વિશ્વમાં વધતા તખ્તાપલટઃ કોરોના જવાબદાર કેમ?


- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- સૌથી વધુ ખનીજતેલ વેનેઝુએલા પાસે છે તોય તે ગરીબ છે, કારણ કે ત્યાં સ્થિર સરકાર નથીઃ ખનીજ સમૃદ્ધ આફ્રિકન દેશો પણ ગરીબ હોવાનું આ જ કારણ છે

રાજકીય સ્થિરતા ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. જ્યારે મ્યાંમાર, અફઘાનિસ્તાન, ઈજિપ્ત, યમન, લિબિયા કે આફ્રિકન દેશોને જોઈએ ત્યારે આ વાત વધારે ઉંડાણથી સમજાય છે. સ્થિર સરકાર વિનાનું માનવજીવન નર્ક બની રહે છે. અફઘાનિસ્તાનમાં એટલી ગરીબી આવી ગઈ છે કે લોકો પોતાના સંતાન વેચીને પેટ ભરી રહ્યા છે. આફ્રિકન દેશોની હાલત પણ કંઈક આવી જ છે.

સુદાનમાં આ વર્ષે બે વખત તખ્તા પલટની કોશિશ થઈ. પહેલી કોશિશ નિષ્ફળ ગઈ તો બીજા પ્રયત્નમાં સરકાર ઉથલાવી દેવામાં આવી.  જનરલ અબ્દેલ ફતહ બુરહાને તખ્તા પલટ કરી કટોકટી લાગુ કરી દીધી. આફ્રિકામાં ગીની નામનો એક ટચુકડો દેશ આવેલો છે ત્યાં પણ   પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સેના દ્વારા તખ્તાપલટ કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ આલ્ફા કોન્ડેને પદભ્રષ્ટ કરી હિરાસતમાં લઈ લેવામાં આવ્યા. બંધારણને ગેરકાયદે ઘોષિત કરી દેવામાં આવ્યું.

માલીમાં મે ૨૦૨૧માં સૈન્ય વિદ્રોહ થયો.  ચૂંટાયેલી સરકારને ફગાવી દઈ સેનાએ સત્તા કબજે કરી લીધી. એક જ વર્ષની અંદર બે વખત  સેનાએ સરકારી કામકાજમાં હસ્તક્ષેપ કર્યો. આફ્રિકન દેશ ચાડમાં લાંબા સમયથી ઉગ્રવાદીઓ સરકાર સામે ધીંગાણે ચડયા છે.  એપ્રિલ મહિનામાં તેમણે રાષ્ટ્રપતિની હત્યા કરી નાખી. 

ત્યારબાદ તેમના દીકરા મહામત ઈદરીસ ડેબીને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. છેલ્લા ૧૦  વર્ષથી આફ્રિકામાં ક્યાંક ને ક્યાંક તખ્તાપલટ થઈ રહ્યું છે. ૨૦૧૭માં સેનાએ રોબર્ટ મુગાબેને હટાવી સત્તા પોતાના હાથમાં લઈ લીધી. બુર્કીના ફાસોમાં સાત વખત તખ્તાપલટ થઈ ચૂક્યું છે. 

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક ખનીજ સમૃદ્ધ દેશ છે. ત્યાં સાલ ૨૦૧૩માં વિદ્રોહીઓએ સત્તાપલ્ટો કરી નાખ્યો. સેલાકા વિદ્રોહીઓએ   રાષ્ટ્રપતિ ફ્રેન્કોઈસ બોજોજીને પદભ્રષ્ટ કરી સત્તા કબજે કરી લીધી. યુ.એન.ના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ચિંતા વ્યક્ત કરી કે સૈન્ય તખ્તાપલટનો દોર ફરીથી શરૂ થઈ ગયો છે.  આંતરરાષ્ટ્રીય સમુદાયોમાં એકતાના અભાવે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી.

સેનાનું કામ દેશની રક્ષા કરવાનું હોય છે.  તેને રાજનીતિથી દૂર રાખવી ખૂબ જરૂરી છે.  તેની પાસે તમામ પ્રકારની શક્તિઓ રહેલી છે.  જો ટોચના સૈન્ય અધિકારીઓ રાજનીતિમાં રસ લેવા માંડે, તેમની દાઢ ડળકી જાય, તેમના મનમાં લાલચ જાગી જાય તો તે દેશનું આવી બને છે. પાકિસ્તાન તેનું ક્લાસિક એકઝામ્પલ છે. આઝાદી મળી ત્યારે ત્યાં પણ લોકશાહી હતી. બાદમાં સેનાએ સત્તા કબજે કરી લીધી તે આજ સુધી છુટકારો થયો નથી. લોકશાહી નામનું ત્યાં માત્ર નાટક ચાલે છે બાકી સેના જ સરકારને કંટ્રોલ કરે છે અને જરૂર પડે તો બદલી પણ નાખે છે. 

આફ્રિકન દેશોમાં ખનીજનો જેટલો ભંડાર છે એટલો વિશ્વમાં બીજે ક્યાંય નથી.જો ત્યાં સ્થિર સરકાર હોય, સારું શાસન હોય તો થોડા જ વર્ષોમાં તે યુરોપિયન દેશોની જેમ અતિસમૃદ્ધ બની જાય. વેનેઝુએલા પાસે સાઉદી અરેબિયા કરતાં પણ વધારે ખનીજ તેલ છે પણ વેનેઝુએલા કંગાળ છે કારણ કે ત્યાં સ્થિર સરકાર નથી. આફ્રિકાની અસ્થિરતાનો લાભ ચીન અને પશ્ચિમી દેશો ઉઠાવતાં રહે છે. 

