mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કોવિડ: ફ્રાંસમાં આંદોલન, અમેરિકામાં વધતા કેસ

Updated: Aug 13th, 2021

કોવિડ: ફ્રાંસમાં આંદોલન, અમેરિકામાં વધતા કેસ 1 - image


- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- બ્રાઝિલના ભ્રષ્ટ પ્રમુખ જૈર બોલ્સોનારોએ ચૂંટણી પ્રક્રિયા વિશે બફાટ કરતા તેમના વિરુદ્ધ તપાસ શરૂ થઈ છે: વુહાનની તમામ જનતાનો ફરીથી કોરોના ટેસ્ટ થશે

વિશ્વ બિલકુલ નવા જ પ્રકારની ઘટનાઓની ઘટમાળનો સામનો કરી રહ્યું છે. ક્યાંક આંદોલનો ચાલી રહ્યા છે, તો ક્યાંક આતંક.  રાજકીય કાવાદાવા નિમ્નતાની નવી ઊંચાઈ સર કરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન ધનાઢય દેશોને આજીજી કરી રહ્યંું છે કે તમારા દેશના નાગરિકોને રસીનો બુસ્ટર ડોઝ ન આપો જેથી ગરીબ દેશોના લોકોનું રસીકરણ થઈ શકે. આંધળે બહેરું કુટાઈ રહ્યું છે. આવું બીજું કંઈ કેટલુંય બની રહ્યું છે. 

તાલિબાન આતંકીઓ અફઘાનિસ્તાનના એક પછી એક શહેર કબ્જે કરી રહ્યા છે. અફઘાનિસ્તાનનું ત્રીજું સૌથી મોટું શહેર હેરત, હેલ્મંડ પ્રાંતનું પાટનગર લશ્કરગાહ અને કંદહાર બાનમાં લઈ લીધું છે. તેમણે અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રીના ઘર પર પણ બોમ્બ હુમલો કરાવ્યો હતો. ચીન, રશિયા, અમેરિકા સહિત વિવિધ દેશોએ મળીને તાલિબાન સાથે સમજૂતિ કરી હતી એ સમજૂતિનું શું થયું? વેસ્ટર્ન પાવરની પોલ ખુલ્લી પડી ગઈ છે.

અફઘાનિસ્તાનના અને ઈરાનના ઉદાહરણો દર્શાવે છે કે અમેરિકાને ગાંઠવું હવે જરૂરી રહ્યું નથી. યુનાઈટેડ સ્ટેટ્સે આવેશમાં ઠોકી બેસાડેલા યુદ્ધ અને ત્યાર બાદ પૂરતા વિચાર વિના કરેલી પાછીપાનીએ એશિયાના એક દેશને અસ્થિર બનાવી દીધો છે. પાડોશી હોવાના નાતે તેના દૂષ્પરિણામો આપણે ભોગવવાના આવે એ બાબતે ભારત સરકારે અમેરિકા પાસે જવાબ માગવો જોઈએ. 

મલેશિયાના વડાપ્રધાન મુહ્યીદ્દીન યાસીને   સંસદમાં બહુમતી ગુમાવી દીધી છે. અવિશ્વાસ પ્રસ્તાવ દરિમયાન તેઓ ૧૧ મતે હારી ગયા  હતા, તેમ છતાં તેઓ ગાદી છોડવા તૈયાર નથી. તેમણે સપ્ટેમ્બર મહિનામાં ફરીથી સંસદ બોલાવવાનો નિર્ણય કર્યો છે. ચીને તેમને ત્યાં ફરીથી માથું ઊંચકનારા કોવિડ-૧૯નું પગેરું શોધી કાઢયું છે.

તેમણે દાવો કર્યો છે કે રશિયાથી નાન્ઝીંગ આવેલા વિમાન થકી કોરોનાનું પુનરાગમન થયું છે. બેઈજિંગથી હવાઈ મુસાફરી પ્રતિબંધિત કરવામાં આવી છે. દુનિયામાં કોરોનાનો પહેલવહેલો કેસ જ્યાં મળી આવ્યો હતો તે વુહાનમાં વસતા ૧.૧૦ કરોડ લોકોનું ફરીથી ટેસ્ટિંગ કરવામાં આવશે.

ક્લાયમેટ ચેન્જને કારણે કુદરતી આફતો ઝડપથી વધી રહી છે. ચીનના સેન્ટ્રલ હેનાન પ્રાતમાં પૂરને કારણે ૩૦૨ના મોત થયાં હતાં અને બીજા ૫૦ લાપતા બન્યા હતા. જોકે ચીન આ વિશે જરાય જાગૃત નથી. વિકાસની ભૂખમાં તે એટલું મદહોશ છે કે ભયંકર પ્રદૂષણ સર્જી રહ્યું છે. હોંગકોંગના લોકશાહી સમર્થકો સામે ચીન વધુનેવધુ આકરું બનતું જાય છે.

