે તો નવાઈ નહીં.  અગાઉ જે લોકો રસી લઈ ચૂક્યા છે તેઓ પણ ઓમિક્રોનનો શિકાર બની રહ્યા છે. મતલબ કે  ભવિષ્યમાં વધુ એવા વેરિઅન્ટ આવી શકે છે જે રસીને ગાંઠે નહીં, રસી પ્રતિરોધક પૂરવાર થાય. આઈએમએફના વડા ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ ચેતવે છે કે જો કોવિડ-૧૯ની અસર દીર્ઘકાલીન રહેશે તો આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક જીડીપીમાં ૫.૩ અબજ ડોલરનો ઘટાડો થશે. ૨૦૨૨ના મધ્ય સુધીમાં વિશ્વની ૭૦ ટકા વસ્તીનું રસીકરણ થઈ જવું જોઈએ.  અત્યારે અવિકસિત દેશમાં કેવળ પાંચ ટકા વસ્તીને જ રસી આપવામાં આવી છે.

કોવિડને ફેલાતો રોકવાના ભાગરૂપે ૨૦૨૦માં વિવિધ દેશમાં જે રીતે લોકડાઉન થયેલા અને રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય પ્રવાસો પર પ્રતિબંધો મૂકાયેલા તેની અસર માલસામાનની અવરજવર પર પડી છે. એ અસરમાંથી વિશ્વ હજુ પણ મુક્ત થયું નથી. મોટી સંખ્યામાં શ્રમિકો વતન પરત ફરી ગયા હોવાથી બંદરગાહો પર તેમની અછત વર્તાઈ રહી છે. ખલાસીઓની અછત ઊભી થતાં માલવાહક જહાજોની સંખ્યા ઘટી છે તો બીજી તરફ બંદર પરથી માલસામાનના લોડિંગ અને અનલોડિંગમાં પણ મજૂરોની કમીને કારણે ઢીલ થઈ રહી છે. સેમીકંડકટરનું ઉત્પાદન ઘટતાં  મોટર કારના ઉત્પાદનને ફટકો પડયો છે અને તેના ભાવ નવા શિખર સર કરી રહ્યા છે. ૨૦૨૦માં બનેલી આ સ્થિતિમાં અત્યંત ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે. ૨૦૨૩ પહેલાં  તે પૂર્વવત્ થાય એવી કોઈ સંભાવના શૂન્ય છે.

કોરોના કાળમાં માલ-સામાનની પડતર  ઊંચી જવાની સાથે વીજળી પણ મોંઘી થઈ છે, તેના કારણે અમેરિકામાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ન જોવા મળી હોય એવી મોંઘવારી દેખાઈ રહી છે. અમેરિકામાં આ સ્થિતિ હોય તો મધ્યમ આવક અને ઓછી આવકવાળા દેશોની હાલત શું હશે? તે સમજી શકાય છે.  આ અસર ચક્રીય છે. કોરોના આવતા સપ્લાય ચેઈન તૂટી છે, સપ્લાય ચેઈન તૂટતા મોંઘવારી આવી છે. જ્યાં સુધી કોરોના જશે નહીં ત્યાં સુધી આ દુષ્ચક્ર તોડવું અસંભવ છે. ટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં છેલ્લાં બે વર્ષમાં ફૂંકાયેલી અકલ્પનીય તેજીએ વિશ્વને આર્થિક રીતે થોડું ઘણું ટકાવી રાખ્યું છે અન્યથા જે સ્થિતિ પેદા થાત તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી.

રશિયાએ ૨૦૧૪માં જેમ ક્રીમિયા પડાવેલું તેમ હવે તે તકનો લાભ લઈને આખા યુક્રેનને ગળી જવા અધીરું બન્યું છે. યુક્રેનની સીમા પર તેણે હજારો સૈનિકોને તૈનાત કરી દીધા છે. જો રશિયા યુક્રેન પર હુમલો કરે તો યુરોપિયન દેશો અને રશિયા તથા રશિયા અને અમેરિકા સામ-સામે આવી જાય એવી સ્થિતિ છે. 