કોંગોમાં એટલો ભૂખમરો છે કે વિદેશીઓ ત્યાંના સ્થાનિકો પાસેથી બ્રેડના પડીકાની ભારોભાર કાચુ સોનુ લઈ લે છે. સ્થિર અને મજબૂત સરકાર એક સારા રોડનું કામ પૂરું પાડે છે. તમારી પાસે ગમે એટલું ફાસ્ટ બાઈક કે કાર હોય પણ રસ્તો ભાંગેલો-તૂટેલો હોય તો તમે ક્યારેય વિકાસની ગાડી દોડાવી શકતા નથી. તમારી સુપર ફાસ્ટ કારને પણ બળદગાડા જેટલી ધીમી ગતિથી ચાલવું પડે છે. ગલ્ફ દેશોમાં લોકશાહી નથી પણ ત્યાં સ્થિર સરકાર છે એટલે તેઓ ખનીજ તેલ અને નેચરલ ગેસના જોર પર આર્થિક સમૃદ્ધિનો ઈતિહાસ લખી શક્યા છે. યુરોપિયન દેશો એટલે આખી દુનિયા પર રાજ કરી શક્યા કારણ કે ત્યાં સ્થિર સરકાર રહી છે. અત્યારે આફ્રિકામાં જે તખ્તાપલટ થઈ રહ્યા છે તે આફ્રિકા ખંડ અને દુનિયાને વધારે અશાંત બનાવનારા છે. 

કોરોના મહામારીના હુમલા પછી આંતરરાષ્ટ્રીય સમુદાયો એટલા સક્રિય રહ્યા નથી. પશ્ચિમી દેશો સ્વકેન્દ્રી બની ગયા છે. પોતાનું બળતું ઘર છોડીને ગામ બચાવવા કોણ જાય? એના જેવી આ વાત છે. 

ાૃપહેલાં ક્યાંય પણ અશાંતિ થતી તો અમેરિકા અને નાટોના સૈનિકો ત્યાં પહોંચી જતા હતા. યુ.એન.ની પીસકીપીંગ સ્ક્વોડ દોડી જતી હતા. અત્યારે દેશના બજેટનો મોટાભાગનો હિસ્સો કોરોના સામેની લડાઈમાં ખર્ચાઈ જાય છે, એવામાં કોઈને સેનાનો વધારે ખર્ચ પરવડે તેમ નથી. સત્તાલાલસુઓ પણ આ હકીકત જાણે છે એટલે જ મોકાનો લાભ લઈને તેમના દેશમાં રાજકીય કાવાદાવા કરી રહ્યા છે. તાલિબાને અફઘાનિસ્તાન બાનમાં લઈ લીધું તો પણ અમેરિકી સેના, નાટો કે બીજા કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠને  ક્યાં કોઈ તસ્દી લીધી? 

હવે બધા દેશોની રાજકીય સ્થિરતાનો આધાર તેમના દેશના સત્તાધીશો અને સેનાની નૈતિકતા પર છે. તેમને બચાવવા માટે બહારથી કોઈ મદદ આવશે એવું કમ સે કમ થોડા વર્ષો માટે તો ભૂલી જ જવું રહ્યું.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- પાકિસ્તાનની માનવતાવાદી ચળવળકાર  અને નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફઝાઈએ  બ્રિટનમાં લગ્ન કરી લીધા છે. મલાલાને ક્રિકેટનો જબરો શોખ છે અને તેમના પતિ પણ ક્રિકેટ સાથે સંકળાયેલા છે. મલાલા માત્ર ૧૫ વર્ષની હતી ત્યારે ૨૦૧૨માં પાકિસ્તાનમાં ત્રાસવાદીઓએ તેના પર ગોળી ચલાવી હતી. 

- પશ્ચિમી દેશોને ક્લાયમેટ ચેન્જ નિયંત્રિત કરવા માટે ડાહી-ડાહી વાતો કરવી છે પણ ખીસામાં હાથ નાખવો નથી. તેઓ ક્લાયમેટ ચેન્જ સામે લડવા માટે ભારત અને આફ્રિકા સહિતના વિકાસશીલ દેશોને વર્ષે ૧૦૦ અબજ ડોલરની પણ સહાય પૂરી પાડતા નથી. જ્યારે  આ માટેની જરૂરિયાત વાર્ષિક ૧.૩ ટ્રિલિયન ડોલરની છે. ભારત અને આફ્રિકાએ પશ્ચિમી દેશો પાસેથી ૨૦૩૦થી આટલી સહાય મળે એવી માગણી કરી છે. 

- અફઘાનિસ્તાન મુદ્દે ભારતે દિલ્હીમાં વિવિધ દેશોની બેઠકનું આયોજન કર્યું હતું. રશિયા, ઈરાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન સહિત આઠ દેશના નેતાઓએ તેમાં ભાગ લીધો હતો.

- પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કરક જિલ્લાના ટેરી ગામમાં સંત શ્રી પરમહંસજી મહારાજનું મંદિર આવેલું છે. સો વર્ષ જૂના આ મંદિરમાં ૨૦૨૦માં તોડફોડ કરીને તેમાં આગ ચાંપવામાં આવી હતી. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર એહમદે  આ મંદિરનું પુર્નનિર્માણ કરાવ્યું. હિંદુ પરિષદના આમંત્રણ પર તેઓ આ મંદિરમાં આયોજિત દીવાળીના ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. 

- બ્રિટનમાં ગ્લાસગો ખાતે સીઓપી-૨૬  (કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું ૨૬મું સંમેલન) યોજાયું હતું, તેમાં ૪૦થી વધુ દેશો સાલ ૨૦૫૦ સુધીમાં કોલસાનું ઉત્પાદન બંધ કરવા માટે વચનબદ્ધ થયા છે.

City News

Sports

RECENT NEWS