ડ્રેગનને ભય છે કે હોંગકોંગવાસીઓની હિંમત અને તેના આંદોલનો ચીનની મુખ્ય ભૂમિની જનતાને જગાડી દેશે અને દેશમાંથી સામ્યવાદી શાસન ખતમ થઈ જશે. તેમણે હોંગકોંગના લોકશાહી સમર્થક પોપસ્ટાર એન્થની વોંગ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી તેને જેલ ભેગો કરી દીધો હતો.   તેના રાજકીય ગીતોને ચીનની સ્ટ્રીમીંગ વેબસાઈટ પર બ્લોક કરાવી દીધા હતા. તેના પર મનોરંજન પૂરું પાડવા દરમિયાન લોકોના વોટ બીજી તરફ ડાયવર્ટ કરવાનો હાસ્યાસ્પદ આરોપ મૂકવામાં આવ્યો છે.

લોરલ હ્યુબાર્ડ ઓલિમ્પિકમાં ભાગ લેનારી દુનિયાની પહેલી  ટ્રાન્સજેન્ડર વ્યક્તિ બની છે. ન્યુઝીલેન્ડની આ ટ્રાન્સજેન્ડરે વેઈટલિફટીંગમાં ભાગ લીધો હતો. ન્યુયોર્કના ગવર્નર એન્ડ્રુ ક્યુમો પર જાતિય ગેરવર્તનનો આરોપ મુકાયો છે. યુરોપ રાજ્યના એટર્ની જનરલે પ્રસિદ્ધ કરેલા રિપોર્ટ પ્રમાણે એન્ડ્રુએ ૧૧ મહિલાઓ સાથે છેડતી કરી હતી. જો બાઈડન સહિતના નેતાઓએ તેમને રાજીનામું આપી દેવા દબાણ કર્યું છે. 

ઈરાનના કટ્ટરવાદી મૌલવી ઇબ્રાહિમ રઈસીએ ઈરાનના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. હાલ ઇરાન બે આંતરરાષ્ટ્રીય જહાજો પર હુમલાના આક્ષેપનો સામનો કરી રહ્યું છે. ઓમાનના દરિયા પાસે ઈઝરાયલના એક ઓઈલ ટેન્કર પર ડ્રોન દ્વારા વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા. જેમાં બેનાં મોત થયાં હતાં.

દુબઈના એક જહાજમાં એક હુમલાખોર ચડયો હતો અને તેણે કપ્તાનને બંદૂક બતાવી જહાજને ઈરાન તરફ વાળવા આદેશ કર્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીએ  કટ્ટરપંથી રાજનીતિ આગળ ધપાવવાના હેતુથી કઠપૂતળી ઇબ્રાહિમ રઈસીને ઈરાનના પ્રમુખ બનાવ્યા છે.

ઈરાન  તાલિબાન પ્રત્યે આક્રમક વલણ અપનાવશે એવી ભારતની આશા ઠગારી નીવડવાની છે.  ઝામ્બિયામાં ચૂંટણી પહેલાં ઠેરઠેર સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે. સત્તાધારી પક્ષે ચૂંટણી જીતવા સામ, દામ, દંડની નીતિ અપનાવી છે. જો તટસ્થ ચૂંટણી યોજાય તો વિપક્ષી નેતા હકાઇદે હીચીલેમા વિજેતા બને તેમ છે. ઝામ્બિયાના વર્તમાન શાસકો તેવું ન થવા દે તે સ્વાભાવિક નથી, પણ સ્પષ્ટ છે. દુનિયાભરમાં અત્યારે લોકતાંત્રિક મૂલ્યો નબળાં પડતાં જાય છે. જોર-જુલમથી સત્તા મેળવવા અને ટકાવી રાખવાની પ્રેક્ટીસ વધતી જાય છે. 

પેરુના નવા ડાબેરી પ્રમુખ પેડ્રોકાસ્ટિલોએ રાજનીતિમાં નવા નિશાળીયા ગાઈડો બેલીડોને  વડાપ્રધાન બનાવી દીધા છે. ગાઈડો એક વિવાદાસ્પદ ચરિત્ર છે. સોશિયલ મિડીયામાં સજાતિયો વિરૂદ્ધ અને જાતિય ટીપ્પણી કરવા બદલ તેઓ વિવાદમાં ફસાયા હતા. ડાબેરી અર્થશાસ્ત્રી કેડ્રો ફ્રેન્કને નાણાંપ્રધાન બનાવવામાં આવ્યા છે. બ્રાઝિલના પ્રમુખ જૈર બોલસોનારોને પણ વાદવિવાદ સાથે કાયમનો નાતો થઈ ગયો છે.