યુરોપ અને રશિયા વચ્ચેનો તનાવ યુરોપમાં નેચરલ ગેસની અછત પેદા કરી શકે છે. રશિયા યુરોપને નેચરલ ગેસ પાઈપલાઈન થકી નિકાસ કરે છે તે આ પાઈપલાઈન બંધ કરીને યુરોપનું બાવડું મરડી શકે છે. ચીન-ભારત અને ચીન-અમેરિકા પણ ગમે ત્યારે બાથ ભીડી શકે છે.   જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તે એક એવો ભૂકંપ હશે જેના બે એપિ સેન્ટર હશે. એક યુરોપમાં  અને બીજુ એશિયામાં. વિશ્વ યુદ્ધ થવા અને ન થવા વચ્ચેનું અંતર માત્ર એક બટન દબાવવા જેટલું જ રહી ગયું છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમે પણ ૨૦૨૨ના ગ્લોબલ રિસ્ક રિપોર્ટમાં કેટલાક ખતરા ગણાવ્યા છે. તેમાં ભારતમાં દિગ્ભ્રમિત બનેલા યુવાનો, રાજ્યો વચ્ચેના ખરાબ થતા સંબંધો, ટેકનોલોજી આધારિત પ્રશાસનની નિષ્ફળતા, વધતું દેવુ અને ડિજિટલ અસમાનતાને ભારત માટે ખતરારૂપ ગણાવાયાં છે. દુનિયા માટે પર્યાવરણ સંકટ, વધતી અસામાજિક સમાનતા,  સાયબર અસુરક્ષા અને કોવિડને પણ જોખમરૂપ  ગણાવાયો છે. વિશ્વ માટે જે દસ ખતરા ગણાવાયા છે તેમાંથી છ ક્લાયમેટ ચેન્જ સાથે જોડાયેલા છે. જો વિશ્વ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડનારી ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરતું નહીં થાય તો મોટાપાયે નુકસાન થશે. 

અત્યાર સુધી સામાજિક અને આર્થિક અસમાનતા હતી. હવે વેક્સિન અસમાનતા જોવા મળી રહી છે. અસમાનતાની ખાઈ પ્રતિદિન વધુ ઊંડી થતી જાય છે. એકબાજુ કોવિડને કારણે મજૂરોને રોજી-રોટી છોડીને વતન પરત ફરવુ પડયું છે તો બીજીબાજુ લાખો લોકો એવા છે જેઓ ક્લાયમેટ ચેન્જને કારણે   પોતાનું વતન છોડવા મજબૂર છે. 

આ તમામ સમસ્યાનું નિવારણ લાવવા મગજ કસવું પડે તેમ છે. બહુ ઓછા દેશના નેતાઓ ડહાપણ ભરી વાત કરી રહ્યા છે. 

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- કઝાખસ્તાનમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચતા તાનાશાહી સરકાર સામે  આંદોલન ફાટી નીકળ્યું છે. સામાન્ય જનતામાંથી ઊઠેલો વિરોધ પ્રતિદિન વધુ ને વધુ ભયાનક બનતો જાય છે. પ્રમુખ કાસીમ- ઝોમાર્ટ ટોકાયેવે તેની સરકારને બરખાસ્ત કર્યા પછી પણ વિરોધ શાંત પડી રહ્યો નથી. આવામાં તેણે રશિયા પાસે સૈન્ય મદદ માગી છે. 

- ઉત્તર કોરિયાએ તાજેતરમાં હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. બહુ ઓછા સમયમાં તેણે બીજી એવી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે જે પરંપરાગત બેલિસ્ટિક મિસાઈલ કરતા અનેકગણી વધારે મારકણી છે. 

- વિશ્વ વિખ્યાત ટેનિસ પ્લેયર નોવાક જોકોવીચ કોવિડ રસી લીધા વિના જ એક ટુર્નામેન્ટની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રશાસને પણ તેની સાથે એ  જ વ્યવહાર કર્યો જે બીજા પ્રવાસીઓ સાથે કરવામાં આવે છે. તેના વિઝા રદ કરી નાખવામાં આવ્યા. આ ઘટનાએ એક નવા વિવાદને જન્મ આપ્યો હતો. જો કે તેના વતન સર્બિયામાં એવા લોકો મોટી સંખ્યામાં છે જેમને રસી પર વિશ્વાસ નથી. 

- અમેરિકામાં ઓમિક્રોને કાળોકેર વર્તાવ્યો છે. રોજના ૧૦ લાખ કેસ નોંધાઈ રહ્યા છે.  વાઈટ હાઉસના કોવિડના સલાહકાર એન્થની ફૌસીએ હૉસ્પિટલો દર્દીથી છલકાઈ જવાની  ચેતવણી આપી છે. 

- ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે જે લોકો રસી નહીં લે તેમના હું ટુકડા કરી નાખીશ. તેમને રેસ્ટોરાં, દુકાનો અને સામાજિક પ્રસંગોમાં જતાં અટકાવવામાં આવશે. તેમને જેલભેગા કરવામાં આવશે અથવા બળજબરીપૂર્વક રસી આપવામાં આવશે. 

- ઇટલીમાં ૫૦ વર્ષ કરતાં મોટી ઉંમરના લોકો માટે રસીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેના કરતાં નાની ઉંમરના લોકો જો રસી ન લે તો તેઓ કોવિડ ટેસ્ટ કરાવીને પોતાના કામ પર જઈ શકે છે. 

- હોંગકોંગની લોકશાહી તરફી ન્યુઝ વેબસાઈટ સ્ટેન્ડ ન્યુઝ પર પોલીસે સેંકડો દરોડા પાડી તેના સ્ટાફના સાત કર્મચારીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ વેબસાઈટ બંધ કરી દેવામાં આવી છે.

Gujarat