રસીની ખરીદીમાં લાંચના મામલા પછી હવે તેમના વિરુદ્ધ ૨૦૨૨ની ચૂંટણીને લઈને કરેલા બફાટ વિશે તપાસ શરૂ થઈ છે. કોરોના  મહામારીમાં દાખવેલી બેદરકારી અને અવિચારી બયાનબાજીને કારણે અળખામણા બન્યા હોવાથી તેઓ હારી જાય તેમ છે. આથી તેમણે કોઈપણ પ્રકારના આધાર પુરાવા વિના એવું વિધાન કર્યું કે ૨૦૨૨ની ચૂંટણીમાં ઈલેકટ્રોનિક વોટિંગ સીસ્ટમમાં ગેરરીતિ થશે. 

મેક્સિકોની સરકારે અમેરિકાના ગનમેકર્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે અમેરિકાના ગન ઉત્પાદકો મેક્સિકોમાં ગેરકાયદે રીતે બંદૂક ઘુસાડીરહ્યા છે. બોસ્ટનની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા   કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંદૂકો ડ્રગકાર્ટેલ્સના હાથમાં જઈ રહી છે અને તે રોકવા માટે ગનમેકર્સ કંપનીઓ કશું જ કરી રહી નથી.

અમેરિકાની શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ અત્યંત પાવરફૂલ છે. તે અમેરિકાની રાજનીતિને કંટ્રોલ કરે છે એટલું જ  નહીં સમગ્ર વિશ્વની રાજનીતિ પર પ્રભાવ પાડે છે. યુદ્ધ અને અશાંતિ તેમના બિઝનેસનું બળતણ છે. આ કેસનું ફીંડલું વળી જશે તેમાં કોઈ શંકા નથી. 

ટોક્યો ઓલિમ્પિકમાં બેલારૂસના એક દોડવિરાંગના અને તેના કોચ વચ્ચે અનબન થઈ ગઈ હતી. તેણે કોચની ટીકા કરતાં તેના પર રમત છોડી વતન પરત ફરી જવા દબાણ કરાયું હતું. જવાબમાં તેણે જાપાનની પોલીસની મદદ લેવી પડી હતી. બેલારુસમાં હાલ ભયંકર રાજકીય દમન ચાલી રહ્યું છે.

સરકારના અત્યાચારથી બચાવી લોકોને ભાગવામાં મદદ કરતાં એક્ટિવિસ્ટ વીટેલી સીસૌવની લાશ યુક્રેનના એક પાર્કમાં લટકતી મળી આવી હતી. અન્ય બે એક્ટિવિસ્ટો સામે પણ સરકાર બંધબારણે કેસ ચલાવવાનું નાટક રચી રહી છે.

ભૂતકાળ ક્યારેય તમારો કેડો મૂકતો નથી. તમે કરેલા ગુનાઓ સતત તમારો પીછો કરતાં રહે છે. જર્મનીમાં હાલ એક ૧૦૦ વર્ષના  વૃદ્ધ પર કેસ ચાલી રહ્યો છે. તેના પર આરોપ છે કે તે નાઝી સેનાનો ગાર્ડ હતો અને તેણે કોન્સન્ટ્રેશન કેમ્પમાં ૩,૫૦૦ લોકોની હત્યા કરેલી. લોકરોષનો ભોગ ન બને એટલા માટે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. ફ્રાન્સમાં નવા પ્રકારના આંદોલનો શરૂ થયા છે. પેરિસ તથા  બીજા ફ્રેન્ચ શહેરોમાં ૨,૦૦,૦૦૦થી વધુ લોકો સડક પર ઊતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

તેમનો વિરોધ ફ્રાન્સની સરકારે લાગુ કરેલા એક નવા કાયદા સામે છે. સરકારે કાયદો લાગુ કર્યો છે કે લોકોએ ટ્રેન, વિમાન, કાફે કે રેસ્ટોરામાં દાખલ થતાં પહેલાં કોવિડ પાસ બતાવવો પડશે. આ પાસ જેને રસીકરણ થઈ ચૂક્યું હોય તેને જ ઈસ્યુ થાય છે. અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાં પણ આવો નિયમ લાગુ કરાયો છે.  યુએસમાં કોવિડ કેસોની સંખ્યા બહુ ઝડપથી વધતી જાય છે.

Gujarat